શોકિંગ...હૈદરાબાદ પોલીસ એકેડેમીની પરીક્ષામાં પહેલીવાર 122માંથી 119 IPS ઓફિસરો ફેઈલ

ચોંકાવનારી વાત એ પણ છે કે ફેઈલ થનારા ઓફિસરોમાં એ ઓફિસરો પણ સામેલ છે જેમણે ઓક્ટોબરમાં થયેલી પાસિંગ આઉટ પરેડમાં મેડલ અને ટ્રોફી જીત્યા હતાં. 

શોકિંગ...હૈદરાબાદ પોલીસ એકેડેમીની પરીક્ષામાં પહેલીવાર 122માંથી 119 IPS ઓફિસરો ફેઈલ

હૈદરાબાદ: દેશમાં આપણે શાળાઓ અને કોલેજોના તો અનેકવાર ચોંકાવનારા પરિણામો જોયા જ છે જેમાં આખે આખી શાળા કે કોલેજના વિદ્યાર્થીઓ ફેઈલ થતા હોય છે. પરંતુ આવા પરિણામ જો નેશનલ પોલીસ એકેડેમીમાંથી આવે તો શું થાય? હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીમાં ઈન્ડિયન પોલીસ સર્વિસ (ભારતીય પોલીસ સેવા)માં પસંદ થયા બાદ સેવા માટે જરૂરી પરીક્ષા આપવા માટે પહોંચેલા 122 ટ્રેની ઓફિસરોમાંથી 119 આ જરૂરી પરીક્ષામાં ફેઈલ થઈ ગયા છે. એકેડેમીમાંથી ગ્રેજ્યુએશન દરમિયાન આ ભાવી ઓફિસરો માટે આ પરીક્ષામાં પાસ થવું જરૂરી હોય છે. તેમને પાસ થવા માટે 3 તક મળશે. પરંતુ આ પરિણામોથી દરેક જણ સ્તબ્ધ છે. જો કે ફેઈલ થવા છતાં તેમને હાલ ગ્રેજ્યુએટ જાહેર કરી દેવાયા છે અને અલગ અલગ કેડરોમાં પ્રોબેશનર બનાવવામાં આવ્યાં છે. પરંતુ 3 પ્રયત્નોમાં દરેક સબ્જેક્ટમાં પાસ ન કરવાની સ્થિતિમાં તેમને સેવાથી બહાર કરવામાં આવી શકે છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ વર્ષ 2016માં ફક્ત બે જ આઈપીએસ ઓફિસર એકેડેમીથી પાસ કરી શક્યા નહતાં. આ વર્ષે ફોરેન પોલીસ ફોર્સ મળીને કુલ 136 આઈપીએસ ઓફિસરોમાંથી 133 એક કે એકથી વધુ વિષયોમાં ફેલ થયા છે. જેમાં ઈન્ડિયન પીનલ કોડ (ભારતીય દંડ સહિતા) અને ક્રિમિનલ પ્રોસિજર કોડ (દંડ પ્રક્રિયા સંહિતા) વિષય સામેલ છે. 

ચોંકાવનારી વાત એ પણ છે કે ફેઈલ થનારા ઓફિસરોમાં એ ઓફિસરો પણ સામેલ છે જેમણે ઓક્ટોબરમાં થયેલી પાસિંગ આઉટ પરેડમાં મેડલ અને ટ્રોફી જીત્યા હતાં. આ બાજુ ફોરેન પોલીસ ફોર્સના તો તમામ ઓફિસરો ફેઈલ થઈ ગયા છે. એક પ્રોબેશનરે જણાવ્યું કે ઓફિસરો ફરીથી એકવાર પરીક્ષા આપશે. તેમણે કહ્યું કે એકેડેમીના ઈતિહાસમાં આવું ક્યારેય થયું નથી. લોકો પરીક્ષામાં ફેઈલ થાય છે પરંતુ આ રીતે મોટાભાગના તમામ ફેઈલ થાય તે મોટી વાત છે. 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ ફેઈલ થયેલા ઓફિસરોને પરીક્ષા પાસ કરવા માટે 3 તક મળશે. પરંતુ આમ છતાં જો તેઓ પરીક્ષા પાસ ન કરી શક્યા તો તેમને સર્વિસ પર રાખવામાં આવશે નહીં. દેશમાં આઈએએસ ઓફિસર પોતાની ટ્રેનિંગ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં પૂરી કરે છે. જ્યારે આઈપીએસ ઓફિસરો સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીમાં ટ્રેનિંગ પૂરી કરી શકે છે. 

મહત્વની વાતો

  • ફક્ત 2 કે 3 ઓફિસરો જ બધા વિષયોની પરીક્ષા પાસ કરી શક્યાં.
  • મોટા ભાગના ઓફિસરો લો એન્ડ ઓર્ડ અને આંતરિક સુરક્ષાના વિષયોમાં ફેઈલ થયા.
  • એવોર્ડ જીતનારા ઓફિસરો પણ પરીક્ષામાં ફેઈલ થયાં.
  • 90 ટકા તાલીમાર્થી ઓફિસરો એક કે તેનાથી વધુ વિષયોમાં ફેઈલ થયાં.

આઈપીએસ ઓફિસરોની ટ્રેનિંગ લેનારા ઓફિસરોએ એવિડેન્સ એક્ટ, ઈન્ડિયન પીનલ કોડ, ક્રિમિનલ પ્રોસીજર કોડ, ફોરેન્સિક સાયન્સ, ફોરેન્સિક મેડિસિન એન્ડ આઈપીસી, ફોરેન્સિક એન્ડ ઈન્વેસ્ટિગેશન, હથિયાર ચલાવવાની ટ્રેનિંગ, હોર્સ રાઈડિંગ, ફિલ્ડ ક્રાફ્ટ અને આઉટડોર ડ્રિલની ટ્રેનિંગ લેવાની હોય છે. ટ્રેનિંગ લેનારા એક આઈપીએસ તાલીમાર્થીએ કહ્યું કે આ ઓફિસરો ફરીથી પરીક્ષા આપશે. આ આશ્ચર્યજનક પરિણામ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news