રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાનો ઈન્કાર કરનારા ગુજરાત HC ના જજની બદલીની ભલામણ
સુપ્રીમ કોર્ટના કોલેજિયમે મોદી સરનેમ માનહાનિ કેસની સુનાવણી કરનારા ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત એમ પ્રચ્છક સહિત 4 જજની અન્ય કોર્ટ માટે ભલામણ કરી છે.
Trending Photos
સુપ્રીમ કોર્ટના કોલેજિયમે મોદી સરનેમ માનહાનિ કેસની સુનાવણી કરનારા ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત એમ પ્રચ્છક સહિત 4 જજની અન્ય કોર્ટ માટે ભલામણ કરી છે. અત્રે જણાવવાનું કે સુરત કોર્ટથી મોદી સરનેમ માનહાનિ કેસમાં સજા થયા બાદ રાહુલ ગાંધી સુરતની સેશન કોર્ટમાં ગયા હતા. ત્યાં પણ રાહત ન મળતા રાહુલ ગાંધીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાની માંગણી કરતી અપીલ પર જસ્ટિસ હેમંત એમ પ્રચ્છકે સુનાવણી કરી હતી. જસ્ટિસ પ્રચ્છકે સુનાવણી પૂરી થયાના 66 દિવસ બાદ ચુકાદો આપ્યો હતો. જેમાં તેમણે સજા પર રોક લગાવવાની માંગણીને ફગાવી હતી. જસ્ટિસ પ્રચ્છકે પોતાના ચુકાદામાં નીચલી કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો.
બદલી માટે ભલામણ
સુપ્રીમ કોર્ટે જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાહત આપી હતી ત્યારે હાઈકોર્ટના ચુકાદા અંગે ટિપ્પણી પણ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના ચાર જસ્ટિસની બદલીની ભલામણ કરી છે. આ ચાર જસ્ટિસમાં હેમંત એમ પ્રચ્છકનું નામ પણ સામેલ છે. કોલેજિયમે હેમંત એમ પ્રચ્છકની પટણા હાઈકોર્ટમાં બદલી માટે ભલામણ કરી છે. જ્યારે અન્ય જજમાં અલ્પેશ વાય કોગજેની અલાહાબાદ હાઈકોર્ટમાં, સમીર જે દવેની રાજસ્થાન હાઈકોર્ટમાં જ્યારે કુમારી ગીતા ગોપીની મદ્રાસ હાઈકોર્ટમાં બદલીની ભલામણ કરી છે. અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી વાય એસ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળા કોલેજિયમે જજોની બદલી માટે ભલામણ કરી છે.
ગુજરાત હાઈકોર્ટના 4 જજ ઉપરાંત આ નામ પણ સામેલ
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના 4 જજ ઉપરાંત પંજાબ હરિયાણા હાઈકોર્ટના 4 અને અલાહાબાદ હાઈકોર્ટના એક જજનું નામ પણ ભલામણ કર્યું છે. જેમાં પંજાબ હરિયાણા હાઈકોર્ટના અરવિંદ સિંહ સાંગવાનની અલાહાબાદ હાઈકોર્ટમાં, અવનીશ ક્ષિંગનની ગુજરાત હાઈકોર્ટમાં, રાજમોહન સિંહની મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં, અરુણ મોંઘાની રાજસ્થાન હાઈકોર્ટમાં અને અલાહાબાદ હાઈકોર્ટના જજ વિવેકકુમાર સિંહની મદ્રાસ હાઈકોર્ટમાં બદલી માટે ભલામણ કરેલી છે.
કોણ છે જસ્ટિસ હેમંત એમ પ્રચ્છક?
4 જૂન 1965ના ગુજરાતના પોરબંદરમાં જન્મેલા હેમંત એમ પ્રચ્છક 18 ઓક્ટોબર 2021માં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બન્યા હતા. પોરબંદરમાં શરૂઆતનો અભ્યાસ પૂરો કર્યા બાદ આગળનો અભ્યાસ પણ પોરબંદરમાં કર્યો હતો. ત્યારબાદ તેમણે ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી દીધી. વર્ષોની પ્રેક્ટિસ બાદ તેમણે 2022થી લઈને 2007 સુધી સહાયક સરકારી વકીલ અને એડિશનલ સરકારી વકીલ તરીકે કામ કર્યું. ત્યારબાદ હેમંત એમ પ્રચ્છકે 2015થી લઈને 2019 સુધી કેન્દ્ર સરકારના કેન્દ્ર સરકારના સ્થાયી વકીલ તરીકે કામ કર્યું. ત્યારબાદ 18 ઓક્ટોબર 2021ના રોજ તેઓ હાઈકોર્ટના જસ્ટિસ બન્યા. ત્યારબાદ આ વર્ષે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના બહુચર્ચિત કેસમાં સુનાવણી કરી હતી અને કોર્ટ સમર વેકેશન માટે બંધ થવાનો હવાલો આપીને નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો. ત્યારબાદ તેમણે 66 દિવસે ચુકાદો આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે