ચૂંટણી પ્રચારમાં સૈનિકોના ફોટાના ઉપયોગ પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ

આ અગાઉ સંરક્ષણ મંત્રાલયે ચૂંટણી પંચને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, રાજકીય પક્ષો અને નેતાઓ તરફથી સેનાના જવાનોના ફોટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેના અંગે પંચ યોગ્ય દિશા-નિર્દેશ આપે, ત્યાર બાદ જ ચૂંટણી પંચ તરફથી રાષ્ટ્રીય અને સ્થાનિક પક્ષોને દેશના સૈનિકોના ફોટાનો ઉપયોગ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

ચૂંટણી પ્રચારમાં સૈનિકોના ફોટાના ઉપયોગ પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે એક મહત્વનું પગલું ભરતાં દેશનાં તમામ રાજકીય પક્ષોને સુચના આપી છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય સેનાના જવાનોના ફોટાનો ઉપયોગ કરવામાં ન આવે. ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, સંરક્ષણ મંત્રાલય તરફથી તેમના ધ્યાને લાવવામાં આવ્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષો દેશની સેનાના જવાનોના ફોટાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર અને રાજકીય પ્રોપેગેન્ડા માટે કરી રહ્યા છે. 

સંરક્ષણ મંત્રાલયે ચૂંટણી પંચને 2013માં એક પત્ર લખ્યો હતો, જેમાં કહેવાયું હતું કે રાજકીય પક્ષો અને નેતાઓ તરફથી સેનાના જવાનોના ફોટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેના અંગે ચૂંટણી પંચે યોગ્ય દિશા-નિર્દેશ આપવો જોઈએ. મંત્રાલયના આ પત્રનું સંજ્ઞાન લેતાં ચૂંટણી પંચે દેશના રાષ્ટ્રીય અને સ્થાનિક પક્ષોને જવાનોના ફોટાનો ઉપયોગ ન કરવા માટે આદેશ આપ્યો છે. 

— ANI (@ANI) March 9, 2019

ચૂંટણી પંચ તરફથી સ્પષ્ટ રીતે સુચના આપવામાં આવી છે કે, ચૂંટણી પંચના આદેશનું ઉલ્લંઘન કરનારા નેતાઓ અને પક્ષો સામે આચાર સંહિતા લાગુ થઈ ગયા બાદ કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. 

ચૂંટણી પંચની ચેતવણી
ચૂંટણી પંચે દેશના તમામ રાજકીય પક્ષોને આ બાબતે સાવચેત રહેવા માટે પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, સુરક્ષા દળો દેશની સરહદો, ક્ષેત્ર અને સમગ્ર રાજકીય તંત્રના પ્રહરી છે. લોકશાહીમાં તેમની ભૂમિકા નિષ્પક્ષ અને બિનરાજકીય છે. આ કારણે એ જરૂરી છે કે ચૂંટણી પ્રચારમાં સુરક્ષા દળોનો ઉલ્લેખ કરતા સમયે રાજકીય પક્ષો અને નેતાઓ સાવચેતી રાખે. 

ઉલ્લેખનીય છે કે, પુલવામા આતંકવાદી હુમલા બાદ અનેક રાજકીય પક્ષોના મંચ પર શહીદ જવાનોના ફોટો લગાવાયા હતા. ત્યાર બાદ વાયુસેનાની પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાઈલટ અભિનંદનના ફોટાનો ઉપયોગ પણ ચૂંટણી પોસ્ટર અને સોશિયલ મીડિયા કેમ્પેઈનમાં કરવામાં આવી રહ્યો છે. આવા પ્રચાર સામે કેટલાક પક્ષોએ વાંધો ઉઠાવ્યો હતો અને ચૂંટણી પંચને આ બાબતે ફરિયાદ પણ કરી હતી. 

અભિનંદનના ફોટાને લઈને થઈ બબાલ
દક્ષિણ દિલ્હીના કિશનગઢ બસ સ્ટેન્ડની નજીક એક થાંભલા પર લગાવાયેલું રાજકીય પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં અભિનંદનનો કેરીકેચર બનાવાયો છે, જેના પર સાઉથ એમસીડીના પૂર્વ મેયર સરિતા ગુપ્તાની સાથે વસન્ત કુંજના ધારાસભ્યનો ફોટો પણ લગાવાયેલો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પોસ્ટર સવિતાએ જ  લગાવ્યા છે. જોકે, તેમણે આ બાબતે સ્પષ્ટ ઈનકાર કરી દીધો અને જણાવ્યું કે, આવા પોસ્ટર ક્યાં લાગેલા છે તેના વિશે તેઓ જાણતા નથી. 

— Yogendra Yadav (@_YogendraYadav) March 9, 2019

આ પોસ્ટર અંગે જ ચૂંટણી વિશ્લેષક યોગેન્દ્ર યાદવે ટ્વીટ કરીને ચૂંટણી પંચને ટેગ કર્યું હતું અને પુછ્યું હતું કે, શું આ પોસ્ટર-જાહેરાત પર કોઈ કાર્યવાહી તશે. તેના અંગે ચૂંટમી પંચે પ્રતિક્રિયા આપી કે, આચાર સંહિતા લાગુ થયા બાદ આવી જાહેરાતો પર ધ્યાન અપાશે. 

ચૂંટણી પંચની બેઠક
શનિવારે લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચૂંટણી પંચની એક મેરાથોન બેઠક પણ મળી હતી. લગભગ 3 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની તૈયારીઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી પંચ આગામી 72 કલાકમાં ગમે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news