UP: ભાજપના MLA લોકેન્દ્ર સિંહનું ગમખ્વાર કાર અકસ્માતમાં મોત

 લોકેન્દ્ર સિંહ દિલ્હીથી યૂપી ઈન્વેસ્ટર્સ સમિટમાં સામેલ થવા માટે લખનઉ જઈ રહ્યાં હતાં, આ દરમિયાન તેમની કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. 

  • નૂરપુર બેઠકથી ભાજપના ધારાસભ્ય હતાં લોકેન્દ્ર સિંહ
  • યુપી ઈન્વેસ્ટર સમિટમાં ભાગ લેવા જઈ રહ્યાં હતાં
  • યુવા ધારાસભ્યના મોત પર પીએમ મોદીએ ટ્વિટ કરીને વ્યક્ત કર્યું દુ:ખ

Trending Photos

UP: ભાજપના MLA લોકેન્દ્ર સિંહનું ગમખ્વાર કાર અકસ્માતમાં મોત

રુપમ સિંહ, સીતાપુર: રોડ અકસ્માતમાં બિજનૌરના નૂરપુરથી ભાજપના ધારાસભ્ય લોકેન્દ્ર સિંહનું મોત નિપજ્યું છે. લોકેન્દ્ર સિંહ દિલ્હીથી યૂપી ઈન્વેસ્ટર્સ સમિટમાં સામેલ થવા માટે લખનઉ જઈ રહ્યાં હતાં, આ દરમિયાન તેમની કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ અકસ્માત સીતાપુર હાઈવે પર કમલાપુર નજીક NH 24 પર થયો. અકસ્માત એટલો ભીષણ હતો કે ધારાસભ્યની સાથે સાથે તેમના બે ગનરના પણ મોત નિપજ્યા છે. જ્યારે ડ્રાઈવરની હાલત અતિ ગંભીર છે. આ અકસ્માત બુધવારે સવારે 5.20 વાગે થયો હતો. પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે દુર્ઘટનાના કારણે ભાજપના નૂરપુરના ધારાસભ્ય લોકેન્દ્ર સિંહ આપણી વચ્ચે નથી. સમાજ અને ભાજપ માટે તેમણે આપેલા યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. દુ:ખની આ ઘડીમાં અમે તેમના પરિવારની સાથે છીએ.

ગાડીની સ્પીડ વધુ હોવાના કારણે થયો અકસ્માત
કહેવાય છે કે કમલાપુર પાસે ધારાસભ્યની ફોર્ચ્યુનર કારની સ્પીડ ખુબ જ હતી. જેના કારણે બાજુમાંથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી ટ્રકને જોઈને કાર ચાલકે કાબુ ગુમાવી દીધો. જેના કારણે ધારાસભ્યની કાર ડિવાઈડર ક્રોસ કરીને બીજી લેનમાં જતી રહી. બીજી લેનમાં જતી રહેલી કારને પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે જોરદાર ટક્કર મારી દીધી. ટક્કરના કારણે ધારાસભ્યની કાર પલટી ગઈ. અકસ્માતમાં ટ્રકના સહચાલક (ખલાસી)નું પણ મોત થયું છે.

અકસ્માત બાદ ઘાયલોને એમ્બ્યુલન્સથી સ્થાનિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં. જ્યાં ડોક્ટરે ધારાસભ્ય લોકેન્દ્ર સિંહ સહિત ચારને મૃત જાહેર કર્યાં. મૃતકોમાં ધારાસભ્ય લોકેન્દ્ર સિંહ, ગનર બ્રજેશ, દીપક અને ટ્રકના અજ્ઞાત સહચાલકનો સમાવેશ થાય છે. ધારાસભ્યના કાર ડ્રાઈવર સચિન ચૌહાણ ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની સૂચના મળતા જ ડીએમ ડોક્ટર સારિકા મોહન, એસપી આનંદ કુલકર્ણી, એસડીએમ અસદ કિંશુક શ્રીવાસ્તવ, સીએમઓ ડો. આર કે નાયર, ધારાસભ્ય જ્ઞાન તિવારી સહિત મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતાં.

— Narendra Modi (@narendramodi) February 21, 2018

ધારાસભ્ય લોકેન્દ્ર સિંહની છબી તેમના વિસ્તારમાં ખુબ આક્રમક અને લોકપ્રિય નેતા તરીકેની રહી છે. પોસ્ટમોર્ટમ બાદ પ્રશાસનિક અધિકારીઓ મૃતદેહને લઈને પૈતૃક ક્ષેત્ર જશે. 

લોકેન્દ્ર સિંહના પિતાનું નામ મહેશચંદ છે. તેમનો જન્મ બિજનૌર જિલ્લાના ધામપુર તહસલના આલમપુર ગામમાં થયો હતો. કૃષિ અને રાજનીતિ તે્મનું મુખ્ય કાર્યક્ષેત્ર રહ્યું છે. તેમનો જન્મ 15 ડિસેમ્બર 1976ના રોજ બિજનૌરમાં થયો હતો. તેમની પત્નીનું નામ અવનીશ સિંહ છે. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત બે પુત્ર છે. લોકેન્દ્ર સિંહે રુહેલખંડ વિશ્વવિદ્યાલયથી માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. 

લોકેન્દ્ર સિંહ 12 ઓગસ્ટ 2017ના રોજ તે સમયે ખુબ ચર્ચામાં આવ્યાં જ્યારે તેમના ભાઈએ સમાજવાદી પાર્ટીના એમએલએ વિરુદ્ધ એક ખેડૂતને ગેરકાયદેસર રીતે બંધક બનાવવાનો મામલો નોંધાવ્યો હતો. સપા નેતાની હેરાનગતિથી ખેડૂતનું મોત થયું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news