અમદાવાદ, રાજકોટ, સુરત કરતા પાછળ રહી ગયું ગુજરાતનું આ શહેર, સત્તાધીશોને કારણે પાળ પીટાઈ
Vadodara News : અમદાવાદ, ગાંધીનગર, સુરત અને રાજકોટ જેવા શહેરો વિકાસમાં આગળ નીકળી ગયા, પણ સંસ્કારી નગરી વડોદરા પાછળ રહી ગઈ... જેનું કારણ છે આ સત્તાધીશોનો અણઘડ વહીવટ
Trending Photos
Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે, પણ વડોદરામાં ભાજપના જ નેતાઓ શિસ્તના લીરેલીરા ઉડાડી રહ્યા છે. વડોદરા શહેરના વિકાસની ચિંતા કરવાના બદલે ભાજપ નેતાઓ પોતાની ચિંતા વધુ કરી રહ્યા છે. વડોદરા ભાજપમાં ભયંકર જુથબંધી છે, જેની અસર શહેરના વિકાસના કામો પર થઈ રહી છે.
વડોદરા કોર્પોરેશનમાં ગઈકાલે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. સ્થાયી સમિતિના બેઠક પહેલાં ભાજપ કાર્યલય ખાતે સંકલનની બેઠક મળી, જેમાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સહિત સ્થાયીના 10 સભ્યો હાજર હતા. તેમજ ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા અને શહેર ભાજપના એક મહામંત્રી પણ બેઠકમાં હાજર હતા. સંકલન બેઠક શરૂ થતાંની સાથે જ એક સભ્ય પહેલાથી જ પોતાનો એજન્ડા સેટ કરીને આવ્યા હતા. જેમને આજે બધા જ કામો મુલતવી કરવાના છે તેવી વાત કહી. આ ઉપરાંત બે મહિલા સભ્યો જાગૃતિ કાકા અને હેમિષા ઠક્કરે પશ્ચિમ વિસ્તારમાં રૂ 40 કરોડ અને અમારા ઝોનમાં કેમ રૂ 25 કરોડના રોડના કામો મૂકાયા છે.? તેમ કહી નારાજગી વ્યક્ત કરી હતી. બંને સભ્યોની રજૂઆત બાદ શાસક પક્ષ નેતા મનોજ પટેલે રોડના કામોમાં ભાવ વધારો હોવાનું કહીને એમણે પણ વિરોધમાં સૂર પુરાવ્યો હતો. તેમજ ભાવ વધારાનું પોતાનું ગણિત સમજાવ્યું હતું. જોકે આ ગણિત અન્ય સભ્યોના પાલે પડ્યું ન હતું. સ્થાયી પહેલા સંકલનની બેઠકમાં શહેરમાં ઉત્તર અને પશ્ચિમ ઝોનના 40-40 કરોડના, પૂર્વ અને દક્ષિણ ઝોનના 25-25 કરોડના કામોના એજન્ડા ઉપરાંત 14 એજન્ડા પર ચર્ચા કરવાની હતી, પણ રોડના કામોની દરખાસ્ત મુલતવી રહે તેમા અમુક સભ્યોને ખુબ રસ હતો અને તેવો દરખાસ્ત મુલતવી કરાવવામાં સફળ પણ થયા.
સંકલનની બેઠકમાં ભાજપ સભ્ય બંદીશ શાહ હંમેશા શહેરના વિકાસના કામો માટેની દરખાસ્ત મુલતવી કે નામંજૂર થાય તેના પક્ષમાં જ રહેતા હોય છે તેવા આરોપ પણ ભાજપના અન્ય સભ્યએ લગાવ્યા. ત્યારે ગઈકાલે પણ બંદીશ શાહે દરખાસ્ત મામલે વધુ અભ્યાસ કરવાનો છે તેમ કહી મુલતવી કરવા કહ્યું. જેમાં તેમના જોડીદાર શાસક પક્ષના નેતા મનોજ પટેલે તેમનો સાથ આપ્યો. જેથી ભાજપ સભ્ય નીતિન દોંગા બંદીશ શાહ પર ભડક્યા. બંને વચ્ચે બેઠકમાં ભારે માથાકૂટ થઈ. બંદીશ શાહે નીતિન દોંગાને તુકારીને બોલતા જ નીતિન દોંગા પોતાની ખુરશી પરથી ઊઠી બંદીશ શાહ પાસે પહોચી ગયા. જ્યાં વધુ બબાલ થતા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો. નીતિન દોંગાએ બેઠકમાં કહ્યું કે અમારા કામોમાં જ કેમ અવરોધ ઉભો કરાય છે. બંદીશ શાહ દર વખતે કેમ વિકાસના કામમાં વાંધા વંચકા કાઢે છે. તમારે વધુ અભ્યાસ કરવો હોય તો પહેલા જ અભ્યાસ કરી લેવો જોઈએ. અમારા વિસ્તારના લોકોને શું જવાબ આપવાનો? નીતિન દોંગાએ બેઠકમાં વધુ કહ્યું કે તમે ચેરમેન સામે રિવેન્જની રાજનીતિ કરી રહ્યા છો. 4 દિવસ પહેલા અભ્યાસ કરવા માટે એજન્ડા આપતાં હોય તો અભ્યાસ કેમ નહીં કરતાં.?
મહત્વની વાત છે કે ચોમાસા બાદ શહેરના અનેક રોડ રસ્તા તૂટ્યા છે, જેમાં ટેમ્પરરી કોર્પોરેશને પેચવર્ક કર્યું છે. જેથી રોડ રસ્તા ખરાબ છે. મુખ્યમંત્રીએ તમામ રોડ રસ્તા દિવાળી પહેલા બનાવી દેવા સૂચના આપી છે. તેમજ વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રવાસ પણ છે. ત્યારે રોડ રસ્તાનું કામ કરવું ખુબ જરૂરી હતું. તેમ છતાં ભાજપ સભ્ય બંદીશ શાહે દરખાસ્ત પર વધુ અભ્યાસ કરવાનો છે તે બહાને દરખાસ્ત મુલતવી કરાવી દીધી…બંદીશ શાહનો શું કોઇ વ્યક્તિગત એજન્ડા છે કે પછી આંતરિક જૂથબંધીના કારણે કામો મુલતવી કરાવે છે તે સવાલ ઉઠવા પામે છે. બંદીશ શાહ, મનોજ પટેલ સહિત અનેક કોર્પોરેટરોને સ્થાયી સમિતિ ચેરમેન બનવું હતું પણ ચેરમેનની ખુરશી નસીબ ન થતાં સ્કોર સેટલ કરવા વિકાસના કામોની દરખાસ્ત મુલતવી કરાવતા હોય તેવી ચર્ચાઓ જાગી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે વડોદરા શહેર વિકાસમાં પાછળ રહી ગયું છે તેમ કહ્યું તેમ છતાં ભાજપ નેતાઓ આંતરિક જૂથબંધી ભુલી શહેરના વિકાસ માટે એકજૂટ નથી થઈ રહ્યા, જે શહેર માટે ખુબ કરુણ વાત છે. ત્યારે જો આવું જ ચાલતું રહ્યું તો વડોદરા ક્યારેય અમદાવાદ, સુરત કે રાજકોટ કરતાં વિકાસમાં આગળ નહીં નીકળે તે નક્કી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે