વડોદરા પોલીસે કરી 2 બાગ્લાદેશી સહિત 3 યુવતીની ધરપકડ, હવે એવું તો શું થયું કે એજન્સીઓ દોડતી થઈ

હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે પોલીસે બોગસ આધારકાર્ડ સાથે ઝડપેલી બે બાંગ્લાદેશી સહિત ત્રણ યુવતીઓ મહિલા અને નારી સંરક્ષણ ગૃહમાંથી મોડી રાત્રે ફરાર થઈ જતાં હડકંપ મચી જવા પામ્યો છે

વડોદરા પોલીસે કરી 2 બાગ્લાદેશી સહિત 3 યુવતીની ધરપકડ, હવે એવું તો શું થયું કે એજન્સીઓ દોડતી થઈ

રવિ અગ્રવાલ, વડોદરા: હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે પોલીસે બોગસ આધારકાર્ડ સાથે ઝડપેલી બે બાંગ્લાદેશી સહિત ત્રણ યુવતીઓ મહિલા અને નારી સંરક્ષણ ગૃહમાંથી મોડી રાત્રે ફરાર થઈ જતાં હડકંપ મચી જવા પામ્યો છે. યુવતીઓ ફરાર થતાં પોલીસ તંત્ર અને વિવિધ એજન્સીઓ દોડતી થઈ.

મૂળ બાંગ્લાદેશની બે યુવતી યાસ્મીન ઉર્ફે જન્નત જજમીયા મુસ્લિમ અને પોપીબેગમ ઉર્ફે ફરઝાના મોહંમદ સૈફુલ ઇસ્લામ શેખ પશ્ચિમ બંગાળની યુવતી મૌસમી ઉર્ફે સારમીન મીંટુ ઉર્ફે રહીમ શેખ સાથે હાવરા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરતા હતા, ત્યારે તેઓની ભાષા પરથી તેમની પાસેના આઇડી પ્રુફ ચેક કરતા બંને પાસેથી આધારકાર્ડ મળ્યા હતાં. આ અંગે તપાસ હાથ ધરતા બંને યુવતીઓએ પોતાના આધારકાર્ડ પશ્ચિમ બંગાળમાં રહેતા નાઝમુલ શેખને આપતા તેને પશ્ચિમ બંગાળના મામા નામના શખ્સ પાસેથી બોગસ આધારકાર્ડ બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

જેના આધારે રેલવે પોલીસે બાંગ્લાદેશી યુવતીઓ તેમજ પશ્ચિમ બંગાળની યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દીધી હતી. પરંતુ ગઈકાલ રાત્રે બાંગ્લાદેશી બે યુવતી સહિત ત્રણેય યુવતીઓ નારી સરંક્ષણ ગૃહની લાંબી દિવાલ કુદી ફરાર થઈ ગઈ. યુવતીઓ ફરાર થઈ તે ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. ત્યારે વડોદરા પોલીસ તંત્ર અને વિવિધ એજન્સીઓ યુવતીઓ કેવી રીતે ફરાર થઈ તેની તપાસ કરવા નારી સરંક્ષણ ગૃહમાં પહોચી હતી.

બાંગ્લાદેશી યુવતીઓ પાસેથી બોગસ આધારકાર્ડ મળતા તેમના ઇરાદા શું હતા તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બાંગ્લાદેશી યુવતીઓ ઝડપાયા બાદ હવે સેન્ટ્રલ એજન્સીઓ પણ તપાસમાં જોડાવાની હતી. જેમાં બાંગ્લાદેશી યુવતીઓ યાસ્મીન અને પોપીબેગમની સેન્ટ્રલ આઇબી, સ્ટેટ આઇબી, આર્મી, ક્રાઇમ બ્રાંચ, એસઓજી સહિતની ટીમો દ્વારા પૂછપરછ કરવામાં આવનાર હતી તે પહેલાં જ તે ફરાર થતાં અનેક શંકા કુશંકા ઊભી થઈ છે. સાથે જ શું યુવતીઓને ભગાડવામાં કોઈ સડયંત્ર રચવામાં આવ્યું કે કેમ તે પણ તપાસનો વિષય છે.

હાલમાં રેલવે પોલીસે બંગાળના મોહમ્મદ નઝમુલ શેખની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. નારી સરંક્ષણ ગૃહના મેનેજરે યુવતીઓ ફરાર થવામાં સફળ થઈ હોવાનો સ્વીકાર કર્યો સાથે જ જવાબદાર લોકો સામે કાર્યવાહી થશે તેવી વાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news