ગુજરાતના મોટા શહેરોમાં શું છે 108 એમ્બ્યુલન્સ સેવાની સ્થિતિ? જુઓ ZEE 24 કલાકનું રિયાલિટી ચેક

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે એવી પણ ફરિયાદો સામે આવી છે કે, દર્દીઓને સમયસર 108 ambulance નથી મળતી. જે બાદ અમારી ચેનલ ZEE 24 કલાકે નક્કી કર્યું કે, રાજ્યના મહાનગરોમાં 108 સુવિધાની સ્થિતિ મામલે રિયાલિટી ચેક કરવામાં આવે. જેાં અમારા સંવાદદાતા દ્વારા ગુજરાતના અલગ-અલગ શહેરોમાંથી 108 માટે ફોન કરાયો. જેમાં સામે આવ્યું કે ક્યાંક અનિશ્ચિત સમય માટે વેઈટિંગ છે તો ક્યાંક સુવિધા તરત જ ઉપલબ્ધ છે

ગુજરાતના મોટા શહેરોમાં શું છે 108 એમ્બ્યુલન્સ સેવાની સ્થિતિ? જુઓ ZEE 24 કલાકનું રિયાલિટી ચેક

ઝી મીડિયા/બ્યૂરો :એમ્બ્યુલ્સ સર્વિસ કોરોના કાળમાં જીવાદોરી સમાન બની ગઈ છે. કોઈ પણ અકસ્માત હોય કે આપદા, 108 સેવા ખડેપગે હોય છે. જો કે કોરોનાના કપરા કાળમાં આ ચિત્ર 90 ડિગ્રી બદલાઈ ગયું છે. ચેનલ ઝી 24 કલાકે જે રિયાલિટી ચેક (reality check) કર્યું, તેમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. 108 સેવા રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે. હૉસ્પિટલની બહાર 108 એમ્બ્યુલન્સની લાઈન લાગી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે એવી પણ ફરિયાદો સામે આવી છે કે, દર્દીઓને સમયસર 108 ambulance નથી મળતી. જે બાદ અમારી ચેનલ ZEE 24 કલાકે નક્કી કર્યું કે, રાજ્યના મહાનગરોમાં 108 સુવિધાની સ્થિતિ મામલે રિયાલિટી ચેક કરવામાં આવે. જેાં અમારા સંવાદદાતા દ્વારા ગુજરાતના અલગ-અલગ શહેરોમાંથી 108 માટે ફોન કરાયો. જેમાં સામે આવ્યું કે ક્યાંક અનિશ્ચિત સમય માટે વેઈટિંગ છે તો ક્યાંક સુવિધા તરત જ ઉપલબ્ધ છે.  

અમદાવાદ
રાજ્યમાં જ્યાં સૌથી વધુ કોરોનાના કેસ આવ્યા છે તે અમદાવાદમાં 108 સેવાનું ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું. કોવિડના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડતી 108 એમ્બ્યુલન્સ માટે અહીં લાંબુલચક વેઈટિંગ છે. ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં આ ફરિયાદ સાચી પડતી જણાઈ. 108 એમ્બ્યુલન્સના કંટ્રોલ રૂમમાં ફોન રિસીવરે માફી માગીને કહ્યું કે હાલમાં કોઈ એમ્બ્યુલન્સ ફ્રી નથી. અમારા સંવાદદાતા અતુલ તિવારીએ પૂછ્યુ કે, ક્યાર સુધીમાં અંદાજે 108 મળી રહેશે, તો કહેવામાં આવ્યું કે હાલમાં કોઈપણ સ્પષ્ટતા કરી શકાશે નહિ. સાથે જ જવાબ મળ્યો કે, જો તમારા સંબંધીની સ્થિતિ નાજુક હોય તો તમે પોતે જ કોઈ હૉસ્પિટલમાં લઈને જાઓ. અમારી પાસે જેવી 108 ઉપલબ્ધ થશે અમે તમને જાણ કરીશું, શક્ય હોય તો થોડીવાર બાદ આપ ફોલોઅપ લઈ લેજો. આ સ્થિતિ છે રાજ્યના સૌથી મોટા અને સૌથી વધુ જેના પર અસર થઈ છે તેવા શહેર અમદાવાદની. તો વિચારી શકાય તે અન્ય શહેરોની સ્થિતિ કેવી હશે.

ગાંધીનગર
108 એમ્બ્યુલન્સ સેવાનું રિયાલિટી ચેક કરવા માટે ઝી 24 કલાકની ટીમ પાટનગર ગાંધીનગર પહોંચી. અમારા સંવાદદાતા હિતલ પારેખે 108 એમ્બ્યુલન્સને ફોન કરીને નિયત જગ્યાએ જરૂર હોવાની રજૂઆત કરી. જેમને 108ના પ્રતિનિધિએ કહ્યું કે, 108 દર્દીને લેવા માટે નિીકળી છે. જો કે બે કલાક કરતા વધુ સમયથી પણ 108 એમ્બ્યુલન્સ નિયત સ્થાને નહોતી પહોંચી. આમ, અમારી પડતાલમાં એ સામે આવ્યું છે સામાન્ય સંજોગોમાં પાંચ થી 10 મિનિટમાં પહોંચી 108 એમ્બ્યુલન્સ આ સમયમાં કલાકો બાદ પણ દર્દીઓ સુધી નથી પહોંચતી. 

સુરત 
ડાયમંડ નગરી સુરતમાં 108 સેવા કેટલા સમયમાં આવે છે તે જાણવા માટે ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું. જેમાં સામે આવ્યું કે બે વાર ફોન કરવા છતા કોઈ જ જવાબ ન મળ્યો. અમારા સંવાદદાતા ચેતન પટેલે પ્રયાસ કર્યો એ જાણવાનો કે, જ્યારે સામાન્ય નાગરિક 108 સેવાને ફોન કરે છે અને તેમને એમ્બ્યુલન્સની જરૂર છે. વારંવાર ફોન કરવા છતા 108ના કૉલ સેન્ટરમાંથી કોઈ જ જવાબ નથી મળી રહ્યો. આ સ્થિતિ સુરતના લોકોની હાલાકી બતાવી રહી છે. જ્યાં કેસ આટલા વધી રહ્યા છે, ત્યાં જો દર્દીને સમયસર સારવાર ન મળે તો મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

રાજકોટ
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં રોજ અનેક દર્દીઓ દાખલ થવા માટે આવે છે. અહીં કેસ વધતા 108ની જરૂરમાં પણ વધારો થયો છે. ત્યારે અનેકવાર ફરિયાદો પણ આવી છે કે, જરૂર પડ્યે લોકોને 108 નથી મળી રહી. ત્યારે ઝી 24 કલાકે રાજકોટમાં રિયાલિટી ચેક કરવા માટે 108નું રિયાલિટી ચેક કર્યું. જેમાં પ્રથમ કૉલમાં કહ્યું કે, રાહ જુઓ. બીજી વારમાં પાંચ મિનિટ સુધી રેકોર્ડેડ ટોન વાગી તો ફોન રીસિવ ન કરવામાં આવ્યો. આ સ્થિતિ છે રાજકોટની. વારંવાર ફોન કરવા છતાં 108 મળતી ન હોવાની દર્દીઓ અને તેમના પરિવારજનોની ફરિયાદ અહીં સાચી પડતી જણાઈ રહી છે. અમારા સંવાદદાતા ગૌરવ દવેએ ફોન કર્યા તો, પ્રથમ કોલમાં એમ્બ્યુલન્સ કાલાવડ રોડ નજીકમાં ન હોવાથી રાહ જોવાનો જવાબ મળ્યો. સાથે જ કેટલો સમય લાગશે તે કહી ન શકાય તેવો જવાબ આપવામાં આવ્યો. તો બીજા કોલમાં 5 મિનિટ સુધી 108ની રેકોર્ડડ ટોન વાગી પણ ફોન રિસીવ જ ન કર્યો.

વડોદરા 
વડોદરામાં 108 એમ્બ્યુલન્સ સેવા કેટલી વારમાં પહોંચે છે અને લોકોને કેટલી ઝડપથી સુવિધા મળે છે તે મામલે ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું. અમારા સંવાદદાતા રવિ અગ્રવાલે 108 સેવાને ફોન કર્યો, ત્યારે તેમને તરત જ જવાબ મળ્યો. કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક એમ્બ્યુલન્સના ડ્રાઈવરને કોન્ફરન્સમાં લીધા અને દર્દીને લેવા માટેની તાત્કાલિક વ્યવસ્થા કરવાની ખાતરી આપી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news