હિમાચલ પ્રદેશમાં આપના અરમાનો પર પાણી ફરી વળ્યું, ચૂંટણી પહેલાં જ ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ પાર્ટી?

પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં માત્ર એક મહિનામાં એવી રાજકીય પરિસ્થિતિ બદલાઈ કે આમ આદમી પાર્ટીને આખા હિમાચલ યુનિટને ભંગ કરવાનો વારો આવ્યો. તો બીજી બાજુ બીજેપીએ દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી માત્ર પોસ્ટરોમાં જ રહી ગઈ છે.

હિમાચલ પ્રદેશમાં આપના અરમાનો પર પાણી ફરી વળ્યું, ચૂંટણી પહેલાં જ ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ પાર્ટી?

નવી દિલ્લી : ગયા અઠવાડિયે જ આમ આદમી પાર્ટીએ મિશન હિમાચલ પ્રદેશની શરૂઆત કરી હતી. હિમાચલના મંડીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્લીના મુખ્યમંત્રી અન આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. જોકે માત્ર અઠવાડિયામાં જ સ્થિતિ એવી બદલાઈ ગઈ કે આમ આદમી પાાર્ટીને આખા હિમાચલ યુનિટને ભંગ કરવું પડ્યું. બીજીબાજુ બીજેપીએ દાવો કર્યો કે આમ આદમી પાર્ટી માત્ર પોસ્ટરોમાં જ રહી જશે. અઠવાડિયા પહેલાં જ શરૂ થયેલા પાર્ટીના મિશનને કેવી રીતે આટલો મોટો ઝટકો લાગ્યો. આવો જાણીએ.

6 એપ્રિલે ભવ્ય તિરંગા યાત્રા કાઢી:
6 એપ્રિલ 2022ના દિવસે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ મંડીમાં તિરંગા યાત્ર કાઢી. આ દરમિયાન તિરંગો ફરકાવવામાં આવ્યો. રોડ શોમાં મેરા રંગ દે બસંતી ચોલા ગીત પણ વગાડવામાં આવ્યું. રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે પહેલાં અમે દિલ્લીમાં અને પછી પંજાબમાં ભ્રષ્ટાચાર દૂર કર્યો, હવે હિમાચલ પ્રદેશથી ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખાડવાનો સમય હવે આવી ગયો છે. તેમણે હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીને એક તક આપવાની અપીલ કરી.

2 દિવસમાં પાર્ટીને લાગ્યો મોટો ઝટકો:
આ રોડ શોએ આખા રાજ્યમાં ઘણી ચર્ચા જગાવી. પરંતુ બે દિવસ પછી શુક્રવારે પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. આપના હિમાચલ પ્રદેશ યુનિટના અધ્યક્ષ અનુપ કેસરી, મહાસચિવ સતીષ ઠાકુર અને ઉના જિલ્લા પ્રમુખ ઈકબાલ સિંહ રાષ્ટ્રીય રાજધાનીમાં બીજેપીમાં જોડાઈ ગયા. તેના એક દિવસ પછી આમ આદમી પાર્ટીના મહિલા યુનિટના અધ્યક્ષ મમતા ઠાકુર પણ પાંચ પદાધિકારીઓની સાથે બીજેપીમાં સામેલ થઈ ગયા.

એક પછી એક ઝટકાથી પરેશાન આમ આદમી પાર્ટી:
એક પછી એક મોટા ઝટકા અને પક્ષ પલટુથી પરેશાન આમ આદમી પાર્ટીએ સોમવારે રાજ્યની કાર્ય સમિતિને ભંગ કરી દીધી. આપના વરિષ્ઠ નેતા અને દિલ્લીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને પાર્ટીના નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે ચૂંટણી પહેલાં હિમાચલ પ્રદેશમાં નવી કાર્યસમિતિની સરચના કરવામાં આવશે.

હિમાચલ પ્રદેશમાં પાર્ટીના સપનાને લાગ્યો આંચકો:
પંજાબમાં ભવ્ય જીત હાંસલ કર્યા પછી પાર્ટી હવે ધીમે-ધીમે બીજા ભાગમાં પણ પોતાનો જનાધાર શોધવામાં લાગી ગઈ છે. આ વર્ષના અંત સુધીમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે. તેને ધ્યાનમાં રાખીને પાર્ટીએ દિલ્લીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને હિમાચલ પ્રદેશના પ્રભારી નિયુક્ત કર્યા. હિમાચલ પ્રદેશની મુલાકાતે સમયે પાર્ટીએ જાહેરાત કરી હતી કે આ વખતે તે 68 બેઠકો પર ચૂંટણી લડશે. માનવામાં આવી રહ્યું હતું કે આપ અહીંયા કોંગ્રેસ અને બીજેપીની સામે ત્રીજા મોરચો તૈયાર કરવાની યોજનામાં હતું. પરંતુ પાર્ટીને મોટો ઝટકો પાર્ટીમાં જોડાયેલા નેતાઓએ જ આપ્યો. અને તે ભાજપમાં જોડાઈ ગયા.

આપનું મિશન હિમાચલ ફ્લોપ:
હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટી પહેલાં કોઈ અસરદાર ત્રીજો ફ્રન્ટ ન હતો. રાજ્યમાં બીજેપી અને કોંગ્રેસ જ બે મોટા પ્લેયર રહ્યા છે. માનવામાં આવી રહ્યું હતું કે આમ આદમી પાર્ટીની દમદાર એન્ટ્રી પછી બંને પાર્ટીઓના વોટની ટકાવારી કેજરીવાલની પાર્ટી તરફ શિફ્ટ થઈ શકે તેમ હતું. કેજરીવાલ અને ભગવંત માનના રોડ શો દ્વારા આ સંદેશ આપવાનો પ્રયાસ પણ થયો પરંતુ હાલ તો પાર્ટીનું મિશન પહાડો પર ચઢાણ પહેલાં જ અદ્રશ્ય થઈ ગયું.

હિમાચલ પ્રદેશમાં 168 વિધાનસભા બેઠક:
હિમાચલ પ્રદેશમાં કુલ 12 જિલ્લા કાંગડા, હમીરપુર, મંડી, બિલાસપુર, ઉના, ચંબા, લાહૌલ-સ્પીતિ, સિરમૌર, કિન્નૌર, કુલ્લુ, સોલન અને શિમલા છે. જ્યારે કુલ 68 વિધાનસભા બેઠક છે. હિમાચલ પ્રદેશની રાજનીતિમાં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે જ મુખ્ય મુકાબલો રહ્યો છે. હાલમાં અહીંયા બીજેપીની સરકાર છે અને જયરામ ઠાકુર પ્રદેશના મુખ્યમંત્રી છે.

હિમાચલમાં પહેલીવાર બિન કોંગ્રેસી મુખ્યમંત્રી:
હિમાચલના ઈતિહાસમાં મોટાભાગે બીજેપી અને કોંગ્રેસની સરકાર બની છે. પરંતુ 1977માં અહીંયા પહેલીવાર બિનકોંગ્રેસી સીએમ પસંદ કરવામાં આવ્યા હતા. શાંતા કુમારે જનતા પાર્ટી તરફથી જૂન 1977માં સીએમ પદના શપથ લીધા હતા.

હિમાચલ પ્રદેશના બે વિધાનસભાની ચૂંટણીના પરિણામ:
2012માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 68માંથી 36 બેઠક મળી હતી. જ્યારે ભાજપના ખાતામાં 26 બેઠક આવી હતી. અપક્ષને 6 બેઠક મળી હતી. તે સમયે વીરભદ્ર સિંહ મુખ્યમંત્રી બન્યા હતા. જોકે 2017ની ચૂંટણીમાં ભાજપને 44 બેઠક મળી. જ્યારે કોંગ્રેસના ખાતામાં 21 બેઠક જ આવી. તો સીપીઆઈ(એમ)ને માત્ર 1 જ બેઠક મળી. હાલમાં જયરામ ઠાકુર રાજ્યના મુખ્યમંત્રી છે. જોકે કોંગ્રેસે છેલ્લે યોજાયેલી વિધાનસભાની 3 બેઠકની પેટાચૂંટણી અને લોકસભાની 1 બેઠકની પેટાચૂંટણી જીતીને ભાજપની ચિંતા વધારી દીધી છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તામાં વાપસી કરે છે કે પછી ભાજપ ઈતિહાસ રચે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news