ડ્રાઈવરની એક ભૂલને કારણે અકસ્માતમાં સુરતના 3 યુવકોનો જીવ ગયો, વતનમાં સેવા કરવા ગયા હતા...

ડ્રાઈવરની એક ભૂલને કારણે અકસ્માતમાં સુરતના 3 યુવકોનો જીવ ગયો, વતનમાં સેવા કરવા ગયા હતા...
  • વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકું આવી જતાં તેણે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો
  • સૌરાષ્ટ્રમાં સેવા આપીને સુરત પરત ફરી રહેલા યુવકોની કારને વડોદરા પાસે અકસ્માત નડ્યો હતો 

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના કપૂરાઇ ચોકડી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ યુવાનોના કરુણ મોત નિપજ્યા છે. કાર ચાલકને ઝોકું આવી જતા કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં પહોચી ગઈ હતી. ત્રણેય યુવકો સુરતથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, ત્રણેય યુવકોના મૃતદેહ કારમાં ફસાઈ ગયા હતા, ફાયર બિગ્રેડની ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. 

સુરતથી સેવા કરવા સૌરાષ્ટ્ર ગયા હતા
હાલ સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વરસ્યો હોવાથી સુરતથી અનેક સેવાભાવી યુવકો પોતાના વનતમાં સેવા આપવા પહોંચ્યા છે. આવા જ સુરતના ત્રણ યુવકો અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉં.વ.36), સંજયભાઇ ઉર્ફે ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27) અને રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલિયા (ઉં.વ. 42) સૌરાષ્ટ્રમાં સેવા કરવા ગયા હતા. તેઓ સૌરાષ્ટ્રથી સુરત પરત કારમા ફરી રહ્યાહતા. ત્યારે વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકું આવી જતાં તેણે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો. 

કાર રોંગ સાઈડ જઈને ટ્રક સાથે ટકરાઈ 
અકસ્માત એટલો વિચિત્ર હતો કે, યુવકોની કાર રોડ વચ્ચેનું ડિવાઇડર કૂદી ગઈ હતી. કાર રોંગ સાઇડ પર લીલુડી ધરતી હોટલ પાસેના રોડ ઉપર પહોંચી ગઈ હતી. તેમજ સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર ભટકાઇ હતી. કાર ટ્રક સાથે ભટકાતાં જ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ટક્કરમા ત્રણેય યુવાનોનો જીવ ગયો હતો. અશોક ગોદાણી, સંજય ગોદાણી અને રાજુ ગોંડલિયાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્રણેય યુવાનોના મૃતદેહો પણ કારમાં ફસાઈ ગયા હતા. જેમને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. 

મૃતદેહો જોઈને ત્રણેય પરિવારો સ્તબ્ધ
અકસ્માતની જાણ થતાં પાણીગેટ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ત્રણેય યુવકો સુરતના હોવાથી તેમના પરિવારજનો તાત્કાલિક વડોદરા દોડી આવ્યા હતા. પોતાના સંતાનોની આવી હાલત જોઈ ત્રણેય પરિવાર સ્તબ્ધ થઈ ગયા હતા.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news