એક રૂમ રસોડાનું ઘર ખરીદવા અઠવાડિયાથી રોજ હજારો લોકો લાઈન લગાવીને ઉભા રહે છે
Trending Photos
- આજે નિઝામપુરા વિસ્તારમાં આવેલી કોટક મહિન્દ્રા બેંકની બહાર આવાસ યોજનાના ફોર્મ લેવા લાંબી લાઈન લાગી હતી
- વડોદરાના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનો બનવા જઈ રહ્યાં છે
રવિ અગ્રવાલ/વડોદરા :ઘરનું ઘર હોય એ દરેકનું સપનુ હોય છે. પછી ભલે એ નાનુ કેમ ન હોય. નાનું ઘર પણ કેટલું મહત્વનું હોય છે તેનો કિસ્સો આજે વડોદરામાં જોવા મળ્યો. વડોદરામાં આજે આવાસ યોજનાના ફોર્મ લેવા લાંબી લાઈન લાગી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના ફોર્મ લેવા માટે હજારો લોકો સવારથી લાઈનમાં ઉભા હતા. આ લાઈન એટલી લાંબી હતી કે, સવારે પાંચ વાગ્યાથી લાઈનમાં ઉભેલા લોકોને આઠ કલાક બાદ પણ ફોર્મ મળ્યા ન હતા.
આજે નિઝામપુરા વિસ્તારમાં આવેલી કોટક મહિન્દ્રા બેંકની બહાર આવાસ યોજનાના ફોર્મ લેવા લાંબી લાઈન લાગી હતી. સવારે પાંચ વાગ્યાથી લાઈનમાં ઉભેલા લોકોને આઠ કલાક બાદ પણ ફોર્મ મળ્યા ન હતા. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ લેવા લોકોએ પડાપડી કરી હતી. 31 ડિસેમ્બરથી ફોર્મના વિતરણની જાહેરાત થઈ હતી. ત્યારે છેલ્લા સાત દિવસથી રોજ સવારે પાંચ વાગ્યાથી લોકો લાઈન લગાવીને ઉભા હોય છે. ત્યારે આજે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. આજે પણ લગભગ દોઢથી બે કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. જેમાં લોકો બેંક ખૂલવાની રાહ જોઈને સવારે 5 વાગ્યાના ઉભા હતા.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનો બનવા જઈ રહ્યાં છે. એક રૂમ રસોડું ધરાવતા ઘરની કિંમત પાંચ લાખ રૂપિયા રાખવામાં આવી છે. જેથી આવાસ યોજના માટે અનેક લોકો રાહ જોઈને બેસ્યા હતા.
તો બીજી તરફ, સયાજીપુરા આવાસ યોજનાના લાભાર્થીઓ હજી પણ આવાસથી વંચિત છે. 2016 થી આજ દિન સુધી 240 લાભાર્થીઓને મકાન મળ્યા નથી. પાલિકા દ્વારા અહીંના લોકોને 18 મહિનામાં મકાનો આપવાનું વચન અપાયું હતું. પરંતુ હજી સુધી મકાન અપાયુ નથી. ત્યારે મોટી સંખ્યામાં લાભાર્થીઓ આજે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને પોતાને વહેલી તકે મકાનો ફાળવી આપવા માંગ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે