રાજકોટની દીકરીઓએ દેશના જવાનો માટે કર્યું એવું કામ, જે જાણીને તમે થઈ જશો ભાવુક

રાખડી બનાવનાર દીકરીઓ જણાવ્યું હતું કે રક્ષાબંધનની ઉજવણી તો આપડે બધા કરીએ છીએ પરંતુ ખરા અર્થમાં આપણી અને આપણા દેશની રક્ષા કરનાર જવાનોની રક્ષા થાય તે ખુબ જરૂરી છે

રાજકોટની દીકરીઓએ દેશના જવાનો માટે કર્યું એવું કામ, જે જાણીને તમે થઈ જશો ભાવુક

ગૌરવ દવે, રાજકોટ: સરહદ પર તહેનાત દેશના જવાનો તહેવારોના સમયે પણ તેમના પરિવારથી દૂર રહી દેશની રક્ષા કરે છે. ત્યારે સરહદ પર તહેનાત જવાનોના રક્ષાબંધનના તહેવાર ઉપર કાંડું ખાલી ન રહે તે માટે રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી છે. ધો. 9 થી 12 ની વિદ્યાર્થિનીઓએ રક્ષાબંધન નિમિત્તે રાખડી સાથે લાગણીસભર પત્રો પણ લખીને મોકલ્યા છે.

સદર વિસ્તારમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ પાછલા અમુક દિવસની મહેનત બાદ પોતાની જાતે 1111 જેટલી રાખડી તૈયાર કરી હતી. રાખડીઓ સાથે વિદ્યાર્થિનીઓએ સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોને ભાઇ-બહેનનાં પવિત્ર સંબંધોવાળો લાગણીસભરપત્ર પણ લખ્યા છે. વિદ્યાર્થિનીઓએ તૈયાર કરેલી રાખડી અને પત્રવાળા તમામ કવરો પોસ્ટ વિભાગનાં અધિકારી સોંપ્યા હતા. આ રાખડીઓને પોસ્ટ વિભાગના માધ્યમથી સરહદ પર મોકલવામાં આવશે.

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય દ્વારા દરેક તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રક્ષાબંધનની દેશપ્રેમ સાથે પાછલા પાંચ વર્ષથી રાખડી અને રક્ષાપત્ર મોકલીને ઉજવણી કરવામાં આવે છે, શાળાના ટ્રસ્ટી ડો.અલ્પાબેન ત્રિવેદી, આચાર્ય ડો.ભરતસિંહ પરમાર સહિત સમગ્ર ટીમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,

આ તકે રાખડી બનાવનાર દીકરીઓ જણાવ્યું હતું કે રક્ષાબંધનની ઉજવણી તો આપડે બધા કરીએ છીએ પરંતુ ખરા અર્થમાં આપણી અને આપણા દેશની રક્ષા કરનાર જવાનોની રક્ષા થાય તે ખુબ જરૂરી છે, જેથી અમોએ અમારી મહેનતથી રાખડી અને અમારા લાગણીભર્યા રક્ષાપત્રો અમે મોકલ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news