પ્રણવ મુખરજી, નાનાજી દેશમુખ અને ભૂપેન હઝારિકાને 'ભારત રત્ન' સન્માન

ભારત સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, નાનાજી દેશમુખ અને સંગીતકાર ભૂપેન હઝારિકાને ભારત રત્ન આપવાનો નિર્ણય લીધો છે. નાનાજી દેશમુખ અને ભૂપેન હઝારિકાને આ સન્માન મરણોપરાંત આપવામાં આવશે 

પ્રણવ મુખરજી, નાનાજી દેશમુખ અને ભૂપેન હઝારિકાને 'ભારત રત્ન' સન્માન

નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા નાગરિક સન્માન 'ભારત રત્ન' માટે કેન્દ્ર સરકારે આ વખતે ત્રણ વ્યક્તિ પર પસંદગી ઉતારી છે. ભારત સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, નાનાજી દેશમુખ અને સંગીતકાર ભૂપેન હઝારિકાને ભારત રત્ન આપવાનો નિર્ણય લીધો છે. નાનાજી દેશમુખ અને ભૂપેન હઝારિકાને આ સન્માન મરણોપરાંત આપવામાં આવશે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પ્રણવ મુખરજીના દેશને આપેલા યોગદાનને યાદ કર્યું છે. પીએમે જણાવ્યું કે, પ્રણવ દા અમારા સમયના ઉત્કૃષ્ટ રાજનેતા છે. તેમણે જણાવ્યું કે, પ્રણવદાએ અનેક દાયકા સુધી રાષ્ટ્રની નિઃસ્વાર્થ સેવા કરી છે. દેશના વિકાસ પર ઊંડી છાપ છોડી છે. તેમનું જ્ઞાન અને બૌદ્ધિક્તા અતુલનીય છે. 

— ANI (@ANI) January 25, 2019

પીએમ મોદીએ જણાવ્યું કે, ભારત રત્ન સન્માન માટે તેમને પસંદ કરાયા છે એ વાત જાણીને મને ખુબ જ આનંદ થયો છે. ઉલ્લેખનીય છે કે, પ્રણવ મુખરજી વર્ષ 2012થી 2017 સુધી ભારતના 13 રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા. 

વડા પ્રધાને નાનાજી દેશમુખને પણ યાદ કરતા જણાવ્યું કે, 'સામાજિક કાર્યકર્તા નાનાજીનું દેશના ગ્રામીણ વિકાસમાં અત્યંત મહત્વનું યોગદાન છે. તેમણે ગામડાંના લોકોનું સશક્તીકરણ કર્યું હતું અને તેમને એક નવી દિશા પૂરી પાડી હતી.'

— ANI (@ANI) January 25, 2019

વડા પ્રધાને જણાવ્યું કે, નાનાજી નિરાશ થઈ ગયેલા અને છેવાડાના લોકો માટે નમ્રતા, દયા અને સેવાના દૂત હતા. આથી ભારત રત્ન તેમના માટે યોગ્ય સન્માન છે. 

— ANI (@ANI) January 25, 2019

સંઘ સાથે જોડાયેલા નાનાજી દેશમુખ એ પહેલા ભારતીય જનસંઘના સભ્ય હતા. 1977માં જનતા પાર્ટીની સરકાર બન્યા બાદ તેમણે મંત્રીપદ સ્વીકાર્યું ન હતું અને આજીવન દીનદયાલ શોધ સંસ્થા અંતર્ગત ચાલતા વિવિધ પ્રોજેક્ટોના વિસ્તરણનું કામ કર્યું હતું. અટલ બિહારી વાજપેયી સરકારે તેમને રાજ્યસભાના સભ્ય મનોનીત કર્યા હતા. વાજપેયીના કાર્યકાળમાં જ ભારત સરકારે તેમને શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ સ્વાવલંબનના ક્ષેત્રમાં અનુકરણીય યોગદાન માટે પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતા. 

સંગીતકાર ભૂપેન હઝારિકાને યાદ કરતાં પીએમ મોદીએ પોતાની ટ્વીટમાં જણાવ્યું કે, "ભૂપેન હઝારિકાના ગીતો અને સંગીતને પેઢીઓએ વખાણ્યું છે. તેમણે ન્યાય, ભાઈચારા અને સદભાવનાનો સંદેશો આપ્યો છે. તેમણે ભારતના લોકસંગીતને વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી હતી. ભૂપેન દાને ભારત રત્ન મળવાથી મને ઘણો જ આનંદ થયો છે."

ભૂપેન હઝારિકા પૂર્વત્તર રાજ્ય આસામ સાથે સંબંધ ધરાવતા હતા. પોતાની મૂળ ભાષા અસમિયા ઉપરાંત ભૂપેન હઝારિકાએ હિન્દી, બંગ્લા સહિત અનેક ભારતીય ભાષાઓમાં ગીત ગાયા હતા. તેમણે ફિલ્મ 'ગાંધી ટૂ હિટલર'માં મહાત્મા ગાંધીનું મનપસંદ ભજન 'વૈષ્ણવ જન' ગાયું હતું. ભારત સરકારે તેમનું પણ પદ્મભૂષણથી સન્માન કરેલું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news