રવિવારે 35 તાલુકામાં વરસાદની એન્ટ્રી : પ્રથમ વરસાદમાં ગુજરાતમાં 4 ના મોત, અમરેલીની નદીમાં કાર તણાઈ
Gujarat Weather Forecast : ગુજરાતમાં વરસાદનું આગમન થતા જ હરખની હેલી પ્રસરી ગઈ છે. રવિવારે ગુજરાતમં 14 થી વધુ જિલ્લા તેમજ 35 તાલુકામાં વરસાદ આવ્યો, તો સાથે જ ચાર લોકોના મોત નિપજ્યા છે. ભરૂચમાં ભારે પવનથી ઝાડ પડતાં 3 લોકોનાં મોત થયું. તો વડોદરામાં વીજળી પડતાં એકનું મોત થયું. અમરેલીના બાબરામાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો, જેમાં સ્થાનિક નદીમાં પૂર આવતાં સુખનાથ મંદિર પાસે બોલેરો ગાડી પાણીમાં તણાઈ હતી.
12 જુના આખા રાજ્યમાં વરસાદની આગાહી
ગુજરાતમાં 3 દિવસ વરસાદની હવામાનની આગાહી છે. આજથી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો 12 જૂને રાજ્યમાં ઠેકઠેકાણે વરસાદ પડી શકે છે. ત્યારે વાત કરીએ તો રવિવારે 14થી વધુ જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે 4 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો ધરમપુર તાલુકા ખાતે પ્રથમ વરસાદે નગર પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી. ધરમપુર શહેરના મુખ્ય માર્ગો પર ભરાયા પાણી હતા.
3 ઈંચ વરસાદથી વલસાડમાં પાણી ભરાયા
વલસાડ જિલ્લામાં ચોમાસાની શરૂઆત જ થઈ છે ત્યારે વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદમાં જ પ્રિમોન્સૂન કામગીરી ની પોલ ખુલ્લી પાડી છે. જિલ્લામાં ધરમપુર તાલુકા ખાતે રાત્રીના 4 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. 3 ઇંચ વરસાદમાં ધરમપુર શહેરના મુખ્ય માર્ગ નદીમાં પરિવર્તન થવા પામ્યો હતો દર વર્ષે ધરમપુર નગર પાલિકા દ્રારા પ્રિમોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર હોય એવું લાગી રહ્યું છે. ધરમપુરના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વાળો આવ્યો હતો.
નવસારીમાં વરસાદનું આગમન
નવસારીમાં ચોમાસાના પહેલા વરસાદથી લોકોમાં ખુશી છવાઈ છે. દિવસ દરમિયાન ભારે ઉકડાટ બાદ રવિવારે મોડી રાતે નવસારીનું વાતાવરણ બદલાયું હતું. પવનો સાથે નવસારી શહેર સહિત જિલ્લામાં અનેક ઠેકાણે વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદ પડતા વાતાવરણમાં માટીની ખુશ્બુ સાથે ઠંડક પ્રસરી છે.
વડોદરામાં વીજળી પડતા એકનું મોત
વડોદરામાં અચાનક રવિવારે સાંજે શહેરના વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. ભારે પવન સાથે શહેરમાં અનેક જગ્યાએ વરસાદ આવ્યો હતો. વરસાદ સાથે વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અકોટા ગામ પાસે શંકર મારવાડી નામના વ્યક્તિનું વીજળી પડતા મોત નિપજ્યું છે. અકોટ ધરની પાછળ વાડીમાંથી પાછા ફરતાં આ બનાવ બન્યો હતો.
અમરેલીની નદીમાં ગાડી તણાઈ
અમરેલીના બાબરા બે કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. બાબરાના ત્રબોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેથી સુખનાથ મંદિર પાસે નદીમાં બોલેરો ગાડી તણાઈ હતી. સ્થાનિકો લોકોએ વહીવટી તંત્રને જાણ કરી હતી. બોલેરોમાં સવાર કોઈ વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાયા છે કે કેમ તે દિશામાં સ્થાનિકો દ્વારા શોધખોળ શરૂ કરાઈ હતી.
જુનાગઢમાં પ્રથમ વરસાદ
વિસાવદર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ આવ્યો હતો. સીઝનનો સૌપ્રથમ વાવણી લાયક વરસાદ થતા વિસાવદરના લાલપુર વેકરીયા મુંડીયારાવણીના ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. બે થી ત્રણ ઈંચ જેટલા વરસાદથી ખેતરોમાં પાણી પ્રસર્યા હતા. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે. એકાદ બે દિવસમાં લાલપુર વેકરીયા મુંડીયારાવણીના ખેડૂતો વાવણીના શ્રી ગણેશ કરશે.
Trending Photos