Nityanand Ashram Dispute: DPS શાળાના પ્રિન્સિપાલ હિતેશ પુરીની ધરપકડ બાદ જામીન પર છૂટકારો

નિત્યાનંદ આશ્રમ મામલે મોટા અપડેટ આવ્યાં છે. અમદાવાદ ઈસ્ટની ડીપીએસ શાળાના પ્રિન્સિપાલ હિતેશ પુરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થતા તેમની ધરપકડ કરવામાં આવી. જો કે ધરપકડ બાદ તેમને જામીન પર છૂટકારો થઈ ગયો. હિતેશ પુરીએ આશ્રમના દસ્તાવેજો અંગે પોલીસમાં જાણ કરી ન હતી. 

Nityanand Ashram Dispute: DPS શાળાના પ્રિન્સિપાલ હિતેશ પુરીની ધરપકડ બાદ જામીન પર છૂટકારો

જાવેદ સૈયદ, અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ મામલે મોટા અપડેટ આવ્યાં છે. અમદાવાદ ઈસ્ટની ડીપીએસ શાળાના પ્રિન્સિપાલ હિતેશ પુરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થતા તેમની ધરપકડ કરવામાં આવી. જો કે ધરપકડ બાદ તેમને જામીન પર છૂટકારો થઈ ગયો. હિતેશ પુરીએ આશ્રમના દસ્તાવેજો અંગે પોલીસમાં જાણ કરી ન હતી. 

મળતી માહિતી મુજબ ડીપીએસ શાળા દ્વારા આશ્રમને જગ્યા ભાડે આપી પરંતુ પોલીસને જાણ કરાઈ નહીં જેથી કરીને જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો. હિતેશ પુરીની ધરપકડ બાદ તેમની પૂછપરછ હાથ ધરાઈ હતી. જો કે જામીન પર તેમને મુક્ત કરી દેવાયા છે. આ બાજુ પુષ્પક સિટીમાં ત્રણ મકાન ભાડે આપનાર અને પોલીસને જાણ નહીં કરનારા બકુલ ઠક્કરની પણ ધરપકડ થઈ હોવાની માહિતી છે. બકુલ ઠક્કરે પરેશ પટેલને મકાન આપ્યાં હતાં. પરેશ પટેલ આશ્રમ વતી ભાડું આપતા હતાં. હાલ પોલીસે જો કે તેમને પણ જામીન પર મુક્ત કર્યા છે. 

લેપટોપ, ટેબ્લેટ, મોબાઈલ, પેન ડ્રાઈવ મળી આવ્યાં
આ ઉપરાંત આજે હાથીજણના નિત્યાનંદ આશ્રમમાં કથિત રીતે બાળકોને ગોંધી રાખવા અને યુવતીઓ ગુમ થવા બાબતે કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે આજે આશ્રમમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન SITએ 14 લેપટોપ, 43 ટેબ્લેટ, 4 મોબાઈલ અને પેન ડ્રાઈવ સહિતની વસ્તુઓ કબ્જે કરી છે. પ્રમોશનલ એક્ટિવિટી અંગે તપાસ કરવા માટે કબ્જે લેવામાં આ તમામ વસ્તુઓ FSLમાં મોકલવામાં આવશે. 

પોલીસનું કહેવું છે કે આ સિવાય અમે 2 અલગ-અલગ બીજા ગુનાઓ દાખલ કર્યા છે. જેમાં એક ગુનો જે બાળકોને પુષ્પક સિટીમાં ગોંધી રાખવા માં આવ્યો હતો ત્યાં બકુલ નામના વ્યક્તિએ પરેશ પટેલ નામના વ્યક્તિને 3 મકાનનો ભાડા કરાર કરી આપ્યો હતો પરંતુ બકુલે પોલીસ ને જાણ કરી ન હતી. જેથી તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. પરેશ પટેલે આ મકાન આશ્રમને આપ્યા હતા.

અત્રે નિત્યાનંદ આશ્રમમાં (Nityanand Ashram) કુકર્મ મામલે રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બાળકો પર અત્યાચાર મામલે નિત્યાનંદ (Nityanand) આશ્રમમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદ સ્થિત નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાઓની ધરપકડ કરી પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે. આ સંજોગોમાં નિત્યાનંદ અંગે ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. જે પિતા પુત્રીઓને બચાવવા આગળ આવ્યા છે એ પિતા જનાર્દન શર્મા (janardan sharma) અને માતા ભુવનેશ્વરી સામે એમની જ પુત્રી નિત્યનંદિતાએ (Nityananda) ગંભીર આરોપ લગાવ્યા છે. 

જુઓ LIVE TV

નિત્યાનંદ કાળા જાદુમાં પારંગત !!
નિત્યાનંદે કાળા જાદુ હસ્તગત કર્યા હોવાની સ્ફોટક વિગતો સામે આવી છે. નિત્યાનંદ પાસે વિજ્ઞાન ભૈરવ તંત્રની વિદ્યાઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વિદ્યાઓ દ્વારા તે ગમે તે વ્યક્તિને પોતાની માયાજાળમાં લાવી એની પાસેથી મનગમતું કાર્ય કરાવી શકે એમ છે. અનેક મોટી હસ્તીઓ સાથે ઉઠક બેઠક ધરાવતો નિત્યાનંદ કાળી વિદ્યામાં પારંગત છે. તાંત્રિક જગતની જાણીતી વિજ્ઞાન ભૈરવ તંત્રની કેટલીક વિદ્યાઓ નિત્યાનંદે હસ્તગત કરી છે. જેનાથી તે ધારે તે વ્યક્તિને પોતાના વશમાં કરી શકે એમ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news