યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ ન પહેરવાના વિદ્યાર્થીઓ પાસેથી મળ્યા અનેક બહાના

ટૂ-વ્હીલર ચલાવવા સમયે ચાલક અને પાછળ બેઠેલી વ્યક્તિએ હેલ્મેટ પહેરવાનો કાયદો છે. પરંતુ હજુ અનેક લોકો હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચલાવે છે. આ વચ્ચે ઝી 24 કલાક દ્વારા રાજ્યની ચાર યુનિવર્સિટીની અંદર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, આ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ હેલ્મેટ વગર જોવા મળ્યા હતા.

યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ ન પહેરવાના વિદ્યાર્થીઓ પાસેથી મળ્યા અનેક બહાના

અમદાવાદઃ આપણી સુરક્ષા માટે હાઈકોર્ટ અને તંત્રએ કડક થવું પડે એ કેટલી વ્યાજબી કહેવાય?, ટુ-વ્હીરલ ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે. હાઈકોર્ટે પણ કડક વલણ દાખવ્યું છે પરંતુ આપણે સૌ હેલ્મેટ નથી પહેરતાં તે સત્ય છે. રાજ્યની તમામ યુનિવર્સિટીમાં હેલ્મેટ વગર નો એન્ટ્રીની જાહેરાત કરાઈ છે પરંતુ આ જાહેરાત માત્ર જાહેરાત જ હોય તેમ લાગી રહ્યું છે...ઝી 24 કલાકે ગુજરાતની ચાર મોટી યુનિવર્સિટીમાં રિયાલિટી ચેક કર્યું તો પોલંપોલ સામે આવી...એટલું જ નહીં વિદ્યાર્થીઓના જે બહાના હતા તે તમારે ખાસ સાંભળવા જોઈએ...જુઓ હેલ્મેટ પર રિયાલિટી ચેકનો આ ખાસ અહેવાલ....

હેલ્મેટનું રિયાલિટી ચેક        ગુજરાત યુનિવર્સિટી 
હેલ્મેટનું રિયાલિટી ચેક        MS યુનિવર્સિટી
હેલ્મેટનું રિયાલિટી ચેક        વીર નર્મદ યુનિવર્સિટી 
હેલ્મેટનું રિયાલિટી ચેક        સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 

રાજ્યભરના લોકો ટુ-વ્હીલર ચલાવતાં સમયે હેલ્મેટ પહેરે તે માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ લોકો જાતભાતના બહાના બતાવી પહેરવા જાણે તૈયાર જ નથી...એવા એવા બહાના કાઢે છે જેની કલ્પનાઓથી પણ પરે હોય....રાજ્યની ચાર મોટી યુનિવર્સિટીમાં પણ હેલ્મેટ વગર એન્ટ્રી નહીં તેની જાહેરાત તો કરાઈ હતી પરંતુ જ્યારે ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું તો કોઈ હેલ્મેટમાં જોવા ન મળ્યું...અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી, વડોદરાની MS યુનિવર્સિટી, સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી...બધે જ વિદ્યાર્થીઓ ખુલ્લા માથે જ બાઈક ચલાવતા નજરે પડ્યા...સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં તો હેલ્મેટની જાગૃતિ માટે ખાસ પ્રયાસ શરૂ કરાયું...જેમાં કુલપતિ ખુદ હાથ જોડી લોકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરતાં જોવા મળ્યા...

ઝી 24 કલાકની ટીમે સૌથી પહેલા રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં રિયાલિટી ચેક કર્યું....તો અહીં નો, હેલ્મેટ, નો એન્ટ્રીનો નિયમ માત્ર કાગળ પર જોવા મળ્યો....યુનિવર્સીટીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હેલ્મેટ વિના દેખાયા..વિદ્યાર્થીઓ ટ્રિપલ સવારી કરતા પણ જોવા મળ્યા...અને જાતભાતના બહાના બતાવતા પણ જોવા મળ્યા....

અમદાવાદ બાદ અમે ગુજરાતની ખ્યાતનામ વડોદરાની MS યુનિવર્સિટીમાં પહોંચ્યા....ત્યાં પણ હેલ્મેટ ક્યાંય નજરે ન પડ્યો....યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશ દ્વાર પર હેલ્મેટને લઈને કોઈ ચેકિંગ પણ જોવા ન મળ્યું. ગેટ પરથી સિક્યોરિટી જવાન જ ગાયબ દેખાયો.... સત્તાધીશો DGPના પરિપત્રને ઘોળીને પી ગયા હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું....

તો રાજકોટમાં હેલ્મેન્ટનો નિયમ ફરજિયાત કરાયો છે...પરંતુ રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ નિયમ તો અજાણ જોવા મળ્યા...ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં યુનિવર્સિટીનો સ્ટાફ અને વિદ્યાર્થી હેલ્મેટ વગર જોવા મળ્યા.... 

તમે હેલ્મેટ પહેરશો તો તેનાથી તંત્ર કે પછી કોઈ અધિકારીને ફાયદો થવાનો નથી...ફાયદો તમારી પોતાની સુરક્ષા માટે જ છે. પરંતુ આપણા સૌના માટે શરમજનક વાત છે કે હેલ્મેટ પહેરાવા માટે કોર્ટ અને તંત્રએ કડક થવું પડી રહ્યું છે. ઘણા અકસ્માતોમાં હેલ્મેટથી વ્યક્તિનો જીવ બચી જાય છે. વારંવાર બનતી અકસ્માતોની ઘટના બાદ પણ લોકો હેલ્મેટ નથી પહેરતાં...ત્યારે આપણે સૌ હેલ્મેટ પહેરીએ અને પોતાની સાથે પરિવારજનોની પણ ચિંતા કરીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news