T20 World Cup 2022: ભારત માટે ટી20 વિશ્વકપમાં મેચ વિનર સાબિત થશે 5 ખેલાડી, ડરશે વિરોધી ટીમ
BCCI announces squad for ICC Men T20 World Cup 2022: ભારતે ટી20 વિશ્વકપનું ટાઇટલ વર્ષ 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં જીત્યું હતું. હવે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વિશ્વકપ 2022 માટે પસંદગીકારોએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓની વાપસી થઈ છે. આ ખેલાડીઓ પોતાના દમ પર મેચનું પરિણામ બદલી શકે છે. ભારતની પાસે પાંચ એવા ખેલાડી છે, જેની મદદથી ટીમ ઈન્ડિયા વિશ્વકપમાં કમાલ કરી શકે છે.
હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતનું મોટું હથિયાર સાબિત થઈ શકે છે. બેટિંગની સાથે હાર્દિક જરૂરી સમયે ટીમને વિકેટ પણ અપાવી શકે છે. તે અંતિમ ઓવરમાં આક્રમક બેટિંગ કરી ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હાર્દિકના નામે 70 ટી20 મેચમાં 884 રન અને 42 વિકેટ છે.
દિનેશ કાર્તિકને ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી છે. કાર્તિકે આઈપીએલ 2022માં શાનદાર પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે. કાર્તિકને ટીમમાં ફિનિશરની ભૂમિકા મળી છે. પોતાના અંતિમ વિશ્વકપમાં કાર્તિક અવિશ્વસનીય પ્રદર્શન કરવા ઈચ્છશે.
વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટરોમાં સામેલ વિરાટ કોહલી પોતાના ફોર્મમાં પરત આવી ગયો છે. કોહલી સેટ થઈ જાય તો વિરોધી ટીમ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. કોહલી નંબર ત્રણ પર ભારતનો વિશ્વસનીય બેટર છે.
જસપ્રીત બુમરાહે લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી છે. ઈજામાંથી ફિટ થયા બાદ બુમરાહને વિશ્વકપની ટીમમાં જગ્યા મળી છે. બુમરાહ પોતાની ધારદાર બોલિંગ માટે જાણીતો છે. તે એક સ્પેલમાં મેચ ભારતની તરફેણમાં કરી શકે છે. બુમરાહે ભારત માટે 58 ટી20 મેચમાં 69 વિકેટ ઝડપી છે.
રવિચંદ્રન અશ્વિનને ભારતની ટી20 ટીમમાં જગ્યા મળી છે. ટી20 ક્રિકેટમાં અશ્વિનની ચાર ઓવરનું ખુબ મહત્વ છે. અશ્વિન કેરમ બોલ કરવામાં ઉસ્તાદ છે અને તે ઇકોનોમિકલ સ્પેલ કરી શકે છે. લેફ્ટ હેન્ડર્સ વિરુદ્ધ તે ખતરનાક સાબિત થાય છે.
Trending Photos