ઝેરી કેમિકલ બનાવતી કંપની બંધ કરાવવા ખેડૂતોનો અનોખો વિરોધ

સુરતના ઓલપાડની હિંદુસ્તાન કેમિકલ કંપની ઝેરી રસાયણોનો નિકાલ ભરૂચમાં કરતી હોવાથી તેની સામે કડક પગલાં ભરવાની માગ સાથે સુરતમાં કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સુત્રોચાર સાથે અનોખો વિરોધ નોંધાવ્યો હતો

ઝેરી કેમિકલ બનાવતી કંપની બંધ કરાવવા ખેડૂતોનો અનોખો વિરોધ

ચેતન પટેલ/સુરતઃ સુરતના ઓલપાડ ખાતે આવેલી હિંદુસ્તાન કેમિકલ કંપની 'સાઈનાઈડ' નામનું ઝેરી કેમિકલ બનાવે છે. આ કપનીએ ત્રણ ટ્રક ઝેરી જોખમી રાસાયણિક ઘન કચરો ભરૂચ જીલ્લાના ઉમલ્લા તાલુકાના વણખૂટા ગામે ઠાલવ્યો હતો. આ કચરો ઠાલવતા ગામજનોએ કંપનીના માણસોને રંગેહાથ પણ ઝડપી લીધા હતા અને સાથે જ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

ખેડૂતોની ફરિયાદના આધારે ઉમલ્લા પોલીસે સાઈનાઈડ યુક્ત કચરો ગેરકાયદે રીતે ઠાલવવા બદલ હિંદુસ્તાન કંપની, ટ્રક ડ્રાઈવર અને અંકલેશ્વરના અજાણ્યા વેપારી સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. જોકે, ત્યાર બાદ પોલીસ દ્વારા ઉચિત કાર્યવાહી કરવામાં ન આવતાં કંપનીએ આ ઝેરી રાસાયણિક ઘન કચરો ઠાલવવાનું ચાલુ રાખ્યું હતું. 

આથી ખેડૂત સમાજ રોષે ભરાયો હતો અને ગુરૂવારે સુરત શહેરમાં આવીને કલેક્ટર કચેરીમાં અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો મોઢા પર ઓક્સિજનનું માસ્ક પહેરીને હાથમાં બોટલ લગાવીને આવ્યા હતા. 

ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે માગ કરી હતી કે, હવે આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પણ ફરિયાદ દાખલ કરે. સાથે જ આ ગુનામાં સંડોવાયેલા ટ્રકના માલિકો, ડ્રાઈવરો, વેપારીઓ તેમજ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ ખેડૂત સમાજે માંગ કરી હતી. 

ખેડૂતોએ જણાવ્યું કે, જાહેરમાં ઝેરી રાસાયણીક ઘન કચરો ઠાલવીને ગુજરાતની પ્રજાના આરોગ્યને જોખમમાં મુકવા બદલ આ કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કાયદાનું પાલન ન કરતી આવી કંપનીને કાયમી ધોરણે બંધ કરવાની પણ માગ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news