મગરો શહેરમાં રખડવા નીકળી પડે, પણ કોર્પોરેશનને ક્રોકોડાઈલ પાર્ક બનાવવામાં કોઈ રસ નથી!

વડોદરા કોર્પોરેશને શરૂ કરેલા દેશના પહેલા ક્રોકોડાઈલ પાર્ક પ્રોજેક્ટનું શરૂ થતાં પહેલા જ બાળમરણ થયું છે…વિશ્વામિત્રી નદીમાં વસતાં હજારો મગરોને એક જ જગ્યા લાવી શહેરને પૂર સમયે મગરોના ભયથી મુક્ત કરવાના સત્તાધીશોના દાવા પોકળ સાબિત થયા છે.
મગરો શહેરમાં રખડવા નીકળી પડે, પણ કોર્પોરેશનને ક્રોકોડાઈલ પાર્ક બનાવવામાં કોઈ રસ નથી!

Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરા કોર્પોરેશને શરૂ કરેલા દેશના પહેલા ક્રોકોડાઈલ પાર્ક પ્રોજેક્ટનું શરૂ થતાં પહેલા જ બાળમરણ થયું છે…વિશ્વામિત્રી નદીમાં વસતાં હજારો મગરોને એક જ જગ્યા લાવી શહેરને પૂર સમયે મગરોના ભયથી મુક્ત કરવાના સત્તાધીશોના દાવા પોકળ સાબિત થયા છે.

રાજ્ય સરકારમાં સૌરભભાઇ પટેલ નાણાં મંત્રી હતા ત્યારે તેમના મત વિસ્તાર અકોટામાં સીડ્યુલ વનમાં આવતા વડોદરાના મગરો માટે ક્રોકોડાઈલ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિશ્વામિત્રી નદીના કિનારે 66 એંકર જમીનમાં પાર્ક બનાવવા વર્ષ 2016માં 2.79 કરોડના ખર્ચે લોખંડની ફેન્સિંગ પણ બનાવી હતી, જોકે ત્યારબાદ તંત્રને ખબર પડી કે આ જમીન તો મહારાણીએ ગરીબોના આવાસ માટે દાનમાં આપેલી છે. બાદમાં સરકારે ક્રોકોડાઇલ પાર્ક બનાવવા માટેની મંજૂરી આપી પરંતુ કોર્પોરેશને રાજ્ય સરકારને જમીનના 214 થી વધુ કરોડ રૂપિયા લેવાના બાકી હોવાથી સરકારે પ્રોજેક્ટ પર રોક લગાવી દીધી. સરકારે કલેકટરનો ખુલાસો પૂછ્યો તો કલેક્ટરે પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જમીનના નાણા ચૂકવી દેવા જાણ કરી, તેમજ નાણા નહીં ચૂકવાય તો પ્રોજેક્ટ ન શરૂ કરવા સરકારની સૂચના હોવાનો પત્રમાં ઉલ્લેખ પણ કર્યો. જેથી અત્યાર સુધી નાણાના અભાવે તેમજ કોર્પોરેશન અને કલેકટર વિભાગ વચ્ચે સંકલનના અભાવે આખો પ્રોજેક્ટ શરૂ થતાં પહેલા જ ઘોંચમાં મૂકાયો છે. ક્રોકોડાઇલ પ્રેમી ક્રોકોડાઇલ પાર્ક ન બનવો જોઈએ તેવી માંગ કરી રહ્યા છે.

કોંગ્રેસના નેતા અમી રાવતે આ વિશે કહ્યું કે, વડોદરા કોર્પોરેશન અને વન વિભાગ ક્રોકોડાઈલ પાર્ક માટે ઉતાવળા બન્યા. જમીનનો હેતુ ફેર કરી પાર્ક બનાવવા 2.79 કરોડની લોખંડની ફેન્સિંગ બનાવી દીધી, જોકે ત્યારબાદ આ જમીન ગરીબોના આવાસ માટે આપેલી હોવાથી કોર્ટે પણ સ્ટે આપેલો હોય તેમા કઈ કામ ના કરી શકાય તેવો આદેશ આવ્યો અને સરકારી જમીનની બજાર કિંમત કોર્પોરેશને ચૂકવવી જોઈએ તેવી વાત આવતા 426 કરોડ કોર્પોરેશન ક્યાંથી લાવે તે સવાલ ઊભો થયો અને ત્યારબાદ આ પ્રોજેક્ટ અભરાઈએ ચડાવી દેવામાં આવ્યો. અહી ના તો ગરીબોને ઘર મળ્યા કે ના તો મગરનો પાર્ક બન્યો અને જનતાના 2.79 કરોડ રૂપિયા પણ વેડફી નાખવામાં આવ્યા છે. ત્યારે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર કહે છે કે પ્રોજેક્ટનું બાળમરણ નથી થયું. પ્રોજેક્ટને લઇ હજી વાટાઘાટો ચાલી રહી છે. યોગ્ય સ્તરે વાત થયા બાદ પ્રોજેક્ટનું કામ ફરીથી શરૂ કરાશે.

અકોટાના તત્કાલીન ધારાસભ્ય અને તે સમયે મેયરે ઉતાવળે આ પ્રોજેકટ શરુ તો કર્યો પણ તેની જમીનનો વિવાદ નીકળતા 2.79 કરોડનો ખર્ચ પાણીમાં ગયો છે અને આ જમીન પરના તો ગરીબોને ઘર મળ્યાં કે ના મગરોને પાર્ક મળ્યો…જેના કારણે આજે પણ મગરો રોડ પર લટાર મારતા જોવા મળી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news