કોંગ્રેસે ભાજપને ફેંક્યો પડકાર, 'જો યેદિયુરપ્પા પાસે સંખ્યા હોય તો કાલે જ સાબિત કરે બહુમત'

કર્ણાટકમાં સરકારની રચના સંબંધિત મામલાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના એક દિવસ પહેલા કોંગ્રેસે આજે ભાજપને પડકાર ફેંક્યો છે

Viral Raval Viral Raval | Updated: May 17, 2018, 06:44 PM IST
કોંગ્રેસે ભાજપને ફેંક્યો પડકાર, 'જો યેદિયુરપ્પા પાસે સંખ્યા હોય તો કાલે જ સાબિત કરે બહુમત'

નવી દિલ્હી: કર્ણાટકમાં સરકારની રચના સંબંધિત મામલાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના એક દિવસ પહેલા કોંગ્રેસે આજે ભાજપને પડકાર ફેંક્યો છે કે જો તેની પાસે જાદુઈ આંકડો હોય તો તે કાલે જ વિધાનસભામાં બહુમત સાબિત કરીને બતાવે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે અમિત શાહ અને ભાજપ લોકતંત્ર અંગે પ્રવચન આપી રહ્યાં છે, જ્યારે તેમણે પોતે જ કર્ણાટકમાં લોકતંત્રનું ગળું દબાવી દીધુ. અમે પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને યેદિયુરપ્પાને પડકાર ફેંકીએ છીએ કે તમે આવતી કાલે જ વિધાનસભામાં બહુમત સાબિત કરીને બતાવો.

સુરજેવાલાએ કહ્યું કે આ દેશમાં એક બંધારણ અને એક કાયદો જ રહેશે. જો સૌથી મોટી પાર્ટીનો તર્ક ભાજપના લોકો આપી રહ્યાં છે તો સૌથી પહેલા બિહાર, ગોવા અને મણિપુરની સરકારોએ રાજીનામા આપી દેવા જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને તોડવા માટે ભાજપ તમામ દાવ અજમાવી રહી છે. પરંતુ તેને સફળતા મળતી નથી. આથી તે હતાશ અને નિરાશ છે.

અત્રે જણાવવાનું કે યેદિયુરપ્પને આજે રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યાં. ગત રાતે સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પાના શપથગ્રહણ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો. રાજ્યપાલ વજુભાઈ વાળાએ બુધવારે યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ રાતે જ કોંગ્રેસે સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો હતો.

નોંધનીય છે કે રાજ્યમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. આવામાં પ્રદેશની 224 સભ્યોની વિધાનસભામાં 222 સીટો પર થયેલી ચૂંટણીમાં ભાજપને 104, કોંગ્રેસને 78 અને જેડીએસ પ્લસને 38 સીટો મળી છે. હાલ બહુમત માટે જાદુઈ આંકડો 112 છે.

આ બાજુ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે બંધારણને તોડવા મરોડવા બદલ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાની આલોચના કરી. વાળાને આરએસએસના રાજ્યપાલ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે વાળાએ ભાજપમાં પોતાના રાજકીય આકાઓની ઈચ્છાનું પાલન કરવામાં ભારતીય લોકતાંત્રિક રાજકારણનો નરસંહાર કર્યો છે. તેમણે મીડિયાને કહ્યું કે રાજ્યપાલે જે રીતે ભાજપને સમય આપ્યો તે નિરાશાજનક છે. જેથી કરીને વિપક્ષને તોડી શકાય અને ખરીદ વેચાણ થઈ શકે. આરએસએસના રાજ્યપાલ પાસેથી તમે બીજી શી આશા રાખી શકો.

તેમણે સમગ્ર પ્રકરણની દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને કહ્યું કે છેલ્લા 24 કલાકમાં જે થયું તે દેશ માટે ખુબ ખતરનાક છે. તેમણે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે ભારત પાકિસ્તાનની જેમ બને જ્યાં તાનાશાહ અને સેના દરેક પગલે લોકતંત્રનું ગળું દબાવે છે.