Prakash Singh Badal Died: સરપંચથી CM સુધીની સફર, 10 વખત ધારાસભ્ય રહ્યાં, મોરારજી દેસાઈ સરકારમાં મંત્રી બન્યા હતા પ્રકાશ સિંહ બાદલ
Prakash Singh Badal Died: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણિ અકાલી દળના દિગ્ગજ નેતા પ્રકાશ સિંહ બાદલનું નિધન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને રાહુલ ગાંધી સુધી નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
Trending Photos
મોહાલીઃ Prakash Singh Badal Died: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું મંગળવાર (25 એપ્રિલ) ના 95 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. શિરોમણિ અકાલી દળ (SAD)ના વરિષ્ઠ નેતાને શ્વાસ લેવામાં મુશ્કેલી બાદ મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રકાશ સિંહ બાદલે સરપંચ બનીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેઓ સીએમથી લઈને મંત્રી પદ સુધી પહોંચ્યા.
દેશના સૌથી યુવા અને સૌથી વૃદ્ધ સીએમ હતા
1970માં જ્યારે પ્રકાશ સિંહ બાદલ પહેલીવાર સીએમ બન્યા ત્યારે તેઓ દેશના સૌથી યુવા સીએમ હતા. તે સમયે તેમની ઉંમર માત્ર 43 વર્ષની હતી. એક રસપ્રદ વાત એ છે કે વર્ષ 2012માં જ્યારે તેઓ 5મી વખત સીએમ બન્યા ત્યારે તેઓ દેશના સૌથી વૃદ્ધ સીએમ બન્યા હતા, વર્ષ 2022માં પણ તેમણે ચૂંટણી લડી હતી, તેથી તે સમયે તેઓ સૌથી મોટી ઉંમરના ઉમેદવાર હતા. શિરોમણી અકાલી દળના સંરક્ષક બાદલને પંજાબની સત્તામાં બેતાજ બાદશાહ કહેવામાં આવતા હતા.
માત્ર 20 વર્ષની ઉંમરે રાજનીતિમાં આવ્યા
પ્રકાશ સિંહ બાદલે વર્ષ 1952માં સરપંચની ચૂંટણી જીતી હતી અને આ સાથે તેમણે રાજનીતિમાં પગ મુક્યો હતો. ત્યારબાદ ક્યારેય પાછુ વાળીને જોયું નથી. વર્ષ 1957માં તે પંજાબ વિધાનસભા માટે ચૂંટાયા હતા. વર્ષ 1960માં ફરી જીત મેળવી હતી. ત્યારબાદ 1969માં ફરી તેઓ પંજાબ વિધાનસભા પહોંચ્યા હતા.
તેઓ ગુરનામ સિંહની સરકારમાં સામુદાયિક વિકાસ, પંચાયતી રાજ, પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી બન્યા હતા. તેમણે 1996 થી 2008 સુધી અકાલી દળના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેમને પંજાબની રાજનીતિ હંમેશા પસંદ હતી. ત્યારે દેશમાં મોરારજી દેસાઈની સરકાર હતી અને આ સરકારમાં તેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. જો કે, તેમણે આ ચાર્જ માત્ર અઢી મહિના જ સંભાળ્યો હતો.
પંજાબની રાજનીતિના ભીષ્મ પિતામહ
પ્રકાશ સિંહ બાદલને પંજાબની રાજનીતિના ભીષ્મ પિતામહ કહેવામાં આવતા હતા. તેઓ પાંચ વખત રાજ્યના મુખ્યમંત્રી રહ્યાં અને 10 વખત ચૂંટણી જીતી રાજ્યની વિધાનસભામાં પહોંચ્યા હતા. વર્ષ 1992માં તેઓ ધારાસભ્ય બનતા ચૂકી ગયા કારણ કે તેમણે આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
તેમણે પંજાબના 15મા સીએમ તરીકે 1970માં પ્રથમ વખત શપથ લીધા હતા. આ પછી, વર્ષ 1977 માં, તેઓ ફરીથી રાજ્યના 19મા મુખ્યમંત્રી બન્યા. આ પછી તેઓ 20 વર્ષ પછી ફરી સત્તામાં આવ્યા, પરંતુ આ વખતે તેમની સરકાર ભાજપ સાથે ગઠબંધનથી બની. હકીકતમાં વર્ષ 1996માં ભાજપ અને અકાલી દળની નિકટતા વધી હતી. આનું પરિણામ એ આવ્યું કે વર્ષ 1997માં બંનેના ગઠબંધનમાં પંજાબમાં સરકાર બનાવી હતી.. વર્ષ 1997માં તેઓ રાજ્યના 28મા મુખ્યમંત્રી બન્યા. વર્ષ 2007માં ચોથી વખત અને વર્ષ 2012માં 5મી વખત સીએમ બન્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે