તમારા રૂપિયાથી સરકાર તમને કેવો રોડ બનાવી આપે છે જુઓ, વડોદરામાં હાથથી ઉખડી ગયો નવો બનાવેલો રોડ
Corruption In Road : ભ્રષ્ટાચારનો જુઓ આ રહ્યો બોલતો પુરાવો! ગાયકવાડની નગરીમાં આવો રોડ બને છે? ડામરનો રોડ એક મહિનો પણ ન ટકી શકે? VMCના હોશિયાર અધિકારી આવું કામ કરે છે? પ્રજાના 44 લાખથી બનેનો રોડ આટલો ખરાબ કેમ?
Trending Photos
Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે ગુજરાતના પ્રજાવસ્તલ રાજવી કહેવાતા હતા. તેમના સમયમાં જે જે નિર્માણ થયું હતું તે આજે અડીખમ ઉભુ છે. પરંતુ તેમની જ નગરીમાં અત્યારના સત્તાધીશો જે પણ નિર્માણ કરે છે તે આજે મહિનો પણ ટકી શક્તું નથી. વડોદરામાં એક મહિના પહેલા જ બનેલો રોડ ઉખડી ગયો છે. જે રોડ મહિનો પણ જમીન પર રહી શક્તો નથી તે રોડની ગુણવત્તા કેવી હશે?...જુઓ ભ્રષ્ટચારથી લિપ્ત ગુણવત્તા વગરના રોડનો આ અહેવાલ....
મહારાજા સયાજીરાવ ગાયકવાડ જેને આજે પણ જનતા યાદ કરે છે. પ્રજાવસ્તલ રાજવીએ વડોદરા નગરીનું એવું નિર્માણ કર્યું હતું કે વર્ષોના વરસ થયા. પરંતુ તેમણે જે પણ ઈમારતો અને બાંધકામ કર્યું હતું તે અડીખમ ઉભુ છે. પરંતુ આજે જે સત્તાધીશો છે તેઓ કેવું કામ કરે છે તે જોઈ શકાય છે. શહેરના ઉડેરાથી કરોડિયા તરફ જતો આ રોડ જુઓ. આ રોડ માત્ર એક મહિના પહેલા જ બન્યો છે. પરંતુ એક મહિનામાં જ આ રોડ જમીન પર ટકી નથી શક્યો. હાથ લગાવતા જ તે ઉખડી જાય છે. વિચારો કે 44 લાખના ખર્ચે બનેલા આ રોડમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે?
લાખોના ખર્ચે વડોદરાના ભ્રષ્ટ અધિકારીઓ અને સત્તાધીશોએ રોડ બનાવ્યો પરંતુ તેને યોગ્ય રીતે દબાવવામાં ન આવ્યો. એટલું જ નહીં રોડ બનાવવામાં જે હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવી તેના કારણે રોડ એટલો ખરાબ છે કે જો હાથથી તેને ઉખાડી તો તે ઉખડી જાય છે. હવે ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થવાની છે. જ્યારે સૂર્ય દેવ બરાપર તપશે ત્યારે આ રોડનું શું થશે? વિપક્ષના નેતાઓ પણ આ મામલે સ્થાનિક કોર્પોરેટર અને કોર્પોરેશનના સત્તાધીશો સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ! વડોદરામાં નવો બનાવેલો રોડ હાથથી ઉખડી ગયો; વીડિયો વાયરલ #Vadodara #Gujarat #News pic.twitter.com/vlElfNgUvA
— Zee 24 Kalak (@Zee24Kalak) March 18, 2024
જે વિસ્તારમાં આ રોડનું નિર્માણ થયું છે તે વિસ્તારના કોર્પોરેટર મીનાબા ચૌહાણ રોડની ગુણવત્તા પર લુલો બચાવ કરતા જોવા મળ્યા. તેઓ એવું કહેતા જોવા મળ્યા કે તેમણે આ રોડ બનાવીને કોઈ મોટો ઉપકાર કર્યો છે. કોર્પોરેટરે કહ્યું કે પહેલા અહીં કાચો રોડ હતો. મેં અધિકારીઓને કહીને રોડ બનાવડાવ્યો.
મીનાબા તમે કહી રહ્યા છો કે રોડ સારો છે. પરંતુ નરી આંખે જોઈ શકાય છે કે રોડ સારો નથી. અભણ પણ સમજી શકે છે કે આ રોડમાં મોટી ભાગબટાઈ થઈ છે. તેથી જ કોન્ટ્રાક્ટરે માત્ર વેઠ વાળી હોય તેમ લાગી રહ્યું છે. જો આવું જ કામ થતું રહેશે તો પ્રજાના પૈસાનું માત્ર પાણી જ થશે. હા પરંતુ ભ્રષ્ટ લોકોના ખિસ્સા ભરાતા રહેશે. પ્રજાને સુખાકારી મળવી જોઈએ તે નહીં મળે. કોઈ પણ બાંધકામ કરતા પહેલા મહારાજા સયાજીરાવે જે કામ કર્યું હતું તેને જોઈ લેવું જોઈએ...અને તેમના જેવું કામ જો અત્યારના સત્તાધીશો કરી બતાવશે તો વડોદરાની ભોળી પ્રજા હાલના સત્તાધીશોને પણ પ્રજાવસ્તલ માનશે. અને તેમના પણ પૂતળા લગાવશે. બાકી કરવા ખાતર કામ ન કરશો. નહીં તો પ્રજા ક્યારેય માફ નહીં કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે