Biparjoy Cyclone: આજે સાંજે કચ્છના જખૌમાં ટકરાશે બિપરજોય, 74,000થી વધુ લોકોનું સ્થળાંતર ત્રણેય સેના એલર્ટ
Biparjoy Cyclone: બિપરજોયના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગતિથી પવન ફૂંકાઈ શકે છે સાથે જ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અરે ગીર સોમનાથનો સોમનાથ મંદિર ગુરુવારે શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે.
Trending Photos
Biparjoy Cyclone: વાવાઝોડું બિપરજોય આજે ગુજરાતમાં ત્રાટકશે તેવી આગાહી છે. વાવાઝોડાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે પણ કમરકસીને તૈયારી કરી લીધી છે. રાજ્ય સરકાર દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાંથી 74000 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે જ બચાવ તેમજ રાહત કાર્ય માટે ટુકડીઓને તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે બિપરજોય ગુજરાત તરફ આગળ વધશે તેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગતિથી પવન ફૂંકાઈ શકે છે સાથે જ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચો:
મે 2021 માં આવેલા તૌઉતે વાવાઝોડા પછી ગુજરાત પર ત્રાટકેલું આ બીજું વાવાઝોડું હશે. ભારતીય હવામાન વિભાગ અનુસાર બિપરજોય વાવાઝોડું ગુરુવારે સાંજે અતિગંભીર ચક્રવાતી વાવાઝોડું બનીને જખૌ બંદર નજીક પહોંચશે. આ સમયે પવન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા દરિયા કિનારાના આઠ જિલ્લામાંથી 74 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરી લેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાંથી 34,000 થી વધુ લોકોનું સ્થળાંતર થયું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં બુધવારે મોડી રાત્રે પણ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને સમગ્ર સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. સાથે જ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. મહત્વનું છે કે વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અરે ગીર સોમનાથનો સોમનાથ મંદિર ગુરુવારે શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે.
વાવાઝોડાના જોખમ વચ્ચે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે ત્રણેય સેનાના પ્રમુખો સાથે વાત કરી હતી. સાથે જ સશસ્ત્ર બળની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારબાદ રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સશસ્ત્ર બળ વાવાઝોડાના કારણે ઉત્પન્ન થનાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. રાહત અને બચાવના કાર્યો માટે નૌસેના, બીએસએફ અને ભારતીય સેના તૈયાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે