રાજ્યનું સૌથી મોટુ સ્માર્ટ સિટી અને આર્થિક પાટનગર 2 ઇંચ વરસાદમાં હાંફી ગયું, વિકાસનાં તમામ દાવા ધોવાઇ ગયા
Trending Photos
અમદાવાદ : સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે આજે 3 ઇંચ વરસાદે જ તંત્રની તમામ પોલ ખોલી નાખી હતી. ઠેર ઠેર પાણી ભરાયા હતા. વરસાદના કારણે રાજ્યના સૌથી મોટા શહેર અને આર્થિક પાટનગર કહેવાતા અમદાવાદની હાલત ખસ્તા થઇ હતી. સ્માર્ટ સિટીના નામે કરેલા કરોડો રૂપિયાના ધુમાડા જાણે એક જ સારા એવા વરસાદમાં ધોવાઇ ગયા હતા. તંત્ર દ્વારા દેખાડાયેલા હથેળીના ચાંદ ફરી એકવાર ઉતરી ગયું હતું. ભારે બફારા બાદ અમદાવાદનાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને નવા પશ્ચિમ ઝોનમાં વરસાદ તુટી પડ્યો હતો.
અમદાવાદમાં ચોમાસાને લઈને આજે રવિવારે ભારે વરસાદમાં હાટકેશ્વર સર્કલ ચોમાસાના વરસાદમા ચોથી વાર બેટમાં ફેરવાયુ હતું. ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડની વસાહતોમાં માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. સતત પડી રહેલા વરસાદને કારણ પૂર્વના અનેક વિસ્તારોમાં સ્થિતિ સતત વણસી રહી છે. ખાસ કરીને ખોખરા અને આસપાસ ની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ખોખરાથી CTM માર્ગ પર વરસાદને કારણે વાહનોની લાંબી લાંબી કતારો લાગી હતી. CTM કુશાભાઉ ઠાકરે હોલ સામેના માર્ગ પર બેએક ફુટ પાણી ભરાયા હતા. કેનાલ પાસેની અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઇ હતી. પુનિતનગર રેલવે ફાટક પાસે વરસાદી પાણી ભરાયા હતા.
શહેરમાં જીવરાજપાર્ક, શ્યામલ, મેમનગર, ઈસ્કોન, પ્રહલાદનગર, મોટેરા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, બોપલ, ઘાટલોડિયા, સૈજપુર, ઇસનપુર, સરખેજ, રાણીપ, ગોતા, ન્યુ રાણીપ સહિતના આખા અમદાવાદમાં વરસાદની પધરામણી થઈ હતી. ભારે વરસાદના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, જોકે, આજે રવિવાર હોવાથી ટ્રાફિકની સમસ્યા ઓછી સર્જાઈ હતી, પરંતુ ચાલુ દિવસમાં આ પ્રકારની સ્થિતિ હોત તો વાહન ચાલકોને વધારે પરેશાની ભોગવવી પડી હોત. જો હજુ પણ મેઘરાજા આજ રીતે હવે થોડો સમય બેટિંગ કરશે તો, શહેરના મુખ્ય અંડર બ્રિજ બંધ કરવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે