Mothers Day : પુત્ર માટે જીવ ઘસી નાંખતી ગુજરાતની આ માતાને સો સો સલામ
Trending Photos
વિનાયક જાદવ/તાપી :સમગ્ર દેશમાં આજે મધર્સ ડે ઉજવાઈ રહ્યો છે, ત્યારે કહેવાય છે કે માની મમતા દીકરા દીકરીઓ માટે અપરંપાર છે. ‘મા તે મા બીજા બધા વગડાના વા’ની કહેવત આજે પણ સમાજમા પગલે પગલે જોવા મળે છે. ત્યારે વાત કરીએ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી ગામની એક માતાની, જે પોતાના જીવનની અમૂલ્ય ક્ષણો પોતાના વ્હાલા દીકરા માટે કુરબાન કરી રહી છે. પોતાના લાચાર સંતાન પાછળ... વર્ષ 2005માં આ માતાની કૂખે જન્મેલા પુત્રની શારીરિક સ્થિતિ ધોરણ બીજામાં ભણતી વખતે બગડ્યા બાદ પોતાના અનેક અરમાનો છોડી પથારીવશ પુત્રની સેવામાં જિંદગી વિતાવી રહી છે. હજુ પણ માતાની મમતાએ પુત્રના સાજા થવાની આશા છોડી નથી. તો આવો જોઈએ મધર્સ ડેના દિવસે માતાની મમતાનો ખાસ અહેવાલ.
Photos : પાણી માટે વલખા મારતા કચ્છની વધુ એક ભયાનક વાસ્તવિકતા, ભૂખથી તડપડી રહ્યા છે સેંકડો ઊંટ
આ માતાનું નામ છે નર્મદાબેન ચૌધરી, જેઓ તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલ મોરગામના મોટા ફળિયામાં રહે છે. તેમને સંતાનમાં 2 પુત્રો છે. નાનો પુત્ર નીરવ જ્યારે 8 વરસનો હતો અને ત્રીજા ધોરણમાં ભણતો હતો ત્યારે બીમારી પડ્યો હતો. અચાનક તેના બંન્ને પગ કામ કરવાના બંધ થઈ ગયા હતા. આજે ચાર વર્ષે પણ 12 વર્ષનો નીરવ ચાલી શક્તો નથી, અને માતાપિતાને તેને ઉંચકીને ફરવુ પડે છે. તે સંપૂર્ણ પથારીવશ છે. પુત્રની આવી હાલતના કારણે માતા હવે ખેતરે પણ નથી જતી અને ઘરે જ રહે છે. હસતા મોઢે એક માતા પોતાના દીકરાની તમામ જવાબદારી ઉઠાવે છે. હજુ પણ આશા નથી છોડી અને તેમને વિશ્વાસ છે કે, તેમનો દીકરો એક દિવસ સારો થઈ જશે.
આ દંપતી કે જે ખેતમજૂરી કરીને પોતાના દિવ્યાંગ દીકરા સાથે વર્ષોથી સાજા થવાની આશાઓ સાથે ગુજરાન ચલાવે છે. જ્યારથી તેમનો પુત્ર ચાલી નથી શકતો ત્યારથી નર્મદા બેનના પતિ અર્જુનભાઇ જ મજૂરી કરીને સમગ્ર પરિવાર ગુજરાન ચલાવે છે. માતા પોતાના પુત્રની સેવામાં જ જીવન વિતાવે છે, અને તેમની આ સેવા જ અર્જુનભાઈને પણ હિંમત આપે છે. આ કિસ્સો મધર્સ ડેના દિવસે સમાજને ઘણું બધુ કહી જાય છે.
દિવ્યાંગ દીકરાની સેવા કરતા માતાના આ જુસ્સાને સલામ છે. કારણકે આજના સમયમાં કોઈ વ્યક્તિ આટલી સેવા નથી કરી શકતું, પણ 'માં' જ એક એવી વ્યક્તિ છે જેના માટે એના છોકરાઓ જ બધુ હોય છે. તેમના માટે તે કંઈ પણ કરી શકે છે. મધર્સ ડે પર આવી માતાને સો સો સલામ.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે