અમદાવાદમાં 'ઓમિક્રોન'નો વિસ્ફોટ, એક સાથે પાંચ કેસ આવ્યા, જાણો વિગત

હવે રાજ્યમાં ઓમિક્રોને નવી ચિંતા ઉભી કરી દીધી છે. આ નવો વેરિએન્ટ ધીમે-ધીમે રાજ્યમાં પ્રસરી રહ્યો છે. અમદાવાદમાં આજે ઓમિક્રોનના નવા પાંચ કેસ સામે આવ્યા છે. 
 

અમદાવાદમાં 'ઓમિક્રોન'નો વિસ્ફોટ, એક સાથે પાંચ કેસ આવ્યા, જાણો વિગત

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે અમદાવાદમાં ઓમિક્રોનનો વિસ્ફોટ થયો છે. અમદાવાદમાં આજે એક સાથે ત્રણ મહિલા, એક પુરૂષ અને એક બાળકી ઓમિક્રોનથી સંક્રમિત મળ્યા છે. આ સાથે શહેરમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા સાત થઈ ગઈ છે. જ્યારે ગુજરાતમાં ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 19 થઈ ગઈ છે. 

તમામનું વિદેશી કનેક્શન આવ્યું સામે
અમદાવાદમાં કોંગોથી આવેલી એક 32 વર્ષીય મહિલા અને એક 8 વર્ષની બાળકી ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. તો દુબઈથી આવેલી એક મહિલામાં પણ ઓમિક્રોનથી પુષ્ટિ થઈ છે. જ્યારે એક 42 વર્ષીય પુરૂષ ટાન્ઝાનિયાથી આવ્યો હતો. તેનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો એક યુકેથી આવેલી 40 વર્ષીય મહિલા પણ ઓમિક્રોનથી સંક્રમિત મળી છે. 

ગુજરાતમાં ઓમિક્રોનના કુલ 19 કેસ
ગુજરાતમાં ઓમિક્રોનના કુલ સંક્રમિતોની સંખ્યા 19 થઈ ગઈ છે. માત્ર અમદાવાદ શહેરમાં જ ઓમિક્રોનના કુલ સાત કેસ સામે આવ્યા છે. આ સિવાય જામનગર અને સુરત જેવા શહેરમાં પણ ઓમિક્રોનના કેસ સામે આવી ચુક્યા છે. 

રાજ્યમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 91 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન 2 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ 41 લોકો સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 828794 થઈ ગઈ છે. જ્યારે કોરોનાને લીધે રાજ્યમાં અત્યાર સુધી 10106 લોકોના મૃત્યુ થયા છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 25 કેસ નોંધાયા છે. તો સુરત શહેરમાં 16, વડોદરા શહેરમાં 10, રાજકોટ જિલ્લામાં 15, વલસાડમાં 6, જામનગર શહેરમાં 5, નવસારીમાં 4, ગીર સોમનાથ, ખેડા અને વડોદરા ગ્રામ્યમાં 2-2, અમદાવાદ ગ્રામ્ય, કચ્છ, સુરત ગ્રામ્ય, આણંદ, તાપી, અમરેલીમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો દેવભૂમિ દ્વારકા અને સુરત શહેરમાં એક-એક વ્યક્તિનું નિધન થયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news