BJP ની બીજી યાદીમાં પણ 3 પૂર્વ CM, દિગ્ગ્જ નેતાઓને PM મોદીનો 'લાઉડ એન્ડ ક્લીયર' સંદેશ!
Lok Sabha Election 2024: ભાજપે એક દિવસ પહેલા જ સીએમ પદેથી રાજીનામું આપી ચૂકેલા મનોહરલાલ ખટ્ટરને કરનાલ લોકસભા બેઠકથી, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતને હરિદ્વાર લોકસભા બેઠકથી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને હાવેરી બેઠકથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
Trending Photos
કેન્દ્રમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ આજે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી. ભાજપે પોતાની બીજી યાદીમાં 11 રાજ્યોમાંથી કુલ 72 ઉમેદવારોના નામની જાહેરાત કરી. જેમાં ભાજપે પોતાના 3 રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીઓના નામ પણ સામેલ કર્યા છે. ભાજપે પોતાના ઉમેદવારોની પહેલી યાદીમાં પણ ત્રણ રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીઓના નામની જાહેરાત કરી હતી.
બીજી યાદીમાં ખટ્ટર, રાવત અને બોમ્મઈના નામ
ભાજપે એક દિવસ પહેલા જ સીએમ પદેથી રાજીનામું આપી ચૂકેલા મનોહરલાલ ખટ્ટરને કરનાલ લોકસભા બેઠકથી, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતને હરિદ્વાર લોકસભા બેઠકથી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને હાવેરી બેઠકથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આ અગાઉ પણ ભાજપે પોતાની પહેલી યાદીમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો માટે 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.
267 ઉમેદવારોના નામ જાહેર
આગામી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ ભાજપે અત્યાર સુધીમાં પોતાના 267 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે પોતાના ઉમેદવારોની પહેલી યાદીમાં પણ ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી હતી. જેમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અર્જૂન મુંડાને ખૂંટી બેઠક, અસમના પૂર્વ સીએમ સર્બાનંદ સોનોવાલને ડિબ્રુગઢ અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમત્રી શિવરાજ સિંહ ચૌહાણને વિદિશા લોકસભા બેઠકથી ટિકિટ આપી હતી.
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન હેવીવેટ મંત્રીઓ અને સાંસદો હતા મેદાનમાં
ભાજપે થોડા સમય પહેલા યોજાયેલી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન કેન્દ્રમાં પોતાના હેવીવેટ મંત્રીઓ અને સાંસદોને રાજ્યોમાં ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતારીને બધાને ચોંકાવી દીધા હતા. જ્યારે લોકસભા ચૂંટણીમાં રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીઓને મેદાનમાં ઉતારીને જ્યાં કાર્યકરોમાં જોશ ભરવાની કોશિશ કરી ત્યાં આ નેતાઓની પોતાના રાજ્યમાં લોકો પર પકડ અને સત્તાના અનુભવોનો લાભ લેવાની રણનીતિ પણ બનાવી છે.
પીએમ મોદી પોતે પૂર્વ મુખ્યમંત્રી
પીએમ મોદી પોતે લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને પછી કેન્દ્રમાં સત્તા પર આવ્યા છે. તેમને પ્રશાસન, મેનેજમેન્ટ અને જનસેવાની સાતે જ સત્તાની સૂજબૂજનો પણ ઘણો લાભ મળ્યો છે. પીએમ મોદી યુપીની વારાણસી લોકસભા બેઠકથી સતત ત્રીજીવાર ભાજપના ઉમેદવાર છે. જો કે બાકી રાજ્યોમાં તેને નેતૃત્વ પરિવર્તન, બીજી પેઢીના નેતાઓ તૈયાર કરવા અને હાઈકમાનની પકડને વધુ મજબૂત કરવાની દ્રષ્ટિથી પણ જોવામાં આવે છે. ભાજપના સૂત્રોના જણાવ્યાં મુજબ લોકસભા ચૂંટણી 2024માં ભાજપ માટે 370 સીટો જીતવા માટે આવા મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસે એક પૂર્વ સીએમ અને 3 પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને આપી ટિકિટ
બીજી બાજુ કોંગ્રેસે પણ ઉમેદવારોની બે યાદી જાહેર કરી છે. વિપક્ષી દળ કોંગ્રેસે પોતાના પૂર્વ મુખ્યમંત્રીઓમાંથી ફક્ત એકને જ મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને રાજનાંદગાંવ લોકસભા બેઠકથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. જો કે કોંગ્રેસે પોતાના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને ટિકિટ આપી છે. કોંગ્રેસની યાદીમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથને છિંદવાડા સીટ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેલહોતને જાલોર લોકસભા બેઠક અને અસમના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈને જોરહાટ બેઠકથી ટિકિટ આપી છે. ભાજપે લોકસભા ચૂંટણી પહેલા જ વિપક્ષના પરિવારવાદ પર આકરા પ્રહાર કરવાના શરૂ કરી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે