સુરતની પાંજરાપોળે હોળિકા દહન માટે બનાવી ઢગલાબંધ ગોબર સ્ટીક
Holika Dahan 2024 : ગાયના છાણ અને લાકડાથી હોળી પ્રગટાવવામાં આવે છે જે ધાર્મિકની સાથે વૈજ્ઞાનિક રીતે પણ ખુબ જ મહત્વની છે. ત્યારે સુરત પાંજરાપોળ દ્વારા હોલિકા દહનની અનોખી ઉજવણી આ વખતે કરવામાં આવશે. ગાયના ગોબરમાંથી ખાસ સ્ટીક તૈયાર કરાઈ છે
Trending Photos
Gobar Stick Holika Dahan 2024 ચેતન પટેલ/સુરત : ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે હવે લોકોમાં પર્યાવરણ જાળવણી અંગે પણ જાગૃતતા આવી રહી છે. લોકો હવે તહેવારોને પણ પર્યાવરણના જતન સાથે જોડીને મનાવી રહ્યા છે. ત્યારે આવનાર હોળી પર્વને લઈ લોકોમાં વૈદિક હોળી દહનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. શહેરમાં હોલિકાદહન માટે લાકડા નહિ પણ ગાયના છાણમાંથી બનતાં ગૌ-કાષ્ટની માંગ અને બોલબાલા વધી છે.
લાકડાને બદલે ગૌસ્ટીકનો ઉપયોગ
સુરત સહિત સમગ્ર રાજ્યમાં દર વર્ષે હોળીકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે. પરંતુ આ વખતે પર્યાવરણલક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટાપાયે કરવામાં આવશે. કારણ કે આ વર્ષે સુરત પાંજરાપોળ દ્વારા 80 હજાર કિલો ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. ગૌ-કાષ્ટ ગાયના છાણાંનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. દર વર્ષે જોવા મળે છે કે હોલિકા દહન પર લોકો લાકડાનું ઉપયોગ કરતા હોય છે. જેના કારણે મોટી સંખ્યામાં આ વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે. પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે.
પ્રદૂષણ અટકાવવા ગૌસ્ટીક મહત્વની
આ વિશે પાંજરાપોળના મેનેજર અતુલ વોરાએ જણાવ્યું કે, સુરતમાં હોલિકા દહન પર લોકો લાકડાની જગ્યાએ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌ-કાષ્ટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. કારણ કે આ પર્યાવરણલક્ષી છે અને બીજી બાજુ આ આવકથી પાંજરાપોળની ગાયોને મદદ પણ મળશે. પાંજરાપોળમાં રહેતી અને તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય 10 હજાર જેટલી ગાયોના છાણમાંથી 80 ટન જેટલી ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવ્યું છે. પર્યાવરણની સુરક્ષા માટે અને વાતાવરણમાં ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટે હવે લોકો વૈદિક હોળી તરફ વળ્યા છે. આ સાથે જ પરંપરાગત વૈદિક હોળી નું પણ મહત્વ ધીરે ધીરે લોકો સમજવા લાગ્યા છે અને તેથી જ આ વર્ષે સુરતની વિવિધ સોસાયટીઓ મળી 1000 થી વધુ જગ્યાઓ પર વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે. આ માટે લોકોએ વિવિધ ગૌ શાળા માં ગૌ સ્ટીકનું બુકિંગ પણ કરાવી દીધું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે