સુરત ક્રાઈમ : લા મેરેડિયન હોટલના મેનેજરે એકાઉન્ટન્ટનું ગળુ કાપી લાશ કચરામાં ફેંકી, લૂંટનું હતું કાવતરું
Trending Photos
ચેતન પટેલ/સુરત :સુરતમાં સતત હત્યાનો સિલસિલો વધી રહ્યો છે. હત્યાના બનાવોને અટકાવવા સતત સુરત પોલીસ નિષ્ફળ નીવડી રહી છે. ત્યારે વધુ એક હત્યાની ઘટનાએ પોલીસ ને દોડતી કરી છે. સુરતના ડુમસ રોડ પર આવેલી સેવન સ્ટાર હોટલના એકાઉન્ટન્ટ પાસે રૂ 23 લાખની લૂંટ ચલાવી તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઉપરાંત લાશને કચરા પેટીમાં સંતાડી દીધી હતી. એકાઉન્ટન્ટ બીજા દિવસે નહિ દેખાતા હોટલ સંચાલકોએ ડુમસ પોલીસને જાણ કરી હતી. જ્યાં પોલીસે શોધખોળ કરતા લાશ કચરાના ઢગલામાંથી મળી આવતા સ્થાનિક લોકો ચોકી ઉઠ્યા હતા. પોલીસે તાત્કાલિક હોટલ કર્મચારીઓની પૂછપરછ કરતા એક કર્મચારી ઝડપાયો ગયો હતો. જેની પાસે થી પોલીસે લૂંટ ના રૂ 4.13 લાખ કબેજ પણ કર્યા છે
સુરતના ડુમસ રોડ ઉપર સેવન સ્ટાર લા મેરેડિયન હોટલમાં એકાઉન્ટ વિભાગમાં મેનેજર તરીકે છેલ્લા સાત વર્ષથી જીવંત રાઉત કામ કરતા હતા. તેઓ મૂળ ઓરિસ્સાના વતની છે. જીવંત રાવતે પોતાની પાસે રહેલા ૨૩ લાખ રૂપિયા લઈને બેંકમાં ભરવા જવા નીકળ્યા બાદ અચાનક તેમનો મોબાઈલ સ્વીચ ઓફ થઇ ગયો હતો. જોકે તેમનો ફોન ના લાગતા હોટલમાં કામ કરતાં કર્મચારીઓને શંકા ગઈ હતી. તેઓએ સુરતના ડુમસ પોલીસને જાણ કરી હતી. ડુમસ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી આ મામલે તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો : રશિયા-યુક્રેન યુદ્ધથી ભારતની થઈ બલ્લે-બલ્લે, આખા વર્ષમા નહોતી થતી તેટલી ઘઉંની નિકાસ 3 મહિનામા થઈ
તપાસ દરમિયાન સ્ટોર કીપર મેનેજર વિરેન ઉર્ફે વાહીદ સૈની નામના એક કર્મચારીના બુટ પરથી લોહીના ડાઘા મળી આવ્યા હતા. જેને લઈને પોલીસને શંકા ગઈ હતી કે, જીવંત રાવતના રૂપિયાને લઇને તેમની હત્યા કરવામાં આવી હશે. જેથી પોલીસે સ્ટોર કીપર મેનેજર વીરેનની કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતના સમયે વીરેન ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. જો કે બાદમાં પોલીસે તેની કડક પૂછપરછ કરતા આખેઆખો મામલો સામે આવ્યો હતો.
વીરેનને કેટલાય સમયથી રૂપિયાની જરૂર હતી અને તેને જાણ હતી કે એકાઉન્ટન્ટ બપોરે રૂપિયા જમા કરાવવા બેંકમાં જાય છે. જેથી તેને જીવંત રાવત પાસેથી રૂપિયાના લૂંટનું કાવતરું ઘડી કાઢ્યું હતું. જીવંત રાઉત બપોરે દોઢ વાગ્યે બેઝમેન્ટમાં આવેલી ઓફિસમાંથી રોકડા 23 લાખ લઈ બેંકમાં જવાની તૈયારી કરતો હતો. જ્યાં બાજુમાં સ્ટોર મેનેજર વિરેન્દ્ર ઉર્ફે વાહીદ સૈનીએ તેને કામ હોવાનું કહી બોલાવ્યો હતો. જીવંત જેવો સ્ટોરરૂમમાં ગયો કે અચાનક વિરેને તેના અંગત મિત્ર સાથે મળી કટરથી હુમલો કરી જીવંતનું ગળું વેતરી નાંખ્યું હતું. બાદમાં બંનેએ જીવનની લાશને ગાર્બેજની બેગમાં મૂકી દીધી હતી. હાલ તો આ બનાવમાં પોલીસે આરોપી વીરેન્દ્રની ધરપકડ કરી તેની પાસેના રૂ 4.13 લાખ કબજે કર્યા હતા. જો કે આ હત્યામાં તેનો સાથીદાર કોણ હતો અને બાકીના રૂપિયા ક્યાં સતાંડયા છે તે અંગે તપાસ શરૂ કરી છે તેવુ ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે