ચેમ્પિયન્સ ટ્રોફીઃ નેધરલેન્ડ મેચ 1-1થી ડ્રો કરી ફાઇનલમાં પહોંચ્યું ભારત

ભારતીય પુરૂષ હોકી ટીમે આઠ વખતની ચેમ્પિયન અને યજમાન નેધરલેન્ડને ડ્રો પર રોક્યું. 

 ચેમ્પિયન્સ ટ્રોફીઃ નેધરલેન્ડ મેચ 1-1થી ડ્રો કરી ફાઇનલમાં પહોંચ્યું ભારત

બ્રેડાઃ અંતિમ રાઉન્ડ રોબિન મેચમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે રોમાંચક મુકાબલો 1-1થી ડ્રો પર ખતમ થયો અને આ સાથે ભારત ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચી ગયું. કાલે (રવિવાર) ભારતની ટક્કર ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે. પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં બંન્ને ટીમો ગોલ માટે સંઘર્ષ કરતી રહી અને અંતિમ ક્વાર્ટર ખૂબ રોમાંચક રહ્યું. 

ત્રીજા ક્વાર્ટરમાં ભારતે લીડ  મેળવી. મનદીપ સિંહે 47મી મિનિટે ગોલ કરીને ભારતને 1-0થી આગળ કરી દીધું. ત્યારબાદ નેધરલેન્ડની ટીમે 55મી મિનિટ થિરી બ્રિંકમૈને ગોલ કરીને મેચ બરોબરી પર લાવી દીધો. થોડા સમય બાદ નેધરલેન્ડની ટીમે વધુ એક ગોલ કર્યો પરંતુ તેને અમાન્ય ગણવામાં આવ્યો. રમતની બે મિનિટ બાદી હતી અને નેધરલેન્ડને એક બાદ એક પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ ટીમ વિજયી ગોલ ન મેળવી શકી. 

ઓસ્ટ્રેલિયા 10 અંક સાથે ટોપ પર છે અને તેણે પહેલા જ રવિવારે યોજાનારી ફાઇનલમાં સ્થાન બનાવી લીધું હતું. 6 દેશોની આ ટૂર્નામેન્ટના નિયમો પ્રમાણે રાઉન્ડ રોબિન ચરણમાં પ્રથમ અને બીજા સ્થાન પર રહેનારી ટીમ ફાઇનલમાં સ્થાન બનાવે છે. ભારતને ફાઇનલમાં પહોંચવા માટે ડ્રોની જરૂર હતી અને નેધરલેન્ડને ફાઇનલમાં પહોંચવા માટે જીતની જરૂર હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news