3 અપક્ષોનો ભાજપને ટેકો, ધવલસિંહે કહ્યું-અમે મૂળ ભાજપના જ હતા, વિપક્ષમાં રહી પ્રજાના કાર્ય ન થઈ શકે

Gujarat Assembly session : વિધાનસભામાં વધી ભાજપની શક્તિ..... 3 અપક્ષ ધારાસભ્યો ધવલસિંહ ઝાલા, ધર્મન્દ્રસિંહ વાઘેલા અને માવજી દેસાઈએ રાજ્યપાલને મળી ભાજપને ટેકો કર્યો જાહેર....

3 અપક્ષોનો ભાજપને ટેકો, ધવલસિંહે કહ્યું-અમે મૂળ ભાજપના જ હતા, વિપક્ષમાં રહી પ્રજાના કાર્ય ન થઈ શકે

Gujarat Assembly session ગૌરવ પટેલ/ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં ભાજપની તાકાત વધી છે. કારણ કે, 3 અપક્ષ ધારાસભ્યો આજે ભાજપને સમર્થન જાહેર કર્યું છે. બાયડથી ચૂંટાયેલા ધવલસિંહ ઝાલા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ વિધાનસભા સત્રના પહેલા દિવસે ભાજપને સમર્થન આપ્યું છે. 
 
અપક્ષ ધારાસભ્યોએ ભાજપ સરકારને સમર્થન જાહેર કર્યું છે. રાજ્યપાલ સમક્ષ જઈને 3 ધારાસભ્યોએ સમર્થન આપ્યું. ત્યારે ભાજપને સમર્થન કરીને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝલાએ નિવેદન આપ્યુ કે, અમે ત્રણેય સભ્યો મૂળ ભાજપના જ હતા. લાગણીથી અમે ભાજપ સરકાર સાથે જોડાયા છીએ. અમે સરકારને સમર્થન આપ્યું છે. અમને વિશ્વાસ છે કે, આ સરકાર પ્રજાનું હિત વિચારે છે. સમગ્ર ગુજરાતનો જનમત ભાજપને મળ્યો છે. 

તો અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે, પ્રજાની ઈચ્છા હતી અને તેમના માન ખાતર ચૂંટણી લડ્યો હતો. અમે અમારા કાર્યકરો અને સમર્થકો સાથે મિટિંગ કરીને નિર્ણય કર્યો. અમારા વિસ્તારમાં વિકાસના અને પ્રજાલક્ષી કર્યો થાય માટે સમર્થન જાહેર કર્યું છે. તો ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ કહ્યું કે, પ્રજાએ વિકાસના કામો માટે ચૂંટ્યા હોય ત્યારે સરકારના ભાગરૂપે પ્રજાનું કામ કરવું જોઈએ. પ્રધાનમંત્રી, અમિત શાહ અને મુખ્યમંત્રીની પ્રેરાઈને સરકારને સમર્થન જાહેર કર્યું છે. પ્રજાને વિશ્વાસમાં લઇને સમર્થન સરકારને આપ્યું છે. વિપક્ષમાં રહીને પ્રજાલક્ષી કાર્યો ન થઈ શકે. 

ગુજરાત વિધાનસભાનું આજે એક દિવસીય સત્ર મળ્યું છે. જેમાં સર્વાનુમતે શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ અને જેઠા ભરવાડ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવાયા છે. એક દિવસીય સત્રમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધશે અને રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ થશે. વિધાનસભા સત્રમાં શોક દર્શક પ્રસ્તાવ પણ રજૂ થશે. તો બપોરે ગૃહમાં ઈમ્પેક્ટ ફી રેગ્યુલર કરતું બિલ સરકાર રજૂ કરશે. વટ હુકમની મુદત પૂર્ણ થતિ હોવાથી રાજ્ય સરકાર બિલ લાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news