રિવાબાની વાતમાં દમ છે હોં..... મહિલાઓએ કહ્યું-અમે કરી શકીએ છીએ તો પુરુષો કેમ નહિ...

Updated By: Mar 30, 2021, 01:09 PM IST
રિવાબાની વાતમાં દમ છે હોં..... મહિલાઓએ કહ્યું-અમે કરી શકીએ છીએ તો પુરુષો કેમ નહિ...
  • ‘રિવા બાની વાતમાં દમ છે...’ મુદ્દે ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં ટોચનું સ્થાન મેળવનાર મહિલાઓ દિલ ખોલીને વાત કરી
  • મહિલાઓએ એકસૂરે એમ જ કહ્યું કે, અમે કરી શકીએ છીએ તો પુરુષો કેમ નહિ

ઝી મીડિયા/બ્યૂરો :ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજા જામનગરના 'મોટી લાખાણી' ગામમાં ગયા હતા. જ્યાં બહેનોને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપી હતી એ દરમિયાન તેમણે કહ્યું હતું કે, દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએએ બંને સરખું છે. એક વાર દીકરાને કહેવાની જરૂર છે કે ચલ ઓરડામાં ઝાડૂ કરી દે. દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામ માટે દીકરીઓને ઘરે રાખવાની જરૂર નથી. વધુમાં રિવાબાએ જણાવ્યું હતું કે, આપણા દીકરાઓ પાસેથી પણ ઘર કામ માટે મદદ લઈ શકાય છે. અને આવું કરવામાં જાડેજા કે ઝાલા લાગતું હોય તો તેના પર કોઈ ચેકો નહીં મારી દે. રાજપૂત સમાજમાં દીકરીઓને શિક્ષણ આપવા અંગે રિવાબા જાડેજાએ આ મોટી વાત કહી છે. તેમણે મંચ પરથી કહ્યું કે મારા હસબન્ડ રવિન્દ્રસિંહ જાડેજા ઘરનું 50 ટકા કામ કરાવે છે. હું રોટલી કરતી હોઉં તો ચા રવિન્દ્રસિંહ મૂકે છે. એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી. હાલ આ અંગેનો તેમનો વીડિયો વાઈરલ થયો છે. રિવાબાના નિવેદન બાદ વિવાદ ઉભો થઈ ગયો છે. ત્યારે ઝી 24 કલાકે ગુજરાતની અન્ય મહિલાઓ પાસેથી આ અંગે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. જેમાં તમામ મહિલાઓએ એકસૂરે એમ જ કહ્યું કે, અમે કરી શકીએ છીએ તો પુરુષો કેમ નહિ. જાડેજા હોય કે ઝાલા, આ બધા પર ચેકો નહિ મારી દેવામાં આવે. 

આ પણ વાંચો : પીએમ મોદીની એક સલાહથી બનાસકાંઠાના ખેડૂતોના માથા પર લાગેલું કલંક દૂર થયું 

દીકરાનો ઉછેર એવો કરે કે તે સ્ત્રીનું સન્માન નાનપણથી જ કરે
‘રિવા બાની વાતમાં દમ છે...’ મુદ્દે ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં ટોચનું સ્થાન મેળવનાર મહિલાઓ દિલ ખોલીને વાત કરી. રિવાબાએ કહ્યું કે, મને મારા વિચારો રજૂ કરવા એક પ્લેટફોર્મ મળ્યું, તેથી ઝી 24 કલાકની આભારી છું. અમારું ટ્રસ્ટ બહેનો દ્વારા સંચાલિત છે. મારી 30 સેકન્ડની એક ક્લિપને ખોટી રીતે વગોવી દીધી. દોઢ કલાકના વીડિયો પર કોઈએ ધ્યાન ન આપ્યું. ગામડામાં મહિલાઓની સ્થિતિ ખરાબ હોય છે, હું અને મારી સંસ્થા આ વિશે લડત ચલાવીએ છીએ. દીકરીને આપણે સંસ્કારોથી અવગત કરાવીએ છીએ, તો દીકરાને પણ ત્યારથી જ એનો ઉછેર એવો કરો કે તે ભવિષ્યમાં સ્ત્રીનું સન્માન કરે. દીકરો મોટો થાય તો તેને ખબર પડવી જોઈએ કે, એક સ્ત્રીએ ઘર માટે કેટલો ભોગ આપ્યો છે. મારી વાતને ખોટી રીતે રજૂ કરાઈ છે. પહેલા મારા કહેવાના અર્થને યોગ્ય રીતે સમજો, બાદમાં ટિપ્પણી કરો. 

આ પણ વાંચો : માથાનો દુખાવો બની હતી બંને પક્ષો માટે મોરવા હડફ ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી, જાણો કેમ 

રિવાબાને નિવેદન પર કરણી સેનાનો વિરોધ 
રિવાબા જાડેજાના દીકરીને ભણતર અને દીકરાના સાવરણી આપવાના નિવેદન પર કરણી સેનાના ગુજરાત પ્રમુખ સોનાસિંહ રાજપૂતે પ્રતિક્રિયા આપી છે. કરણી સેનાના સોનાસિંહ રાજપૂતે રિવાબા જાડેજાના નિવેદનને વખોડી કાઢ્યું છે. સોનાસિંહ રાજપૂતે કહ્યું કે, રિવાબાઈ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આવું નિવેદન આપ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે રિવાબાના આવા નિવેદનથી સમાજમાં ખોટી અસર પડશે. આજના સમયમાં દીકરીઓને ભણાવવી જરૂરી છે, માનસિકતા બદલવાનો સમય આવી ગયો છે, ઘરકામમાં ઘરના છોકરાની મદદ લેવામાં કંઈ ખોટું નથી ભલે પછી સાવરણો જ કેમ ના પકડવાનો હોય.