Presidential Election 2022: આ બે પક્ષોએ વિપક્ષનો બગાડી નાખ્યો ખેલ, NDA ઉમેદવારની જીત લગભગ નક્કી
Presidential Election 2022: જો સમગ્ર વિપક્ષ એકજૂથ થઈને યશવંત સિન્હાને મત આપે તો પણ આ બે પક્ષોના સમર્થન વગર જીતવું અશક્ય છે.
Trending Photos
Presidential Election 2022: આંધ્ર પ્રદેશની સત્તાધારી વાયએસઆર કોંગ્રેસ પાર્ટી અને ઓડિશાની સત્તાધારી બીજેડીએ વિપક્ષનું ગણિત બગાડી નાખ્યું છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક બાદ હવે આંધ્ર પ્રદેશના સીએમ વાયએસ જગનમોહન રેડ્ડીએ પણ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી. આ સાથે જ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવું લગભગ નક્કી થઈ ગયું છે. જો સમગ્ર વિપક્ષ એકજૂથ થઈને યશવંત સિન્હાને મત આપે તો પણ બીજેડી અને વાયએસઆર કોંગ્રેસના સમર્થન વગર જીતવું અશક્ય છે.
વાયએસઆર કોંગ્રેસના નેતા અને આંધ્ર પ્રદેશના વાય એસ જગનમોહન રેડ્ડીએ ગુરુવારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી. રાષ્ટ્રપતિ પદ માટે પહેલા આદિવાસી અને એક મહિલાના નામાંકન બદલ પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તેમની પાર્ટી દ્રૌપદી મુર્મીને મત આપશે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ગુરુવારે રાતે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે જગન મોહન રેડ્ડી રાજ્ય મંત્રીમંડળની બેઠકના કારણે નામાંકન દાખલ કરતી વખતે હાજર રહેશે નહીં કારણ કે આ બેઠક પહેલેથી જ નિર્ધારિત છે. જો કે તેમના પ્રતિનિધિ આજે દ્રૌપદી મુર્મૂએ જ્યારે નામાંકન દાખલ કર્યું ત્યારે હાજર રહ્યા હતા. વાયએસઆરસીપીએ કહ્યું કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર એક આદિવાસી અને એક મહિલાને નામાંકિત કરવું એક સારી તક છે. આથી પાર્ટી ભારતના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહેલા દ્રૌપદી મુર્મૂને સમર્થન આપી રહ્યા છે.
પાર્ટીએ કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં સામાજિક ન્યાયને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં દેશમાં અગ્રણી પાર્ટી તરીકે તેઓ દ્રૌપદી મુર્મૂનું સમર્થન કરશે. પાર્ટીએ એવી પણ જાહેરાત કરી હતી કે તેમના સંસદીય દળના નેતા વી વિજયસાઈ રેડ્ડી અને લોકસભામાં તેમના નેતા પીવી મિધુન રેડ્ડી મુર્મૂ દ્વારા નામાંકન દાખલ કરવા દરમિયાન હાજર રહેશે.
અત્રે જણાવવાનું કે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે ટીએમસીના નેતા યશવંત સિન્હાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જો કે સમગ્ર વિપક્ષ આ વખતે પણ એકજૂથ થવામાં નિષ્ફળ રહ્યો. જ્યારે બીજી બાજુ આજે દ્રૌપદી મુર્મૂએ નામાંકન દાખલ કર્યું ત્યારે એનડીએની એક્તા ઉડીને આંખે વળગી. વિધાયક અને સાંસદોની સંખ્યાબળનો હિસાબ જોઈએ તો એનડીએ પાસે 5 લાખ 26 હજાર 966 મત છે. જ્યારે યુપીએ પાસે બે લાખ 64 હજાર 158 મત છે. એનડીએને પોતાના ઉમેદવારને જીતાડવા માટે ફક્ત 12 હજાર 492 મત વેલ્યૂની જરૂર છે. ભાજપ અને વાયએસઆર કોંગ્રેસના સમર્થનથી બહુમતનો આંકડો તો પાર થઈ જશે. બીજેડી પાસે 31 હજાર 668 મત અને વાયએસઆર કોંગ્રેસ પાસે 45 હજારથી વધુ મત છે.
આ રીતે સમજો મત વેલ્યૂ
લોકસભા સાંસદ- 378000
રાજ્યસભા સાંસદ- 160300
વિધાયક- 540615
કુલ મત- 1078915
બહુમતનો આંકડો- 539458
(ઈનપુટ- IANS)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે