વિજય માલ્યા પ્રત્યાર્પણ કેસમાં કોર્ટની સુનાવણી પૂર્ણ, 10 ડિસેમ્બરે આવશે ચુકાદો

સુનાવણી બાદ કોર્ટના બહાર આવીને મીડિયા સાથે વાત કરતા વિજય માલ્યાએ કહ્યું કે, તે ફરિયાદી પક્ષના આરોપોથી સહમત નથી, આ વિશે કોર્ટને કોઈ નિર્ણય લેવા દો. 

Updated: Sep 12, 2018, 09:17 PM IST
 વિજય માલ્યા પ્રત્યાર્પણ કેસમાં કોર્ટની સુનાવણી પૂર્ણ, 10 ડિસેમ્બરે આવશે ચુકાદો
ફોટો સાભારઃ ANI

નવી દિલ્હીઃ ભારતમાંથી ભાગેલુ શરાબ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઈને લંડનની કોર્ટમાં સુનાવણી બુધવારી પૂર્ણ થઈ ગઈ છે. કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. હવે નિર્ણય 10 ડિસેમ્બરે આવશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું કે, ભારત છોડતા પહેલા તેમણે નાણાપ્રધાન અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી. પરંતુ વિજય માલ્યાના દાવાને અરૂણ જેટલીએ ખોટો ગણાવ્યો છે. 

મહત્વનું છે કે લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં બુધવારે માલ્યાના પ્રત્યાર્પણ કેસમાં અંતિમ સુનાવણી હતી. સુનાવણી દરમિયાન માલ્યાએ કોર્ટમાં તે કહીને ભારતીય રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો કે ભારત છોડતા પહેલા તે નાણાપ્રધાન અરૂણ જેટલીને મળ્યા હતા અને બેન્કોના કર્જને લઈને સેટલમેન્ટની વાત કરી હતી. 

સુનાવણી દરમિયાન માલ્યાના વકીલે કોર્ટને જણાવ્યું કે, હજુ સુધી તેવા કોઈ પૂરાવા મળ્યા નથી, જેના આધાર પર તે કહી શકાય કે માલ્યા કે કિંગફિશરે ખોટા ઈરાદાથી બેન્કોની લોન લીધી હતી. માલ્યાના વકીલે કહ્યું કે, સીબીઆઈના રાકેશ અસ્થાનાએ બેન્કો પર માલ્યા વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે દબાવ બનાન્યો અને કેસ ન કરવા બદલ ખોટા પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. 

સુનાવણી બાદ કોર્ટની બહાર આવીને મીડિયા સાથે વાત કરતા વિજય માલ્યાએ કહ્યું કે, તે ફરિયાદી પક્ષના આરોપોથી સહમત નથી, આ વિશે કોર્ટનો નિર્ણય આવવા દો. નાણાપ્રધાન સાથે મુલાકાતના દાવા પર તેણે ફરી કહ્યું કે, તે સત્ય છે કે કર્જનો ઉકેલ લાવવા માટે તેણે નાણાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. 

અરૂણ જેટલીએ આપ્યો જવાબ
તો વિજય માલ્યાની ખુલાસા પર નાણા પ્રધાન અરૂણ જેટલીએ સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા આપી છે..અરૂણ જેટલીએ કહ્યું કે મેં ક્યારેય માલ્યાને મળવાનો સમય નહોતો આપ્યો અને માલ્યાને હું મળ્યો પણ નથી. ગૃહની કાર્યવાહી પૂર્ણ થતાં હું મારા કાર્યાલયમાં જઈ રહ્યો હતો, તે દરમિયાન રસ્તો રોકતા તેમણે કહ્યું કે હું સેટલમેન્ટ માટે તૈયાર છું. ત્યારે મેં તેમને સલાહ આપી કે તમારે આ વાત તમારા બેંકરને જઈને કહેવી જોઈએ. તે દરમિયાન માલ્યાના હાથમાં રહેલા કાગળનો પણ મેં સ્વીકાર નહોતો કર્યો..આ જ વાતનો માલ્યાએ ઉલ્લેખ કરીને મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. માલ્યાએ રાજ્યસભાના સાંસદ હોવાનો પણ મલાજો નહોતો જાળવ્યો.