શાળા સંચાલક મહામંડળે કરી ધોરણ 1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાની માંગ

શાળા સંચાલક મહામંડળે કહ્યુ કે, ઓનલાઇન અભ્યાસને બદલે બાળકો યૂટ્યૂબ, કાર્ટૂન, સોશિયલ મીડિયા અને મોબાઇલ ગેમ પ્રત્યે આકર્ષિત થઈ રહ્યાં છે. 

Updated By: Oct 19, 2021, 03:32 PM IST
શાળા સંચાલક મહામંડળે કરી ધોરણ 1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાની માંગ

અતુલ તિવારી, અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળ બાદ ધોરણ-6થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી ધોરણ 1થી 5માં અભ્યાસ કરતા બાળકો માટે શાળાઓ શરૂ થઈ નથી. હવે ધોરણ 1થી 5ના બાળકો માટે પણ શાળાઓ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ધોરણ 1થી 5ની શાળા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. 

બાળકોના અભ્યાસ પર માઠી અસર
મહત્વનું છે કે કોરોના વાયરસ સંકટને કારણે છેલ્લા દોઢ વર્ષથી બાળકો ઓફલાઇન શિક્ષણથી વંચિત છે. સતત ઘરમાં રહીને શિક્ષણ લઈ રહેલા બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. એટલે હવે શાળા સંચાલક મહામંડળ દ્વારા ઓફલાઇન વર્ગો શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે. શાળા સંચાલક મહામંડળે કહ્યુ કે, ફિઝિકલ એક્ટિવિટી વગર બાળકો માટે સમસ્યા ઉભી થઈ રહી છે.

બાળકો સોશિયલ મીડિયા પર થઈ રહ્યાં છે આકર્ષિત
શાળા સંચાલક મહામંડળે કહ્યુ કે, ઓનલાઇન અભ્યાસને બદલે બાળકો યૂટ્યૂબ, કાર્ટૂન, સોશિયલ મીડિયા અને મોબાઇલ ગેમ પ્રત્યે આકર્ષિત થઈ રહ્યાં છે. બાળકોના અભ્યાસનો પાયો કાચો રહેતા તેના ભવિષ્ય પર ગંભીર અસર પડવાનો ડર પણ શાળા સંચાલક મંડળે વ્યક્ત કર્યો છે. 

આ પણ વાંચોઃ કોરોનાથી સાજા થયેલા અનેક દર્દીઓ હવે આ બીમારીથી પરેશાન, ડોક્ટરે આપી ખાસ સલાહ

બીજી તરફ કોરોનાના કેસો નહિવત થઈ જતા ડોક્ટરો પણ હવે ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ રહેવા જોઈએ તેવો મત વ્યક્ત કર્યો છે. ડોક્ટર પ્રવીણ ગર્ગે કહ્યુ કે, બાળકો માટે વેક્સીન આવી રહી છે. તેવામાં બાળકોને ઓન વેક્સીન અપાવીને તેમને સુરક્ષિત કરવા જોઈએ. ડોક્ટરોએ કહ્યું કે, કોરોનાની ગાઇડલાઇન સાથે તકેદારી રાખીને ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરી શકાય છે. 

બાળકોના વિકાસ માટે સ્કૂલનો અભ્યાસ તેમજ ફિઝિકલ એક્ટિવિટી જરૂરી હોવાથી સ્કૂલો શરૂ થાય તો હવે વાંધો ના હોવો જોઈએ એવો મત ડોકટરોએ વ્યક્ત કર્યો છે. ઓનલાઇન શિક્ષણથી બાળકોના શારીરિક વિકાસ તેમજ આંખો પર નકારાત્મક અસર થતી હોવાથી બાળકોના અભ્યાસને ધ્યાનમાં રાખીને હવે વર્ગો શરૂ થાય તો બાળકોને વાલીઓએ મોકલવા જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube