અમરેલી વગર અધૂરી છે સૌરાષ્ટ્રની વાત...મહાનુભાવો આપવામાં અવ્વલ છે આ જિલ્લો
Trending Photos
સૌરાષ્ટ્ર પંથકની વાત આવે તો તેમાં અમરેલી હંમેશા ટોચ પર હોય છે. ગુજરાતના આ જિલ્લાની પ્રજા હંમેશા ચર્ચાતી રહે છે. અન્ય મામલાઓમાં આ જિલ્લો ભલે પછાત હોય, પરંતુ ગુજરાતને સારા મહાનુભાવો આપવાના લિસ્ટમાં હંમેશા અવ્વલ રહ્યો છે.
અમરેલીનું જનજીવન
અમરેલીમાં મિશ્ર અને ઓબીસી પ્રતિનિધિત્વ વધુ છે. ઓબીસીમાં પટેલ, કોળી, આહિર અને ક્ષત્રિય જિલ્લામા વર્ચસ્વ છે. દરેક બેઠક પર આ ચાર જ્ઞાતિ અસર કરે છે. ગુજરાતના અન્ય જિલ્લાના પ્રમાણમાં ઉદ્યોગની દ્રષ્ટિએ પછાત અને ખેતીની દ્રષ્ટિએ મુશ્કેલભર્યો જિલ્લો એટલે અમરેલી. અહીંની પાણીની સમસ્યા કાયમી અને વિકરાળ છે. અહીં પાણીના મૂળિયા એટલા ઊંડા ઉતરી ગયા છે કે, ઉદ્યોગો આવતા નથી. અહીં રોજગારીની સમસ્યા એટલી જ તીવ્ર છે. ઉદ્યોગો છે નહિ, તેથી લોકો ખેતી આધારિત છે. પાણી વગર ખેતી ઘસાતી જઈ રહી છે. અમરેલીનો ઘણો ખરો હિસ્સો સુરત આધારિત છે. ગરિયાધાર, બાબરા, પીપાવાવ, લાઠી, બગસરાના લોકો હીરા ઉદ્યોગ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. અમરેલી આજે પણ દેશી વિસ્તાર હોવાથી તળ કાઠિયાવાડી વાનગીઓ અહીં ખૂબ જ ફેમસ છે. જેમ કે, વઘારેલો રોટલો, દહી તીખારી આ પંથકની વિશેષતા છે.
અમરેલી વિકાસ
છેલ્લા અઢી દાયકાથી વિવિધ ઉદ્યોગો અને પીપાવાવ પોર્ટને કારણે રાજુલા હવે સમૃદ્ધ બન્યો છે. સિંગ, કપાસ તેમજ ઘઉંની ખેતી માટે અમરેલી પ્રખ્યાત છે. રાજુલામાં ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે. આ સિવાય અમરેલીમાં ઉદ્યોગો એટલા વિકસેલા નથી.
અમરેલીનો ફાળો
ગુજરાતમાં વિકાસમાં ભલે અમરેલીનો ફાળો નક્શા પર દેખાતો ન હોય, પરંતુ મહાનુભાવો આપવાની બાબતમાં અમરેલી અવ્વલ છે. અમરેલીએ અનેક આંતરરાષ્ટ્રીય રીતે ખ્યાતિ પામેલી વ્યક્તિઓ ગુજરાતને આપી છે. જેમાં ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા, ફેમસ કવિ રમેશ પારેખ, દેશના ધનિક વ્યક્તિ એવા દિલીપ સંઘવી, પ્રખ્યાત જાદુગર કે.લાલ, એક્ટ્રેસ દીના પાઠક, પ્રખ્યાત કથાકાર રમેશ ઓઝા તેમજ પોતાના કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે કાર ગિફ્ટ કરનાર સુરતના ફેમસ ડાયમંડ કિંગ સવજી ધોળકીયા પણ સુરતના છે.
અમરેલીમાં રાજકારણ
શાસન વિરોધી લહેર અહીં હંમેશા જોવા મળે છે. જ્યારે કોંગ્રેસનો દબદબો હતો ત્યારે પણ જનતા દળમાંથી દ્વારકાદાસ પટેલ અને ભાજપમાંથી દિલીપ સંઘાણી જીતતા રહ્યાં છે. યુવાન અને વિદ્રોહી નેતૃત્વને અમરેલી જિલ્લાએ હંમેશાથી વધાવ્યુ છે. દિલીપ સંઘાણી, પરષોત્રમ રૂપાલા અને હવે પરેશ ધાનાની તેના સૌથી મોટા ઉદાહરણ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પાસેથી આ કિલ્લો આંચકી લેવામાં કોંગ્રેસને મોટી સફળતા મળી હતી. જિલ્લાની પાંચેય બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. ત્યારે હવે લોકસભામાં પણ આ જ પુનરાવર્તન થાય તેવી શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે