ઊંધું ઘાલીને ઉકાળા પીતા પહેલાં આટલું વાંચી લો! કોરોના કાળમાં ઈમ્યુનિટી બુસ્ટર કહેવાતા ઉકાળા પણ બની શકે છે જોખમી!
Trending Photos
નવી દિલ્લીઃ દેશ અને દુનિયાભરમાં હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. ઓમિક્રોન જેવા નવા નવા વેરિયન્ટ આવતા રહે છે અને જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે સતત જોખમ વધી રહ્યું છે. હવે આ જોખમથી બચવા માટે લોકો ઈમ્યુનિટી વધારવાના પ્રયાસમાં લાગેલાં રહે છે. જોકે, ઈમ્યુનિટી વધારવાની કોશિશમાં ઉંધું ગાલીને સતત ઉકાળાનું સેવન કરવું પણ સ્વાથ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
અત્યારે દુનિયાના દરેક દેશો કોરોના મહામારીથી પીડાઈ રહ્યા છે. જોકે, તમામ દેશોમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેમ છતા પણ સજાગ થયેલા લોકો મહામારીને પોતાનાથી સો ફૂટ દૂર રાખવા માટે ઈમ્યુનિટી બુસ્ટર દવાઓ અને ઉકાળાનો મારો ચલાવી રહ્યા છે. પરંતુ આપણી સંસ્કૃતિમાં એક કહેવત લોકપ્રચલિત છે કે, ‘અતિ સર્વત્ર વર્જયેત્’. જો તમે વધુ પડતા ઉકાળા પીવો છો તો આજે જ સાવધાન થઈ જજો. નહીં તો મોટુ નુકસાન થઈ શકે છે.
એક કેસ સ્ટડીમાં ચોંકાવનારી વાત સામે આવી છે. કોરોનાનાં ડરમાં વધુ પડતા ઉકાળા પીવાના કારણે લિવરને નુકસાન પહોંચે છે. દેશનાં પાંચ મોટા સર્જન પૈકીના ત્રણે જણાવ્યું છે કે, ગત વર્ષે એવા ઘણાં કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં 40 ટકા દર્દીઓનું લિવર પૂરી રીતે ખરાબ થઈ ગયુ હોય. ઘણીવાર લીવરને એટલુ બધુ નુકસાન પહોંચે છે કે મામલો લિવર ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચી જાય છે. કેટલાક કિસ્સામાં તો દર્દીનું મૃત્યુ નીપજે છે.
શું કહે છે આંકડા?
આયુષ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર અત્યાર સુધી દેશમાં 700થી વધુ એવા કેસ સામે આવ્યા છે. જેમાં હર્બલ પ્રોડક્ટ્સનું સેવન કરવાથી આડઅસર થઈ હોય. આ તમામ કેસ ફૉર્માકોવિજિલન્સ પ્રોગ્રામ અંતર્ગત નોંધવામાં આવ્યા છે. ભારતમાં હર્બલ ઉત્પાદનની 30 હજારથી વધુ બ્રાન્ડ છે. પરંતુ ઔદ્યોગિક આંકડાઓની અછત, સરકારી માન્યતા પ્રાપ્ત ન હોવાના અને ઉત્પાદન અંગે વધુ સ્પષ્ટીકરણ ન હોવાના કારણે તેના સેવનથી લોકોને નુકસાન થઈ રહ્યુ છે. આ ઉપરાંત આયુષ્યને લગતી હર્બલ દવાઓ માટે રાજ્યોમાં લાગુ કરવામાં આવેલા નિયમોમાં સમાનતા ન હોવાના કારણે પણ ઘણા કિસ્સાઓમાં આડઅસર જોવા મળે છે.
ઘરે બેઠા હર્બલ ઉત્પાદનોનું સેવન કરવુ ખોટુ છે-
આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાનું કહેવુ છે કે, સંક્રમણથી બચવા માટે ઈમ્યુનિટી વધારવાની જરૂર છે. આ માટેના દિશા-નિર્દેશ આયુષ મંત્રાલય તરફથી જારી કરવામાં આવ્યા છે. પરંતુ કોઈ ચિકિત્સકની સલાહ લીધા વગર ઘરે બેઠા સોશિયલ મીડિયા અથવા સંબંધીઓના કહેવા પર હર્બલ પ્રોડક્ટ પર ભરોસો કરવો ભૂલભર્યુ છે. લોકોને આ માટે જાગૃત થવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે