લોકરક્ષક દળની ભરતીમાં શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ક્લિક કરીને જાણી લો તમારૂ નામ છે કે નહી
Trending Photos
ગાંધીનગર : રાજ્યમાં ચાલી રહેલી LRD ની ભરતીમાં શારીરિક કસોટીનું પરિણામ જાહેર થયું છે. એલઆરડીની ભરતીની શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારની વિગતો અને ઉતીર્ણ થયેલા ઉમેદવારોને શારીરિક કસોટીમાં મેળવેલા ગુણની વિગત https://lrdgujarat2021.in/ વેબસાઈટ પર જોઈ શકાશે. આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેમની 10મી એપ્રિલના રોજ લેખિત કસોટી યોજાશે. જો કોઇ ઉમેદવારને શારીરિક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી 28 ફેબ્રુઆરી સુધીમાં લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, ગાંધીનગર ખાતે મોકલી આપવાનું રહેશે. આ તારીખ પછી મળેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં. ઉપરાંત કોઇ પણ ઉમેદવારે રૂબરૂ નહી પરંતુ પોસ્ટ દ્વારા જ અરજી મોકલવા માટે પણ જણાવ્યું હતું.
શારીરિક કસોટી પ્રક્રિયામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોની નિયમ મુજબ લેખિત પરી 10 એપ્રિલના રોજ યોજાવાનું નક્કી કરવામાં આવેલું છે. પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. નોંધનીય છે કે, 29મી જાન્યુઆરીએ જ લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પોલીસ ભરતી માટે 8.86 લાખ ઉમેદવારોની અરજી મળી હતી અને 3 ડિસેમ્બરથી શારીરિક કસોટી શરૂ કરવામાં આવી હતી. જે 29 જાન્યુઆરી પૂરી થઈ હતી. આ કસોટીમાં 6.98 લાખ ઉમેદવારો હાજર રહ્યા હતા.
આ શારીરિક કસોટીમાં પુરૂષ ઉમેદવારોને પાસ થવા માટે 5000 મીટરની દોડ 25 મિનીટમાં, મહિલા ઉમેદવારોને પાસ થવા માટે 1600 મીટરની દોડ 9 મિનીટ 30 સેકન્ડમાં અને એક્સ-આર્મીમેનને પાસ થવા માટે 2400 મીટરની દોડ 12 મિનીટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની હતી. જેથી એક્સ આર્મી મેન દ્વારા વર્લ્ડ રેકોર્ડ બનાવાયો હોવાની વાત અસ્થાને છે. તેવી પણ હસમુખ પટેલે સ્પષ્ટતા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ તથા પીએસઆઇ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે