સુરતીઓની લાઈફલાઈન તાપીનો આજે જન્મદિવસ : ગંગા, નર્મદા કરતા પણ પૌરાણિક છે તાપી નદી
Tapi River Birthday : તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો અને આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગેચંગે ઉજવે છે
Trending Photos
Surat News : સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો આજે જન્મ દિવસ છે. જેના સ્મરણ માત્રથી પાપોનો નાશ થાય છે તેવી આ વિશ્વની એકમાત્ર નદી છે. આજે સુરતીઓ દ્વારા તાપી મૈયાની પૂજા કરવામાં આવે છે. તાપીના પ્રાગટ્યદિન જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરાય છે. આજે સુરતના ખેડૂતો તાપી માતાનાજન્મ દિવસની ઉજવણી કરતા હોય છે.
"गंगा स्नान, नर्मदा दर्शन च ताप्ती स्मरण पापम नश्यति", અર્થાત ગંગા નદીમાં સ્નાન કરવાથી, નર્મદા નદીના દર્શન કરવાથી અને તાપી નદીના સ્મરણ માત્રથી વ્યક્તિને પોતાના પાપો માંથી મુક્તિ મળે છે. જી હા સુરતમાંથી પસાર થતી તાપી નદીનો આજે જન્મદિવસ છે, જેને ખૂબ ઉત્સાહ સાથે આજે સુરતીઓ મનાવે છે.
તાપી ખેડૂતોને જીવાદોરી છે
તાપી નદી પરના ઉકાઈ ડેમની મહત્વકાંક્ષી સિંચાઇ પરિયોજનાથી દક્ષિણ ગુજરાતના ૨,૫૨,૪૪૪ ખેડૂત ખાતદારોને લાભ મળે છે. તાપી નદી પરના ઉકાઈ ડેમની મહત્વકાંક્ષી સિંચાઇ પરિયોજનાથી દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં સિંચાઇ અને પીવાનું પાણી તથા ઉદ્યોગોને વપરાશનું પાણી આપવામાં આવે છે. ઉકાઈ કાંકરાપાર સિંચાઇ પરિયોજના સૌથી મોટો કાર્યવિસ્તાર ધરાવે છે. જેમાં પાંચ જિલ્લાના ૨૧ તાલુકા 3400 જેટલા ગામો જેમાં ૮૧૦ આદિજાતિના ગામોનો સમાવેશ થાય છે. આશરે ૩,૩૧,૫૫૭ હેકટર ખેતીની જમીનમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે. જેનો કુલ ૨,૫૨,૪૪૪ ખેડૂત ખાતદારોને લાભ મળે છે. આ સિંચાઇ યોજના અંતર્ગત ૫૫૦ સિંચાઇ પિયત સહકારી મંડળીઓ કાર્યરત છે.
તાપી નદી પરના ઉકાઈ ડેમની પાણીની કુલ સંગ્રહ ક્ષમતા ૭૪૧૪ mcm જેટલી છે, જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતો સૌથી મોટો ડેમ છે. ભૂતકાળમાં ડેમમાં સંગ્રહ થયેલા પાણીના જથ્થાઓ ઓના અનુમાન મુજબ ડેમ માં ૪૨૦૦ mcm પાણીનો સંગ્રહ થાય એટલે એક વર્ષ સુધી સિંચાઇ સહિત અન્ય જરૂરિયાત માટે પાણી આપી શકાય છે.
આજે અષાઢ સુદ સાતમના રોજ સૂર્યપુત્રી તાપી માતાનો જન્મ દિવસ છે. તાપીમાતાની ઉત્પતિ ૨૧ કલ્પ જૂની હોવાની પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોની માન્યતા છે. ૧ કલ્પમાં ૪.૩૨ કરોડ વર્ષ હોય છે. સૂર્યપુત્રી પર તાપીપૂરાણ નામનો એક આખો ગ્રંથ લખાયો છે. જેમાં તાપી વિશે એકદમ ઝીણવટપૂર્વકની માહિતી છે. જેમાં ભગવાન રામ તાપી કિનારે ફરતા-ફરતા દક્ષિણ તરફ લંકા પહોંચ્યા હોવાનો ઉલ્લેખ છે. સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્ત્પત્તિને લઇને અનેક લોકવાયકાઓ છે. સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું અને લોકમાતા તાપીમૈયાનો જન્મ થયો એવુ કહેવાય છે.
તો બીજી લોકવાયકા મુજબ, બ્રહ્માજીના નાભિકમળમાંથી પૃથ્વીનો જન્મ થયા બાદ સૂર્યદેવની ગરમીથી દેવો અકળાયા હતા. તેઓએ ભગવાન આદિત્ય "સૂર્યદેવ"નું તપ કર્યુ હતું. દેવોના તપને લઇ ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા હતા. આનંદના અતિરેકમાં એમની જમણી આંખમાંથી આંસુનું એક ટીપું ધરતી પર પડ્યું હતું. તેમાંથી નદીનો પ્રવાહ ચાલ્યો અને લોકમાતા તાપીનો જન્મ થયો.
ગંગા, નર્મદા કરતા પણ તાપી પૌરાણિક નદી હોવાનું મનાય છે. ગંગાજીમાં સ્નાન, નર્મદાના દર્શન અને તાપીના સ્મરણ માત્રથી પાપો નષ્ટ થાય છે. એવી ભાવિક ભક્તોમાં દ્રઢ માન્યતા છે. મધ્યપ્રદેશમાં મૂલ્તાઇ સરોવરમાં જન્મસ્થાન ધરાવતી લોકમાતા તાપી મૈયાનો એક પ્રવાહ મહારાષ્ટ્રમાં અને બીજો મધ્યપ્રદેશ થઇને 724 થી વધુ કિલોમિટરની સફર ખેડીને સુરતમાં પ્રવેશ કરે છે અને તે પછી હજીરાના દરિયામાં સમાઇ જાય છે. મૂલ્તાઇમાં જન્મ બાદ એક ફાંટો મહારાષ્ટ્રમાં અને બીજો મધ્યપ્રદેશ થઇને સુરત આવે છે.
ધાર્મિક આસ્થા પ્રમાણે સુરતવાસીઓમાં લોકમાતા તાપીમૈયાનું ભારે મહાત્મ્ય જોવા મળે છે. તાપી માતાને સુરતવાસીઓ જીવાદોરી માને છે. ખાસ કરીને તાપી કિનારાના શહેરો અને ગામડાઓ તો ખેતીથી સમૃદ્ધિ તો પામ્યા જ છે, તેમની સાથે સાથે ૧૯૭૦-૭૧માં ઉકાઈ જળાશયની મહત્વકાંક્ષી સિંચાઇ પરિયોજના સાકાર થતાં દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓને સિંચાઇના પાણીનો લાભ મળ્યો છે. ત્યારે આજે લોકમાતાના જન્મ દિવસે શહેરીજનો તાપી માતાની આરતી ઉતારશે અને તેમને ચૂંદડી અર્પણ કરવામાં આવશે.
આજે કરાશે તાપીની સફાઈ
સૂર્યપુત્રી તાપી નદીનો આજે જન્મદિવસ હોવાથી તાપીમાં સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તાપી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનું પણ સામે આવ્યું છે. તાપી નદી સફાઈ અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં મૃત માછલી જોવા મળી હતી. તાપી નદીના અનેક ઓવારા આજે સફાઈ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે