જસ્ટિસ લોયા કેસના તમામ મામલાઓની સુનાવણી કરશે SC, આગામી સુનાવણી 2 ફેબ્રુઆરીએ
સુપ્રીમ કોર્ટે સોમવારે આ મામલે નિર્દેશ આપતા જણાવ્યું છે કે આ બહુ ગંભીર વિષય છે અને તમામ પક્ષોને સાંભળવા જરૂરી છે
Trending Photos
નવી દિલ્હી : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના વિશેષ જજ બી.એચ. લોયાના મૃત્યુ સાથે જોડાયેલા તમામ મામલાઓની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટમાં થશે. સુપ્રીમ કોર્ટે સોમવારે આ મામલે નિર્દેશ આપતા જણાવ્યું છે કે આ બહુ ગંભીર વિષય છે અને તમામ પક્ષોને સાંભળવા જરૂરી છે . આ સંજોગોમાં આ મામલા સાથે જોડાયેલા મુંબઈ હાઇ કોર્ટના બે કેસોને પણ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની સૂચના આપી દેવામાં આવી છે. હવે સુપ્રીમ કોર્ટ તમામ કેસની એકસાથે સુનાવણી કરશે. આ મામલાની આગામી સુનાવણી 2 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ના વિશેષ ન્યાયાધિશ બી.એચ. લોયાની રહસ્યમયી મોતની નિષ્પક્ષ તપાસની માગણી કરતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (સીજેઆઇ) દિપક મિશ્રાએ કરી છે. અત્યાર સુધી આ કેસની સુનાવણી જસ્ટિસ અરૂણ મિશ્રાની પીઠ કરી રહી હતી. હાલમાં જ સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશોએ મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની વિરુદ્ધ મોરચો માંડ્યો હતો અને પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યા હતા. આ દરમિયાન આ ચાર ન્યાયાધીશોએ ખુલ્લેઆમ જજ લોયાના કેસની સુનાવણીને લઈને સવાલો ઉભા કર્યા હતા. આ જજોએ એવી પણ ફરિયાદ કરી હતી કે અતિમહત્વના કેસોની પોતે હાથ પર લઈ લે છે, એટલે કે માસ્ટર ઓફ રોસ્ટર હોવાનો ફાયદો લે છે.
આ બનાવ જસ્ટિસ અરૂણ મિશ્રાએ આ મામલાની સુનાવણીમાં પોતાને અલગ કરી નાંખ્યા હતા. સાથે એમ પણ કહ્યું હતું કે આ મામલાની સુનાવણી ઉપયુક્ત બેન્ચની સામે રજૂ થાય. હવે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ લોયા કેસની સુનાવણી પોતે કરવાનો નિર્ણય લીધો છે. આ કેસમાં અન્ય જજ એ. એમ. ખાનવિલકર અને ડી.વાઈ. ચંદ્રચુડ પણ સામેલ થશે.
શું છે આખો મામલો?
- સીબીઆઇના વિશેષ જજ બી.એચ. લોયા સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનો મામલો જોઈ રહ્યા હતા. આ મામલમાં બીજેપીના પ્રવર્તમાન અધ્યક્ષ અમિત શાહનું નામ પણ ચર્ચાયું હતું. જોકે આ અમિત શાહ નિર્દોષ સાબિત થઈ ચૂક્યા છે
- ડિસેમ્બર, 2014ના દિવસે નાગપુરમાં જજ લોયાનું મૃત્યુ થઈ ગયું હતું. એવા સમાચાર આવ્યા હતા કે હૃદયના હુમલાને કારણે તેમનું મોત થયું છે પણ તેમના મોતના કારણો ચર્ચાસ્પદ બન્યા હતા. આ મૃત્યુ પછી તેમના શબને પરિવારને ન મોકલીને તેમના વતન મોકલી દેવામાં આવ્યું હતું.
- સુપ્રીમ કોર્ટના વકીલ અનિતા શિનોયે જાહેરહિતની અરજી દાખલ કરી હતી. આ અરજદારે પોતાની અરજીમાં જસ્ટિસ લોયાના મૃત્યુની નિષ્પક્ષ તપાસ કરાવવા માગણી કરી હતી. આ માગણીને ગંભીરતાથી લઈને સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો.
- 2005માં સોહરાબુદ્દીન શેખ અને તેની પત્ની કૌસર બી એક અથડામણમાં મૃત્યુ પામ્યા હતા. આ મામલાનો મુખ્ય સાક્ષી તુલસીરામ પ્રજાપતિ પણ 2006માં એક અથડામણમાં માર્યો ગયો હતો જેને નકલી માનવામાં આવી. આ મામલામાં અનેક મોટા નેતાઓ તેમજ અધિકારીઓના નામ સંડોવાયેલા હતા.
- 2012માં સુપ્રીમ કોર્ટે ટ્રાયલને મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દીધી. 2013માં સુપ્રીમ કોર્ટે પ્રજાપતિ તુલસી અને સોહરાબુદ્દીનના કેસને સાથે જોડી દીધો. આ કેસની સુનાવણી જજ બી.એચ. લોયાએ કરી અને 2014માં નાગપુર ખાતે તેમનું મૃત્યુ થઈ ગયું.
- સુપ્રીમ કોર્ટે સિનિયોરિટીના ધોરણે બીજા ક્રમાંકથી પાંચમા ક્રમ સુધીના ચાર જજોએ એને ન્યાયતંત્ર અને રાષ્ટ્રની અખંડિતતાનો મામલો ગણાવ્યો તેમજ આ મામલાને વરિષ્ઠ જજોના નેતૃત્વવાળી બેચને સોંપવાની માગણી કરી.
- જજોની માગણી હતી કે સપ્રીમ કોર્ટોના 25 જજોમાં સિનિયોરિટીના આધારે 10મા નંબરે આવતા જસ્ટિસ અરૂમ મિશ્રાથી વધારે સિનિયર જજોની બેચને આ મામલો સોંપવામાં આવે.
- 12 જાન્યુઆરીએ પ્રેસ કોન્ફરન્સમાં ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વર, ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ એમ.બી. લોકુર તેમજ ન્યાયમૂર્તિ કુરિયન જોસેફે ચીફ જસ્ટિસ દિપક મિશ્રા દ્વારા કામની વહેંચણીના મુદ્દા સહિત અનેક મામલા ઉઠાવ્યા.
- સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે ચેલમેશ્વર, રંજન ગોગોઈ, મદન લોકુર અને કુરિયન જોસેફે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયા સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટનું પ્રશાસન યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. તેમણે કહ્યું કે અમે ચીફ જસ્ટિસ સાથે પણ આ અંગે મુલાકાત કરી છે અને કાગળ પણ લખ્યો છે. હાલમાં દેશનું લોકતંત્ર ખતરામાં છે.
- દિવંગત જજ બી.એચ. લોયાના દીકરા અનુજ લોયાએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું છે કે તેના પિતાનું મોત શંકાસ્પદ પરિસ્થિતિમાં નથી થયું અને હાર્ટ એટેકના કારણે તેમનો જીવ ગયો છે. તેણે કહ્યું હતું કે પિતાની મોતના મામલે અમારો કોઈ પર આરોપ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે