Presidential elections 2022: દ્રૌપદી મુર્મૂએ NDA તરફથી ઉમેદવારી નોંધાવી, પીએમ મોદી બન્યા પ્રસ્તાવક
એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી. 18મી જુલાઈએ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવવાની છે. એનડીએ દ્વારા દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી. આ દરમિયાન પીએમ મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. દ્રૌપદી મુર્મૂના નામાંકન સમયે પીએમ મોદી પ્રસ્તાવક અને રાજનાથ સિંહ અનુમોદક બન્યા. દ્રૌપદી મુર્મૂના નામાંકન સમયે એનડીએની એકજૂથતા ઊડીને આંખે વળગી. દ્રૌપદી મુર્મૂના નામાંકન દરમિયાન ભાજપના મોટાભાગના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા.
ચાર સેટમાં નામાંકન
દ્રૌપદી મુર્મૂએ 4 સેટમાં નામાંકન ભર્યું. જેમાં પહેલા સેટમાં પીએમ મોદી પ્રસ્તાવક અને રાજનાથ સિંહ અનુમોદક છે. આ સેટમાં ભાજપ સંસદીય બોર્ડના સભ્ય, કેન્દ્રીય મંત્રી અને રાજ્યમંત્રી છે. આ સેટમાં અત્યાર સુધી 60 પ્રસ્તાવકના નામ છે અને 60 અનુમોદકના. એટલે કે આ જ રીતે દરેક સેટમાં 120 નામ છે. બીજા સેટમાં ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા પ્રસ્તાવક છે. તેમાં પણ 60 નામ પ્રસ્તાવક તરીકે અને 60 અનુમોદક તરીકે છે. આ સેટમાં યોગી, હિમંતા ઉપરાંત ભાજપ શાસિત તમામ એનડીએની સત્તાવાળા રાજ્યોના મુખ્યમંત્રી પ્રસ્તાવક છે. ત્રીજો સેટ હિમાચલ પ્રદેશ અને હરિયાણાના વિધાયકોનો છે. તેઓ જ પ્રસ્તાવક અને અનુમોદક છે. જ્યારે ચોથો સેટ ગુજરાતના વિધાયકોનો છે જેમાં તેઓ જ પ્રસ્તાવક અને તેઓ જ અનુમોદક છે.
#WATCH NDA's Presidential election candidate Droupadi Murmu files her nomination in the presence of PM Modi, Union cabinet ministers & CMs of BJP & NDA ruled states pic.twitter.com/PkZDXeL3L1
— ANI (@ANI) June 24, 2022
એનડીએનું શક્તિપ્રદર્શન
આ અવસરે ભાજપના નેતૃત્વવાળા એનડીએના તમામ નેતાઓ હાજર રહ્યા. દ્રૌપદી મુર્મૂના નામાંકન દરમિયાન એનડીએની એકજૂથતા ઊડીને આંખે વળગી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ ઉપરાંત ભાજપ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ પણ પહોંચ્યા. સંસદ ભવનમાં નામાંકન દરમિયાન નિતિન ગડકરી, પ્રહલાદ જોશી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, એમપીના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઈ, અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુર, ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી, અને ગોવાના સીએમ પ્રમોદ સાવંત ઉપરાંત મોદી સરકારના અનેક મંત્રીઓ, સાંસદો અને ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા.
સોનિયા ગાંધી, શરદ પવાર, મમતા બેનર્જીને કર્યો ફોન
દ્રૌપદી મુર્મૂએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તથા તૃણમૂલ કોંગ્રેસના ચીફ મમતા બેનર્જી સાથે વાત કરીને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાના માટે પાર્ટીનું સમર્થન માંગ્યું છે. સૂત્રોના જણાવ્યાં પહેલા નામાંકન પહેલા તેમણે અનેક અન્ય વિરોધી દળોના નેતાઓ સાથે વાત કરીને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાના માટે સમર્થન માંગ્યું.
એનડીએની જીત લગભગ નક્કી
આ અવસરે જેડીયુ અને બીજેડી નેતાઓ પણ સામેલ થયા. અત્રે જણાવવાનું કે બીજેડી પ્રમુખ નવીન પટનાયક અને આંધ્ર પ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડીએ દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરેલી છે. આવામાં જીતના આંકડાથી થોડેક જ દૂર ઊભેલી એનડીએ નવીન પટનાયક અને જગનમોહન રેડ્ડીના સમર્થન બાદ બહુમતના આંકડાથી પણ ખુબ આગળ જોવા મળી રહ્યું છે.
21 જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં દિલ્હીમાં થયેલી ભાજપ સંસદીય દળની બેઠક બાદ દ્રૌપદી મુર્મૂના નામની જાહેરાત કરાઈ હતી. રાષ્ટ્રપતિ પદ માટે નામાંકનની છેલ્લી તારીખ 29 જૂન છે. દેશના નવા રાષ્ટ્રપતિ માટે 18મી જુલાઈએ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવવાની છે. જ્યારે મતગણતરી 21 જુલાઈએ થશે. વિપક્ષ તરફથી યશવંત સિંન્હા મેદાનમાં છે. દ્રૌપદી મુર્મૂ ગુરુવારે પોતાના ગૃહ રાજ્ય ઓડિશાથી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં તેમણે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.
ઝારખંડના રાજ્યપાલ હતા
દ્રૌપદી મુર્મૂનો જન્મ ઓડિશાના આદિવાસી જિલ્લા મયુરભંજના રાયરંગપુર ગામમાં થયો હતો. તેઓ ઝારખંડના પહેલા મહિલા રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. તેઓ 18મી મે 2015થી 12મી જુલાઈ 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ પદે કાર્યરત હતા. દ્રૌપદી મુર્મૂ ઓડિશાના પહેલા મહિલા અને આદિવાસી નેતા છે જેમને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા હતા. મુર્મૂ 2013માં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એસટી મોર્ચના સભ્ય હતા. 10 એપ્રિલ 2015 સુધી તેમણે આ પદ સંભાળ્યું હતું. તેઓ 2013માં ઓડિશાના મયૂરભંજના જિલ્લા અધ્યક્ષ બન્યા હતા. 2010માં પણ જિલ્લા અધ્યક્ષ તરીકે વરણી થઈ હતી.
એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને ઓડિશાના સીએમ નવીન પટનાયક અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ સમર્થન આપવાની જાહેરાત કરી છે. બીજી બાજુ એનડીએમાં ભાજપના સહયોગી નીતિશકુમારે પણ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર તરીકે સમર્થન કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે