તમારા ઘરમાં 45 કિલો સોનું દટાયેલું છે, તાંત્રિક વિધિના નામે પાખંડીએ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું

આજના આધુનિક જમાનામાં પણ લોકો તાંત્રિકો પર વિશ્વાસ કરી લેતા હોય છે. લોકોના વિશ્વાસનો ફાયદો તાંત્રિકો ઉઠાવતા હોય છે. રાજકોટમાં પણ સોનું અને પૈસાના નામે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 
 

તમારા ઘરમાં 45 કિલો સોનું દટાયેલું છે, તાંત્રિક વિધિના નામે પાખંડીએ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું

ગૌરવ દવે, રાજકોટઃ આજના આધુનિક યુગમાં અંધશ્રદ્ધા હજુ જીવિત છે...તાંત્રિક વિધિના નામે એક પાખંડીએ મહિલાને લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના રાજકોટમાં બની છે...ઘરમાં દાટવામાં આવેલું 45 કિલો સોનું અને 15 કરોડ રૂપિયા બનાવી આપવાની લાલચ આપી આરોપીએ મહિલા સાથે બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે...તાંત્રિક વિધિના નામે ઢોંગ રચનાર આરોપી કોણ છે, તે કેવી રીતે પોલીસ સકંજામાં આવ્યો, જોઈએ આ રિપોર્ટમાં...

તમે આ કહેવત તો સાંભળી જ હશે કે લોભિયો હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે...આ કહેવત રાજકોટમાં સાચી સાબિત થઈ છે...શહેરના ભક્તિનગર વિસ્તારની વાત કરીએ તો પોલીસે એક એવા પાખંડી તાંત્રિકની ધરપકડ કરી છે, જેણે એક પરિણીતાને લાલચ આપી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા છે...વેરાવળથી ઝડપાયેલા આ તાંત્રિકનું નામ છે ગુરુજી ઉર્ફે ભુષણ પ્રસાદ સૈની...2 મહિના પહેલા પરિણીતાના સાસુએ પોતાના કોઈ કુટુંબીજન પાસેથી સાંભળ્યું હતું કે...

જો જમીનમાં સોનું દાટેલું હોય તો ગુરૂજી નામના વ્યક્તિને તેની ખબર પડી જાય
જેથી પરિણીતાએ પોતાની સાસુના માધ્યમથી ગુરુજીને ઘરે આવવાનું જણાવ્યું 
13 મેના રોજ રાત્રિના 3.30 વાગ્યે ગુરુજી નામનો શખ્સ ઘરે આવ્યો
ઘરમાં આવીને પાખંડીએ કહ્યું કે, 'ઈસ્કે અંદરસે 45 કિલો સોના નિકલેગા'
ત્યારબાદ પાખંડીએ પરિણીતા પાસેથી 2 લીંબુ મંગાવ્યા 
તે લીંબુ પરિણીતાના આખા શરીરે અડાડી તેને ડસ્ટબિનમાં ફેકવા જણાવ્યું
પાખંડીએ પરિણીતાની નણંદને પણ મોટી લાલચ આપી કહ્યું કે, 'હું તમને 15 કરોડ બનાવી આપીશ'
આટલું કહેતા પાખંડી ગુરૂજીએ સ્કેનર બતાવી 70,000 રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું
નણંદે તે દિવસે 70,000 ટ્રાન્સફર કર્યા અને 2 દિવસ બાદ ફરી 10,000 ટ્રાન્સફર કર્યા
બીજી તરફ પરિણીતાએ 36,000 રોકડા ગુરૂજીને આપ્યા

2 દિવસ બાદ ગુરુજી ફરી પરિણીતાના ઘરે આવ્યા હતા...ત્યારે ગુરુજી પરિણીતાને તેના રૂમમાં લઈ ગયા હતા અને આંખો બંધ કરીને નીચે બેસી જવા જણાવ્યું...બાબા આ રહે હૈ તેમ બોલી આરોપી પરિણીતાના શરીર પર હાથ ફેરવવા લાગ્યો...આવું કૃત્ય કર્યા બાદ પાખંડી તાંત્રિકે કહ્યું કે અભિ શક્તિ નહીં મિલ રહી હે...આવું કહી ગુરુજી ત્યાંથી જતો રહ્યો...તેમજ 2-3 દિવસ પછી ગુરુજી પરત ઘરે આવ્યા હતા અને ત્યારબાદ મકાનમાંથી સોનુ કઢાવી દઈશ તે પ્રકારની લાલચ આપી હતી...

5 જૂન 2024ના રોજ પરિણીતાના પતિને ગુરુજીએ ફોન કરીને કહ્યું હતું કે તમે જે ખાડો ખોદ્યો છે તે પૂરી દો...ગુરૂજીના કહેવા પર તે ખાડો પૂરી દેવામાં આવ્યો હતો...ત્યારબાદ ગુરુજીને ફોન કરતા તેમનો ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યો હતો...જેથી પરિણીતા તેમજ તેના પરિવારજનોને લાગ્યું કે મકાનમાંથી સોનું કઢાવી દેવાની લાલચ આપીને ગુરુજીએ તેમની સાથે છેતરપિંડી કરી છે...સાથે જ તાંત્રિક વિધિના નામે શારીરિક સંબંધ પણ બાંધ્યા છે...સમગ્ર ઘટનાને પગલે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી...

હાલ તો પોલીસે આરોપી ગુરૂજીની ધરપકડ કરી તેના રિમાન્ડની માગ કરી છે...આરોપી છેલ્લા કેટલા સમયથી આ પ્રકારના ગુનાહિત કૃત્યમાં સામેલ છે...તેમજ તેને કેટલા લોકોને તાંત્રિક તેમજ ધાર્મિક વિધિના નામે આ પ્રકારે છેતરવામાં આવ્યા છે તે સહિતની વિગતો અંગે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news