જામનગરના રણજીતપરમાં 3.5 ઇંચ વરસાદ, બાલંભા અને ધ્રોલ પંથકમાં અડધો ઇંચ

આજે રાજ્યમાં કેટલિક જગ્યાએ વરસાદ પડ્યો હતો. જામનગર, દેવભૂમિ દ્વારકા અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. 
 

 જામનગરના રણજીતપરમાં 3.5 ઇંચ વરસાદ, બાલંભા અને  ધ્રોલ પંથકમાં અડધો ઇંચ

જામનગરઃ વિદાય લેતા પહેલા વરસાદ વરસી જવા માંગતો હોય તેમ ગુજરાતમાં ઘણી જગ્યાએ આજે વરસાદ પડ્યો છે. વલસાડ, જામનગર અને દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ થયો છે. જામનગરના રણજીતપરમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો બાલંભા અને ધ્રોલ પંથકમાં અડધો ઇંચ જેટલો વરસાદ થયો છે. અરબી સમુદ્રમાં લો ડિપ્રેશનને કારણે વરસાદ થયો છે. આ સાથે માછીમારોને આગામી 36 કલાક સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. 

આ સિવાય રાજ્યમાં અન્ય જગ્યાએ વરસાદની વાત કરીએ તો વલસાડમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વાપી, ઉમરગામ અને કપરાડા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદ પડવાના કારણે મોટા વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. તો કેટલાક વિસ્તારોમાં વીજળીના થાંભલા પડવાની ઘટના બની હતી. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. દિવસભરના અસહ્ય બફારા અને ગરમી બાદ વરસાદ પડતા સ્થાનિકોને રાહત મળી છે. 

દ્વારકામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ મેઘરાજા વરસી પડ્યા હતા. જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વરસાદ પડ્યો હતો. કલ્યાણપુરાના રાવલ ગામ અને અન્ય પંથકમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news