એક, બે નહીં..આખું પોલીસ મથક જ નકલી, કોન્સ્ટેબલથી લઈને DSP રેંક સુધીની નકલી પોલીસ

આ નકલી પોલીસ મથક એક હોટલમાં ચાલતું હતું. આ ખુલાસા બાદ રાજ્ય પોલીસના હોશ ઉડી ગયા છે. નકલી પોલીસ મથકમાં એક મહિલા પોલીસકર્મીની પણ તૈનાતી કરાઈ હતી. જાણો કેવી રીતે થયો આ ખુલાસો...

એક, બે નહીં..આખું પોલીસ મથક જ નકલી, કોન્સ્ટેબલથી લઈને DSP રેંક સુધીની નકલી પોલીસ

કોઈ નકલી પોલીસ બનીને ફરે અને લોકોની પાસેથી પૈસા પડાવે તેવા કિસ્સા તો આપણે ઘણા સાંભળ્યા પણ અહીં તો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે જાણીને તમારું મગજ ચકરાવે ચડી જશે. આખે આખી નકલી પોલીસ ચોકી જ પકડાય તો શું કરવું? બિહારના બાંકામાં આ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં વિસ્તારની એક હોટલમાં આ નકલી પોલીસ કાર્યાલય ખોલ્યું હતું જેમાં સ્કોટ પોલીસ ટીમ પટણા લખેલું હતું. પોલીસે આ મામલે નકલી પોલીસ યુનિફોર્મમાં 5 લોકોની ધરપકડ કરી છે. બે પોલીસનો યુનિફોર્મ અને એક દેશી તમંચો પણ જપ્ત કર્યો છે. 

મળતી માહિતી મુજબ બિહારના બાંકામાં અનુરાગ હોટલમાં આ નકલી પોલીસ કાર્યાલય ખોલ્યું હતું. આજ કાલનું નહીં પરંતુ લગભગ 8 મહિનાથી આ નકલી પોલીસ કાર્યાલય અહીં ચાલતું હતું અને કોઈને ગંધ સુદ્ધા ન આવી. આ કાર્યાલયમાં કોન્સ્ટેબલથી લઈને ડીએસપી રેંક, મુન્શી સુધીના લોકોની તૈનાતી હતી. તમામ લોકો આ રીતે કાર્યાલયમાં કામ કરતા હતા પરંતુ બાંકા પોલીસને તેની જરાય ખબર પડી નહીં. પરંતુ થયું એવું કે 17 તારીખે બાંકા ટાઉન પોલીસ મથક પ્રભારી શંભુ યાદવ પેટ્રોલિંગ કરવા નીકળ્યા અને ગાંધી ચોકથી શિવાજી ચોક તરફ જઈ રહ્યા હતા. અચાનક તેમની નજર ડીએસપી બેજધારી એક વ્યક્તિ પર પડી. તેમને શંકા ગઈ અને શકના આધારે તેમણે તે વ્યક્તિની પૂછપરછ કરતા આ નકલી પોલીસ કાર્યાલયનો પર્દાફાશ થયો. 

આ પોલીસ મથક બાંકા શહેરની વચ્ચોવચ આવેલી અનુરાગ હોટલમાં ચાલતું હતું. આ રીતે ગેરકાયદેસર રીતે ચાલી રહેલા પોલીસ મથકના ઘટસ્ફોટથી બાંકા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. પોલીસ મથક ઈન્ચાર્જે કહ્યું કે ડીએસપી યુનિફોર્મ પહેરેલો આકાશકુમાર ભાગલપુર જિલ્લાના સુલ્તાનગંજ પોલીસ મથક હેઠળના ખાનપુર ગામનો છે. જ્યારે રમેશકુમાર માંઝી ફુલ્લીડુમર પોલીસ મથક વિસ્તારના લૌંડિયા ગામનો છે. આ લોકોએ એક મહિલા પોલીસકર્મીની પણ નિયુક્તિ કરી હતી. જે બાંકાના ફુલ્લીડુમર પોલીસ મથક હદના દૂધઘટિયા ગામના શ્યામલાલ ટુડ્ડુની પુત્ર અનિતા દેવી છે અને તેને સર્વિસ રિવોલ્વરના નામે દેસી તમંચો પણ અપાયો હતો. 

બીજી બાજુ કાર્યાલયમાં મુન્શીનું કામ સુલ્તાન ગંજ ખાનપુર ગામની એક જુલી કુમારી કરી રહી હતી. એક પટાવાળાની પણ નિયુક્તિ કરાઈ હતી. જે ફુલ્લીડુમર પોલીસ મથક હદના પથાય ગામનો વકીલ માંઝી છે. પોલીસ મથક ઈન્ચાર્જ શંભુ યાદવે જણાવ્યું કે ઉપરોક્ત પાંચેય વ્યક્તિની પૂછપરછ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે સમગ્ર સ્ટાફ પાંચ સો રૂપિયાના દૈનિક વેતન પર કામ કરતો હતો. 

આ મામલે મીડિયા રિપોર્ટ્સથી એવો પણ ખુલાસો થયો છે કે જે મહિલા પોલીસકર્મીની નિયુક્તિ કરાઈ હતી તેનું કહેવું છે કે 55 હજાર રૂપિયા લઈને તેની નિયુક્તિ થઈ હતી. આ સાથે જ તેણે એમ પણ કહ્યું કે તેની વાત નીતિશકુમાર અને હેમંત સોરેન સાથે પણ થતી હતી આથી તેને આ ઠગાઈ વિશે ખબર પડી નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news

Powered by Tomorrow.io