પોલીસના નવતર પ્રયોગ સાયકલ પેટ્રોલિંગને સફળતા, 6 નબીરાઓની ધરપકડ
અમદાવાદ પોલીસ દ્વારા રાત્રે સાઈકલ પર પેટ્રોલિંગ કરવાનો એક નવો પ્રયોગ શરૂ કરાયો છે, જેમાં મંગળવારે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન મેમનગર પાસેથી ચિક્કાર દારૂના નશામાં રહેલી 4 યુવતી અને 2 યુવકને ઝડપી પાડ્યા હતા
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદઃ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસે દારૂની મેહફીલ માણતા 6 નબીરાઓની ધરપકડ કરી છે. નવાઈની વાત એ છે કે, પોલીસ દ્વારા શરૂ કરાયેલા સાયકલ પેટ્રોલિંગના નવતર પ્રયોગમાં તેમને આ સફળતા મળી છે. પોલીસ મંગળવારે મોડી રાત્રે સાયકલ પર પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મેમનગર પાસેથી ચિક્કાર દારૂના નશામાં 4 યુવતી અને 2 યુવકને ઝડપી પડયા હતા.
શહેરમાં ઠંડીની સિઝનમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરી અને અન્ય ગુનાઓને ડામવા વસ્ત્રાપુર પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રયાસમાં પોલીસને સફળતા પણ પ્રાપ્ત થઈ છે. સાયકલ પર પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે મેમનગર ખાતે આવેલ યશ પ્રભા એપાર્ટમેન્ટમાં દારૂની મેહફીલ માણતા નબીરાઓને ઝડપી લીધા હતા. પોલીસે જ્યારે આ એપાર્ટમેન્ટમાં રેડ પાડી ત્યારે 4 યુવતીઓ અને 2 યુવકો ચિક્કાર દારૂના નશામાં બૂમો પડતા હતા. ઝડપાયેલા તમામ નબીરાઓ ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરતા હતા અને અભ્યાસ પૂર્ણ થતા દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું.
(સાયકલ પર રાત્રી પેટ્રોલિંગ કરી રહેલી વસ્ત્રાપુર પોલીસ)
પોલીસે જ્યારે દારૂના નશામાં ધૂત આ નબીરાઓની પુછપરછ કરી તો તેમણે જણાવ્યું કે, તેમણે ફેશન ડિઝાઈનિંગનો કોર્સ તાજેતરમાં જ પુરો કર્યો હતો. આથી તેના માનમાં તેમણે એક દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું કે, આ દારૂ તેમણે રાજસ્થાનથી મગાવ્યો હતો.
સાયલેન્ટ થઇ સાયકલ પર પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ જ્યારે આ એપાર્ટમેન્ટ પાસેથી પસાર થઈ ત્યારે તેમને મોટે-મોટેથી અવાજ સાંભળતા શંકાને આધારે તપાસ કરી હતી. જેમાં આ નબીરાઓ ચિક્કાર નશાની હાલતમાં મળી આવ્યા હતા. વસ્ત્રાપુર પોલીસે દારૂની મેહફીલનો કેસ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે