પરિવારે 6 મહિના સુધી એક રૂમમાં ગોંધી રાખેલી CA યુવતીનું મોત, રાજકોટમાં માનવતા શર્મશાર
Trending Photos
- પાડાશીઓને યુવતીના ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાથી સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલનો સંપર્ક કર્યો હતો
- ડોક્ટરોના કહેવા પ્રમાણે આઠ દિવસથી તેને પાણી પણ આપવામાં આવ્યુ ન હતું
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટની એક ભણેલી ગણેલી યુવતીને નર્ક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર કરાઈ હતી. સાધુ વાસવાણી રોડ પર ઘરમાં પુરાયેલી યુવતીને ગઈકાલે રેસ્ક્યૂ કરાઈ હતી. ત્યારે આજે યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 6 માસ કરતા વધુ સમયથી યુવતીને ઘરમાં પૂરી રાખી હોવાનું સામે આવ્યું હતું. ઘરમાં યુવતીના રૂમમાંથી યુરિન ભરેલી કોથળીઓ પણ મળી આવી હતી.
યુવતી મરણ શૈયા પર હોય તે રીતે ઘરમાં રાખી હતી
સભ્ય સમાજને શરમાવે તેવી ઘટના ફરી રાજકોટમાં બની છે. શહેરના સાધુ વાસવાણી રોડ પર એક 25 વર્ષીય CAનો અભ્યાસ કરતી યુવતીને તેના જ પરિવારે ગોંધી રાખી હતી. જેને સામાજિક સંસ્થાએ છોડાવી હતી. જેના કારણે સંસ્થા દ્રારા તેની સ્થિતિ જોવા તેના ઘરે પહોંચ્યા ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ યુવતી નર્કાગાર સ્થિતિમાં હતી. યુવતી મરણ શૈયા પર હોય તે રીતે તેને ઘરમાં રાખી હતી. જે સ્થળે આ યુવતીને રાખી હતી ત્યાં ખૂબ જ ગંદકી હતી. યુરીનની કોથળીઓ ભરેલી હતી. છ માસથી એક જ રૂમમાં પુરાયેલી યુવતીની જાણ પાડોશીઓને થઇ હતી. પાડાશીઓને યુવતીના ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાથી સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલનો સંપર્ક કર્યો હતો. આથી જલ્પાબેન અને તેની ટીમ પોલીસ સાથે તેના ઘરે પહોંચી હતી.
આઠ દિવસથી યુવતીને પાણી આપ્યું ન હતું
આ સ્થિતિ જોઇને સંસ્થા તેને હોસ્પિટલ ખસેડવા જતા હતા. જો કે પરિવારજનો સહમત ન હતા. અંતે સામાજિક સંસ્થાએ પોલીસને સાથે રાખીને યુવતીને સારવાર માટે ખસેડી છે. સામાજિક સંસ્થાના કહેવા પ્રમાણે યુવતી છેલ્લા ત્રણ દિવસથી કોમોમાં હતી. એટલુ જ નહિ ડોક્ટરોના કહેવા પ્રમાણે આઠ દિવસથી તેને પાણી પણ આપવામાં આવ્યુ નથી. જેના પગલે સંસ્થા દ્વારા યુવતીને સારવાર માટે પોલીસને સાથે રાખીને તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
યુવતીની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ હતા
સંસ્થાની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. રૂમમાં પહોંચતા જ સાથી સેવા ગ્રુપને મોઢામાંથી ફીણ નીકળી ગયેલી હાલતમાં યુવતી જોવા મળી હતી. તેમજ યુવતીની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ જોવા મળ્યાં હતા. આવી સ્થિતિ છતાં યુવતીના પરિવારજનો યુવતીની સારવાર માટે તૈયાર ન હતા. પરંતુ તેના રૂપિયા અનેક લોકો પાસે મેળવતા હતા. હાલમાં આ સંસ્થા દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ યુવતીના પરિવારજનો સામાજિક સંસ્થાના લોકોને ધમકાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જ સંસ્થા દ્વારા અગાઉ બે ભાઇ અને એક બહેનને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જે મેલી વિદ્યાનાં વહેમના કારણે વર્ષોથી ઘરમાં પુરાયેલા રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે