ઈન્દિરાજીના હત્યારાના બચાવનો પ્રયાસ, હાજી મસ્તાનથી હર્ષદ મહેતા સુધીના આરોપીઓને છોડાવનાર વકીલની વાત
આજે રામ જેઠમલાણીનો જન્મ દિવસઃ જાણો કોણ છે ભારતના સૌથી મોટા વકીલ? જેમણે ઈન્દિરા ગાંધીના હત્યારાઓને બચાવવા પ્રયાસ કર્યો હતો. અંડરવર્લ્ડના સૌથી પહેલાં ડોન કહેવાતા અને દેશના તે સમયના સૌથી મોટા સ્મગલર ગણાતા હાજી મસ્તાનનો કેસ લડીને તેને બચાવ્યો. દેશના સૌથી મોટા કૌભાંડી કહેવાતા શેરબજારના માસ્ટર માઈંન્ડ હર્ષદ મહેતાને બચાવવા કેસ લડ્યો તેવા દેશના સૌથી મોટા વકીલ રામ જેઠમલાણીની કહાની...
Trending Photos
યશ કંસારા, અમદાવાદઃ રામ જેઠમલાણી બાળપણથી જ ખૂબ જ હોશિયાર હતા, તેમને નિર્ધારિત ઉંમરના ત્રણ વર્ષ પહેલા કાયદાની પ્રેક્ટિસ કરવાની છૂટ મળી હતી. ભારતમાં બહુ ઓછા વકીલો એવા છે કે જેઓ વિવાદાસ્પદ કેસ લડ્યા પછી પણ લોકપ્રિય વકીલો ગણાતા રહ્યા. રામ જેઠમલાણી આ યાદીમાં સૌથી ઉપરનું નામ કહેવામાં આવે તો કદાચ ખોટું નહીં કહેવાય. રામ જેઠમલાણીની જન્મતિથિ 14 સપ્ટેમ્બર એટલે આજે છે. ત્રણ વર્ષ પહેલા 2019માં તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું. જેઠમલાણી મોટાભાગે તેમના પ્રસિદ્ધ કેસોને કારણે સમાચારોમાં રહ્યા હતા. પરંતુ કાયદાની દુનિયામાં પણ તેમને હંમેશા સન્માન મળ્યું. રાજકારણમાં આવ્યા બાદ તેઓ લોકસભા અને રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા.
બાળપણથી જ હતા સ્માર્ટ-
રામ જેઠમલાણીનો જન્મ 14 સપ્ટેમ્બર 1923ના રોજ શિકારપુર, સિંધ, પાકિસ્તાનમાં થયો હતો, જે તે સમયે બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. શાળાના દિવસોમાં રામ ખૂબ જ હોશિયાર હતા. 13 વર્ષની ઉંમર સુધીમાં, તેમણે ડબલ પ્રમોશન મળ્યું અને તે પછી 17 વર્ષની ઉંમરે, તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન સાથે LLBની ડિગ્રી મેળવી હતી. તે સમયે વકીલ બનવાની લઘુત્તમ ઉંમર 21 વર્ષ હતી, પરંતુ ખાસ અપવાદ તરીકે, તેમને તે પહેલાં પ્રેક્ટિસ કરવાની છૂટ મળી હતી.
દસ રૂપિયા લઈને આવ્યા હતા ભારત-
રામ જેઠમલાણીએ સિંધના શિકારપુરમાં 17 વર્ષની ઉંમરે વકીલાત શરૂ કરી હતી. તે પછી તેમણે પોતાના મિત્ર એકે બારોહી સાથે કરાચીમાં પોતાની લો ફર્મ ખોલી હતી. તેઓ 1948માં કરાચીમાં રમખાણોને કારણે ભારત આવ્યા હતા. તે સમયે તેમની પાસે માત્ર 10 રૂપિયાની નોટ હતી અને તે રાહત કેમ્પમાં પણ થોડા દિવસો રોકાયા હતા.
ભારતમાં જીત્યો પ્રથમ કેસ-
તેમણે તે સમયના બોમ્બે રેફ્યુજી એક્ટ વિરુદ્ધ એક અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે કોર્ટને તેના અમાનવીય પાસાને કારણે તેમને ગેરબંધારણીય જાહેર કરવાની અપીલ કરી હતી. તેમને આ કેસમાં પણ જીત મળી હતી જે ભારતમાં તેમની પ્રથમ ટ્રાયલ હતી.
નાણાવટી કેસથી પ્રથમ વાર ચર્ચામાં આવ્યા-
જેઠમલાણી 1959માં પ્રખ્યાત નાણાવટી કેસથી ચર્ચામાં આવ્યા હતા. આ કેસમાં નેવી ઓફિસર કેવસ માણિકશો નાણાવટીએ તેમની પત્નીના પ્રેમીને ગોળી મારી દીધી હતી. જે બાદ તેમણે આત્મસમર્પણ કર્યું હતું. તેઓ ત્રણ વર્ષ જેલમાં હતા અને જેઠમલાણીએ તેમનો કેસ લડ્યા બાદ તેમને મુક્ત કરાવ્યા હતા. પરંતુ જેઠમલાણીના પ્રખ્યાત કેસોની આ માત્ર શરૂઆત હતી.
હર્ષદ મહેતાથી અડવાણી-
આ પછી, 1960ના દાયકામાં, તેમણે હાજી મસ્તાન સહિત ઘણા દાણચોરોનો કેસ લડ્યા અને તેમની છબી સ્મગલર્સના વકીલ તરીકે પણ હતી. તેમના પર તે હંમેશા કહેતા રહ્યા કે તેમણે માત્ર એક વકીલ તરીકેની પોતાની ફરજ નિભાવી છે. પરંતુ તેઓ લાંબા સમય સુધી બચાવ પક્ષના વકીલ તરીકે હાજર રહ્યા હતા. તેઓ શેરબજાર કૌભાંડમાં હર્ષદ મહેતા અને કેતન પરીખના વકીલ હતા. તેમણે હવાલા કેસમાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીનો બચાવ કર્યો હતો.
જેઠમલાણીએ ઈન્દિરા ગાંધીના હત્યારાઓના બચાવ માટે પણ લોબિંગ કર્યું હતું. તેમણે જેસિકા લાલ કેસમાં મનુ શર્માને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા. આ સિવાય તેઓ સોહરાબુદ્દીન કેસમાં અમિત શાહ, ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ માટે સુપ્રીમ કોર્ટમાં પણ લડ્યા હતા. તે જ સમયે, યેદિયુરપ્પા, જયલલિતા, અરવિંદ કેજરીવાલ જેવા રાજકારણીઓ માટે પણ કેસ તેઓ લડ્યા હતા.
તેઓ બે વખત ભાજપના લોકસભા સાંસદ, એક વખત રાજ્યસભાના સાંસદ અને અટલ બિહારી વાજપેયી સરકારમાં શહેરી વિકાસ મંત્રી રહ્યા બાદ તેઓ વર્ષ 2004માં લખનૌથી તેમની સામે ચૂંટણી પણ લડ્યા હતા. તેમણે બિગ ઇગોસ-સ્મોલ મેન, કોન્ફ્લિક્ટ્સ ઓફ લોઝ, કોન્સિયસનેસ ઓફ મર્વિક, જસ્ટિસ સોવિયેટ સ્ટાઈલ અને માર્વિક અનચેન્જ્ડ, અનપેન્ટન્ટ પુસ્તકો પણ લખ્યા છે. લાંબી માંદગી બાદ વર્ષ 2019માં તેમનું અવસાન થયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે