ગુજરાતમાં રહેતા હોવ અને આ 5 ભવ્ય સ્થળો ન જોયા હોય તો સાચે જ શરમજનક કહેવાય, Photos

આપણું ગુજરાત અત્યંત ભવ્ય અને ગૌરવશાળી સાંસ્કૃતિક વારસો ધરાવે છે. આ ઐતિહાસિક વારસાની અનુભૂતિ કરવી એ પણ જીવનનો એક લ્હાવો લેવા જેવો છે. ગુજરાતનો આ ઇતિહાસ અન સાંસ્કૃતિક વારસો તથા તેની સાથે સંકળાયેલો ઈતિહાસ વેદકાળ અને મહાભારત કાળથી ચાલ્યો આવતો હોવાનું કહેવાય છે. આ એવા સ્થળો છે જે માત્ર ગુજરાતમાં કે દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ગુજરાતના ગૌરવમાં વધારો કરે છે. આવા જ કેટલાક સ્થળોની જો તમે ગુજરાતમાં રહેતા હોવ અને મુલાકાત ન લીધી હોય તો ખરેખર શરમજનક કહી શકાય. ચાલો જાણો આવા જ કેટલાક ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળો વિશે....

લોથલ

1/5
image

ખોદકામ દરમિયાન લોથલ ખાતેથી જે અવશેષો મળ્યા તે ભારતમાં સિંધુ સભ્યતાની ઓળખ દર્શાવે છે. ઈ.સ. પૂર્વ 1800-2000ના સમયગાળા દરમિયાન સિંધુ સંસ્કૃતિની સભ્યતા તમને લોથલમાં જોવા મળશે. સિંધુ ખીણના અન્ય સ્થાપત્યો ઉપરાંત શ્રેષ્ઠ નગર રચના પણ જોવા મળશે. અત્રે જણાવવાનું કે લોથલ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ ગણી શકાય. અહીં મળી આવેલા માનવ સભ્યતાના અવશેષોમાં રોજબરોજ ઘરવપરાશમાં ઉપયોગમાં લેવાતા વાસણો, આભૂષણો ઉપરાંત ઘર ઉપયોગી ચીજ વસ્તુઓની રચના અને રહેણાંક મકાનોના સ્થાપત્યની કળા શાનદાર છે. લોથલના રસ્તાઓ અને જાહેર સુખ સુવિધાની સગવડોનું બાંધકામ અજોડ છે. 

રાણકી વાવ

2/5
image

આ ખુબસુરત ઐતિહાસિક સ્થળનું નિર્માણ 11મી સદીમાં એક રાજાની યાદ તરીકે કરાવ્યું હતું. સરસ્વતી નદીના તટે બનેલી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. આ વાવમાં 30 કિમી લાંબી રહસ્યમય સુરંગ પણ છે, જે પાટણના સિદ્ધપુરમાં જઈને નીકળે છે. ઐતિહસિક વાવની નક્શીકામ, અને કલાકૃતિની સુંદરતા ત્યાં આવનારા પર્યટકોને ખુબ ખુશખુશાલ કરી નાખે છે અને ઈતિહાસ સાથે તેમનો પરિચય પણ કરાવે છે.  ભારતમાં તમને એવી અનેક ઈમારતો જોવા મળશે જે રાજાઓએ પોતાની પત્નીની યાદમાં બનાવડાવેલી છે. પણ રાણકી વાવ બધા કરતા અલગ છે. જેને વર્ષ 1063માં સોલંકી રાજવંશના રાણી ઉદયમતીએ સ્વર્ગવાસી પતિ રાજા ભીમદેવની યાદમાં બનાવી હતી. વાવની વાસ્તુકળા પર નજર ફેરવશો તો તે તમને એક ઉલ્ટા મંદિર જેવી લાગશે. જે હકીકત પણ છે તેને ઉલ્ટા મંદિરની રીતે ડિઝાઈન કરાઈ છે જેમાં સાત માળની સીડીઓ છે જે પૌરાણિક અને ધાર્મિક કલ્પનાઓ સાથે એકદમ ખુબસુરત રીતે કોતરણીકામ દ્વારા તૈયાર કરાઈ છે. વાવ લગભગ 30 મીટર ઊંડી છે. અહીં સુંદર નક્શીકામમાં પ્રાચીન અને ધાર્મિક ચિત્રો તૈયાર કરાયેલા છે. 

ધોળાવીરા

3/5
image

ગુજરાતનું પ્રાચીનતમ સમૃદ્ધ શહેર એટલે ધોળાવીરા. એટલું જ નહીં ભારતની પૌરાણિક સાત અજાયબીઓમાંથી એક અજાયબી એટલે ધોળાવીરા. તે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. સિંધુ સભ્યતાનું પ્રમુખ શહેર છે. ધોળાવીરાનું સ્થાપત્ય અને રચના એકદમ અજોડ છે. તેનું નિર્માણ અંદાજે ઈ.સ. પૂર્વ 2900 ના સમયગાળામાં થયું હોવાનું મનાય છે. નગર રચનામાં ઈંટોનો ઉપયોગ કરાયેલો છે. માનવજરૂરિયાતની તમામ સુવિધાઓની રચના પણ આયોજનબદ્ધ રીતે કરાઈ હતી. પાણીના સંગ્રહ અને વિતરણની જબરદસ્ત ગોઠવણ તે સમયની દુનિયાની શ્રેષ્ઠ રચના-વ્યવસ્થા ગણવામાં આવે છે. 

સાબરમતી આશ્રમ

4/5
image

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સાબરમતી આશ્રમની એક મહત્વની ભૂમિકા રહી છે. અમદાવાદ મહાત્મા ગાંધીની કર્મભૂમિ રહી. એમાં પણ સાબરમતી આશ્રમ તે વખતે પાવરહાઉસ જેવું ગણાતું હતું. જ્યાં હ્રદય કૂંજ એટલે ગાંધીજીના વસવાટનું સ્થળ આજે પણ મૂળ સ્થિતિમાં સચવાયેલું છે. અહીં તમને ગાંધીજીના દૈનિક કાર્યોની ચીજવસ્તુઓ અને અંગત ઉપયોગની વસ્તુઓ સંગ્રહિત છે જે જોવા મળશે. આ ઉપરાંત અહીં પુસ્તકાલય, ગાંધીજીના લખેલા પત્રો, લાઈટ એન્ડ સાઉન્ડ શો, વિનોબા-મીરા કુટિર, મગન નિવાસ વગેરે પણ જોવા મળશે જે આઝાદીની જંગના મૂક સાક્ષી સ્વરૂપ છે. 

ચાંપાનેર-પાવાગઢ

5/5
image

ચાંપાનેર પાવાગઢને વિશ્વ વારસા કાર્યક્રમના ભાગ રૂપે વિશ્વના અજોડ પુરાતત્વીય ઈમારત સ્મારક તરીકે યુનેસ્કોએ જાહેર કરેલું છે. આ સ્થળનું ઐતિહાસિક મહત્વ અંદાજે 1200 વર્ષનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો છે. પૌરાણિક યુગ રાજપૂત શાસન, મરાઠા ઉપરાંત ઈસ્લામની અને બ્રિટિશ શાસનની અસરો અહીંના સ્થાપત્યોમાં જોવા મળે છે. 15મી સદીમાં રાજા પતઈને હરાવીને મુસ્લિમ શાસક મહમ્મદ બેગડાએ આ પ્રદેશ પર શાસનની કમાન સંભાળી હતી. મહમ્મદ બેગડાએ રાજધાની અમદાવાદથી ચાંપાનેર ખસેડી હતી. ચાંપાનેર પંચમહાલ જવાના મુખ્ય પ્રવેશદ્વાર જે વડોદરાથી 46 કિમીના અંતરે આવેલું છે. આદિવાસી વિસ્તાર તરીકે જાહેર આ પ્રદેશમાં મુખ્યત્વે ભીલ જાતિના લોકો વસવાટ કરે છે. 

(માહિતી સાભાર- gujaratindia.gov.in)