કલમ 498A પત્નીને એવા કયા પાવર આપે છે? અતુલ સુભાષ કેસ વચ્ચે અદાલતો પણ ચેતવી રહી છે

અતુલ સુભાષની સ્યુસાઈડ નોટ અને વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આ ઘટના પર ભારે હંગામો મચ્યો છે. લોકોમાં અતુલ સુભાષની પત્ની સામે ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો એ વાતથી વધુ નારાજ છે કે ભારતીય દંડ સંહિતાની કલમ 498Aનો દેશમાં દુરઉપયોગ થઈ રહ્યો છે.

કલમ 498A પત્નીને એવા કયા પાવર આપે છે? અતુલ સુભાષ કેસ વચ્ચે અદાલતો પણ ચેતવી રહી છે

બેંગલુરુમાં 34 વર્ષના અતુલ સુભાષના આત્મહત્યાના કેસે આખા દેશને હચમચાવી દીધો છે. એકવાર ફરીથી ઘરેલુ હિંસા અને દહેજ ઉત્પીડનના કાયદાના કથિત દુરઉપયોગ પર ચર્ચા છેડાઈ છે. આત્મહત્યા કરનારા અતુલ સુભાષના પરિજનોનો આરોપ છે કે પુત્રની પત્ની અને સાસરીયાઓના ઉત્પીડનથી કંટાળીને તેમના પુત્રએ આત્મહત્યા કરી. અતુલ સુભાષની સ્યુસાઈડ નોટ અને વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આ ઘટના પર ભારે હંગામો મચ્યો છે. લોકોમાં અતુલ સુભાષની પત્ની સામે ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો એ વાતથી વધુ નારાજ છે કે ભારતીય દંડ સંહિતાની કલમ 498Aનો દેશમાં દુરઉપયોગ થઈ રહ્યો છે. જેના દમ પર પત્નીઓ પતિની જિંદગી, પતિના પરિજનોની જિંદગી બરબાદ કરી રહી છે. સૌથી દુખની વાત એ છે કે આ કાયદાના ડરથી લોકો આત્મહત્યા કરી રહ્યા છે. આખરે શું છે આ આઈપીસીની કલમ 498A જેને લઈને દેશમાં હંગામો મચ્યો છે. 

શું છે આ 498A?
ભારતીય દંડ સંહિતા(Indian Penal Code) ની કલમ 498A ને 1983 માં પરિણીત મહિલાઓ વિરુદ્ધ થઈ રહેલી ક્રુરતા અને ઉત્પીડનને રોકવા માટે લાગૂ કરાઈ હતી. આ જોગવાઈનો હેતુ જે મહિલાઓ તેમના પતિ અને સાસરીવાળા તરફથી ક્રુરતાનો ભોગ બને છે તેમને કાનૂની સુરક્ષા આપવાનો હતો. એટલે કે કોઈ મહિલાને તેના પતિ કે સાસરી પક્ષના લોકો દ્વારા કોઈ પણ પ્રકારના માનસિક કે શારીરિક ઉત્પીડન સહન કરવું પડે તો તે અપરાધની શ્રેણીમાં આવે છે. 

કાયદાના દુરઉપયોગ પર શું કહ્યું સુપ્રીમ કોર્ટે
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે દહેજ ઉત્પીડનના કેસોમાં કોર્ટોએ કાયદાના દુરઉપયોગ રોકવા માટે સાવધાની વર્તવી જોઈએ અને પતિના સગા સંબંધીઓને ફસાવવાની પ્રવૃત્તિને જોતા નિર્દોષ પરિવારના સભ્યોને બિનજરૂરી પરેશાનીઓથી બચાવવા જોઈએ. જસ્ટિસ બી વી નાગરત્ના અને જસ્ટિસ એન કોટિશ્વર સિંહની પીઠે કહ્યું કે વૈવાહિક વિવાદથી ઊભા થયેલા ક્રાઈમ કેસોમાં પરિવારના સભ્યોની સક્રિય ભાગીદારીને પોઈન્ટ આઉટ કરતા વિશિષ્ટ આરોપો વગર તેમના નામનો ઉલ્લેખ શરૂઆતમાં જ રોકી દેવો જોઈએ. 

સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે બેંગલુરુમાં એક સોફ્ટવેર એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. તેણે પત્ની અને સાસરીવાળા પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. આત્મહત્યા કરતા પહેલા અતુલે એક સ્યુસાઈડ નોટ પણ છોડી છે. જેના આધારે પત્ની અને તેના પરિજનો વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો મામલો દાખલ થયો છે. પોલીસે જણાવ્યું કે બેંગલુરુની એક ખાનગી કંપનીમાં કામ કરતા અતુલ સુભાષે 24 પાનાની સ્યુસાઈડ નોટ છોડી છે જેમાં તેણે લગ્ન બાદ ચાલી રહેલા તણાવ અને તેના વિરુદ્ધ દાખલ અનેક કેસો તથા તેની પત્ની, તેના સંબંધીઓ અને યુપીના એક જજ દ્વારા હેરાનગતિ અંગે વિસ્તૃત માહિતી આપી છે. 

હવે એ જાણો કે આઈપીસીની કલમ 498A કોના પર લાગૂ થાય
દહેજ માટે મહિલાનું ઉત્પીડન કરવામાં આવે
પતિ કે સાસરી પક્ષના  લોકો કોઈ મહિલાને એ હદે પરેશાન કરે કે તે આત્મહત્યાની કોશિશ કરે. 
મહિલાને ગંભીર ઈજા કે માનસિક તણાવ પહોંચે. 

આઈપીસીની કલમ 498A માં સજાની શું છે જોગવાઈ

1. દોષિત ઠરે તો ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ.
2. બિનજામીનપાત્ર ગુનો (Non-Bailable)
3. કોગ્નિઝેબલ (Cognizable) એટલે કે પોલીસ વોરંટ વગર પણ ધરપકડ કરી શકે છે. 
4. બિન સમાધાનકારી  (Non-Compoundable) એટલે કે તેમાં સમાધાનની મંજૂરી નથી. 

કોણ કરી શકે ફરિયાદ
મહિલા પોતે કે તેના પરિવારના સભ્ય ફરિયાદ દાખલ કરી શકે છે. 

કેમ બન્યો હતો આ 498A કાયદો
આ કાયદો બનાવવા પાછળ એક જ તર્ક હતો કે મહિલાઓ વિરુદ્ધ થનારા દહેજ ઉત્પીડન અને અન્ય પ્રકારના ઘરેલુ હિંસાના કેસોમાં ન્યાય સુનિશ્ચિત કરી શકાય, આથી આ કલમને 1983માં જોડવામાં આવી. 

આઈપીસીની કલમ 498A નો વિવાદ
કલમ 498A દ્વારા મહિલાઓને અસીમ શક્તિ પ્રદાન કરવામાં આવે છે, જેને જોતા અનેક મહિલાઓએ પોતાના પતિ અને સાસરી પક્ષના લોકો પાસેથી અયોગ્ય લાભ પ્રાપ્ત કરવા માટે આ જોગવાઈનો દુરઉપયોગ કર્યો છે. કલમ 498A એવી મહિલાઓના હાથનું એક એવું હથિયાર બની ગયું છે કે જે પતિઓ જોડે બદલો લેવાની કોશિશ કરે છે અને પરિવારના સભ્યોને બ્લેકમેઈલ કરવા માટે પણ ઉપયોગમાં લે છે. 

સુપ્રીમ કોર્ટે કલમ 498A ના દુરઉપયોગના આ કદાચારને 'કાનૂની આતંકવાદ તરીકે સંદર્ભિત કર્યો છે. કલમ 498A ના દુરઉપયોગમાં ફક્ત પતિ જ પ્રભાવિત થાય છે એવું નથી પરંતુ તેમના વૃદ્ધ માતા પિતા, દુરના સંબંધીઓ બધાને ખોટી રીતે ફસાવવામાં આવે છે અને અપરાધિક ન્યાય પ્રણાલીના માધ્યમથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 

એન્જિનિયરની આત્મહત્યા બાદ વિવાદ શરૂ
બેંગલુરુમાં કામ કરતા સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાના મામલે મંગળવારે તેની પત્ની અને સાસરીના લોકો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ થયો. ત્યારબાદ આ કાયદામાં ફેરફારની માંગણી ઉઠવા લાગી છે. એટલે જ સુપ્રીમ કોર્ટે પણ તેના પર અનેકવાર કહ્યું છે કે તપાસ અને ધરપકડ દરમિયાન વધુ સાવધાની વર્તવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news