તારા વિના શ્યામ મને એકલડું લાગે... 40 વર્ષ પહેલાં 5 મિત્રોએ ભેગા મળી બનાવ્યો હતો ગરબો, હવે કોપીરાઈટ કરાયો
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :લોકપ્રિય ગરબો ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે...’ નો કૉપીરાઇટ મેળવવામાં આવ્યો છે. વડોદરાના પ્રસિદ્ધ ગાયક અતુલ પુરોહિતે ગરબાને રજિસ્ટર કરાવી કોપીરાઈટ મેળવી લીધા છે. 40 વર્ષ પહેલાં વડોદરાના પાંચ મિત્રોએ ભેગા મળી ગરબો બનાવ્યો હતો, જે આજે દુનિયાભરમાં ફેમસ થઈ ગયો છે. ત્યારે કોપીરાઇટ મેળવી ગરબો બધા ગાઈ શકશે તેવી ગાયક દ્વારા જાહેરાત કરાઈ છે. હવેથી આગરબો ગાવા પર કોઈ રોયલ્ટી લેવામાં નહિ આવે.
1982માં લખાયો હતો ગરબો
1982 માં દિગ્ગજ ગાયક અતુલ પુરોહિતે તેમના પાંચ મિત્રો સાથે મળી ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે...’ ગરબો રચ્યો હતો. અતુલ પુરોહિત ઉપરાંત વિજય આયંગર, કુશલ મહેતા, અસીમ સરકાર, કૌશિક મિસ્ત્રી અને અચલ મહેતા એક દિવસ ભેગા મળીને આ ગરબાની રચના કરી હતી. વડોદરાના મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડ પર પહેલીવાર આ ગરબો ગાવામાં આવ્યો હતો.
ગરબો દેશદુનિયામાં પ્રખ્યાત
‘તારા વિના શ્યામ મને એકલડું લાગે...’ આ ગરબો દેશદુનિયામાં પ્રખ્યાત છે. અનેક ગરબા ગ્રાઉન્ડ પર આ જ ગરબાથી શરૂઆત થતી હોય છે. કોઈ પણ ગ્રાઉન્ડનો ગરબો આ ગીત વગર અધૂરો લાગે છે. ત્યારે હવે તેના કોપીરાઈટ કરવામાં આવ્યા છે.
તો હવે કોપીરાઈટ કેમ
કોપીરાઈટ કરાવવા પાછળનું કારણ જણાવતા અતુલ પુરોહિત કહે છે કે, આ ગરબા પર મેં કોપીરાઇટ કરાવ્યો છે, પરંતુ એનો અર્થ એ નથી કે આ ગરબો કોઈ ગાઈ ન શકે. કોપીરાઇટ મેળવવાનો એટલો જ ઉદ્દેશ છે કે આ ગરબો અમારું સહિયારું સર્જન છે. આ ગરબા પર કોઈ રોયલ્ટી વસૂલવાનો નથી. ગરબો બધા ગાઈ શકે છે. આ ગરબા પર મારો હક-દાવો જમવવાનો કોઈ જ આશય નથી. તેના પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે આજકાલ કોઈ વસ્તુ પ્રખ્યાત થાય એટલે કોઈપણ કંપની તેને ધડ દઈને રજિસ્ટર કરાવી દે છે અને એનો કોપીરાઇટ કરાવી દે છે. એનો કોઈ અનુચિત લાભ ન ઉઠાવે. ઘણી જગ્યાએ આ ગરબાને કોઈ ને કોઈ પોતાનું સર્જન છે એવો દાવો કરતું હતું એટલે આવી બધી અફવાને દૂર માટે કોપીરાઇટ લીધો છે. અમારી રચના સુરક્ષિત છે. હું કોપીરાઇટથી કોઈ ધંધાકીય લાભ નથી લેવાનો. કોઈપણ ગાયકને આ ગરબો ગાતો બંધ નથી કરવાનો કે નથી કોઈ એની રોયલ્ટી ક્લેઇમ કરવાની. આ ગરબો ગાવા માટે મારી કોઈ પરમિશન લેવાની જરૂર નથી. હું કોઈ વિવાદ ઊભો કરવા માગતો નથી. મને માત્ર એટલો જ રસ છે કે ગરબો અમારો છે અને ગાય બધા જ, એમાં કોઈ ને કોઈ જ બંધન નથી. બસ, અમારો એટલો જ હેતુ છે કે અમારી રચના સુરક્ષિત રહે.
ગાયકે પોતાને થયેલા કડવા અનુભવથી કોપીરાઈટ કરાવ્યું
ગરબાને કોપીરાઈટ કરાવવા પાછળ ગાયક અતુલ પુરોહિતનો એક કડવો અનુભવ છે. અતુલ પુરોહિત સુંદરકાંડ માટે પ્રખ્યાત છે. ત્યારે તેમના ગાયેલા સુંદરકાંડ પર T સિરીઝે તેના પર સ્ટ્રાઇક કરી કે, આ તેમનું છે. આ મુદ્દે અતુલ પુરોહિતે કહ્યું કે, આ રચના તુલસીદાસજીની છે, અને તે આખી દુનિયામાં ગવાય છે. તેના પર કેવી રીતે સ્ટ્રાઈક આપી શકાય. તેથી લોકો જાણે કે ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે...’ કોની રચના છે તે માટે મેં કોપીરાઈટ કરાવ્યું છે. પરંતુ મારો આ ગરબો બધા જ ગાઈ શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે