સ્મશાનમાં અસ્થિઓ મોક્ષની જૂએ છે રાહ,સ્વજનનાં અસ્થિઓ લેવા જતા લોકોમાં ડર !

સ્મશાનમાં અસ્થિઓ મોક્ષની જૂએ છે રાહ,સ્વજનનાં અસ્થિઓ લેવા જતા લોકોમાં ડર !

* રામનાથપરા મુક્તિધામમાં 3 મહિનામાં 1 હજાર અસ્થિઓ થયા એકઠા
* 2020માં 4000 અસ્થિઓનું હરિદ્વારમાં કર્યું વિસર્જન

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટમાં કોરોનાથી થતા મોતને કારણે હવે સ્મશનામાં અસ્થિેઓનો ભરાવો થયો છે. રાજકોટના રામનાથપરા મુક્તિધામ ખાતે 3 મહિનાની અંદર 1 હજાર અસ્થિઓ એકઠા થયા છે. કોરોનામાં સ્વજન ગુમાવ્યા બાદ પરિવારજનો અસ્થિ લેવા જતા પણ ડરી રહ્યા છે. રાજકોટમાં કોરોનામાં સ્વજન ગુમાવ્યા બાદ કેટલાક પરિવારજનો ડરના કારણે અસ્થિ લેવા પણ આવતા ન હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.

આ સાથે છેલ્લા 3 મહિનામાં એક માત્ર રામનાથપરા સ્મશાન ગૃહમાં 1000 જેટલા અસ્થિ એકઠા થઇ ગયા હોવાનું સ્મશાનગૃહના સંચાલકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. રામનાથપરા સ્મશાન ગૃહના સંચાલક શ્યામભાઇ પાનખાણીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષથી હાલ કોરોનાનું સંક્રમણ વધી ગયું છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. કોરોનાથી થતા મૃત્યુ બાદ મૃતકના સ્વજનો ડરના કારણે અસ્થિ લેવા ન આવતા હોવાની માહિતી સામે આવી રહી છે. એક માત્ર રામનાથપરા સ્મશાન ગૃહમાં પાછલા વર્ષ 2020માં લગભગ 4000 જેટલા અસ્થિનું વિસર્જન સ્મશાન ગૃહ દ્વારા હરિદ્વાર ખાતે કરવામાં આવ્યું હતું.

હરિદ્વારમાં કરાયા અસ્થિઓનું વિસર્જન
રામનાથપરા મુક્તિધામનાં મેનેજર શ્યામભાઇ પાણખાણીયાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ કોરોનાને કારણે આજ સ્થિતી સર્જાય હતી. 2020માં 4 હજાર અસ્થિઓનું રાજકોટનાં સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુક્તિધામ દ્વારા હરિદ્વારમાં અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે ચાલું વર્ષે માત્ર 3 મહિનામાં 1 હજાર અસ્થિઓ એકઠા થઇ ગયા છે. 

અસ્થિ પર ગ્રહણ ન લાગવું જોઇએ
અગ્નિ સંસ્કાર આપી દેવામાં આવ્યા બાદ અસ્થિઓને દસ દિવસમાં જ તર્પણ વિધી કરવાની હોય છે. શાસ્ત્રી હિરેન ત્રિવેદીનાં કહેવા મુજબ, અસ્થિ વહેલા કે મોડા ગમે ત્યારે વિસર્જન કરી શકાય છે. પરંતુ એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, તેનાં પર ગ્રહણ ન લાગે. સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ ન લાગવું જોઇએ. લોકો પોતાની અનુકુળતા પ્રમાણે સ્વજનોનાં અસ્થિઓનું વિસર્જન તિર્થસ્થળોની નદીઓમાં કે કુંડામાં કરી શકે છે. અમુક દિવસોમાં વિસર્જન કરી દેવું તેવો કોઇ ધાર્મિક નિયમ પણ નથી. માત્ર ગ્રહણ ન લાગે તેનું ધ્યાન રાખવાનું હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news